30 September, 2026 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘૂંટણના રિપ્લેસમેન્ટ અથવા લિગામેન્ટ સર્જરી પછી શરૂઆતનાં થોડાં અઠવાડિયાંમાં સૌથી મોટી અડચણ મોટા ભાગે દુખાવો નથી હોતો, સોજો હોય છે. સોજો એવું કામ કરે છે જેની મોટા ભાગના લોકો અપેક્ષા નથી રાખતા. જ્યારે ગોઠણની અંદર પ્રવાહી ભેગું થાય છે ત્યારે શરીર એની ઉપર આવેલા જાંઘના સ્નાયુઓને શાંતિથી સ્વિચ્ડ-ઑફ એટલે કે બંધ કરી દે છે. દરદીઓ આ અનુભવ સ્પષ્ટ રીતે જણાવે છે. તેઓ પગ ઊંચો કરવા માગે છે, પ્રયત્ન પણ કરે છે પણ કશું જ થતું નથી. આ નબળાઈ નથી અને પ્રયત્નમાં કોઈ ખામી પણ નથી. આ ગોઠણનું પોતાનું રક્ષણ કરવાની એક રીત છે. એક વાર સોજો ઓછો થઈ જાય પછી સ્નાયુઓ ફરી પ્રતિસાદ આપવાનું શરૂ કરે છે. આ જ કારણ છે કે શરૂઆતમાં જ સોજા પર નિયંત્રણ મેળવવું ખૂબ મહત્ત્વનું છે. આઇસ પૅક એટલે કે બરફનો શેક દુખાવામાં રાહત આપે છે, પરંતુ ફક્ત બરફ અડધું જ કામ કરે છે. ઠંડક એ વિસ્તારને સુન્ન કરે છે અને મગજ સુધી પહોંચતા દુખાવાના સંકેતોને ધીમા પાડે છે. ગોઠણ પર સતત અને હળવું દબાણ પણ આ પરિસ્થિતિમાં ઉપયોગી છે. એ ભેગા થયેલા પ્રવાહીને સાંધામાંથી બહાર ધકેલીને શરીરની પોતાની ડ્રેનેજ સિસ્ટમમાં મોકલે છે. સાથે મળીને ઉપયોગ કરવાથી, ઠંડક અને દબાણ બન્નેમાંથી કોઈ એક કરતાં વધુ ઝડપથી સોજો ઓછો કરે છે. કોલ્ડ કૉમ્પ્રેશન રૅપ આ જ કામ કરે છે. એ બરફના પૅકને ગોઠણ પર પકડી રાખે છે અને સાથે જ નિયંત્રિત દબાણ આપે છે.
તાજેતરનાં સંશોધનો પણ આ વાતને સપોર્ટ કરે છે. ની-રિપ્લેસમેન્ટ પછી ઠંડક અને દબાણનો એકસાથે ઉપયોગ કરનારા દરદીઓને પહેલા ૩ દિવસમાં ઓછો દુખાવો થયો, લગભગ એક અઠવાડિયું વહેલો ગોઠણ વાળવાનું શરૂ થઈ ગયું અને ૩ અઠવાડિયાં સુધીમાં તેઓ સારું ચાલી શક્યા. સામાન્ય રી-યુઝેબલ રૅપ પણ મોંઘાં મશીનો જેટલું જ સારું કામ કરે છે.
એનો ઉપયોગ એક વારમાં પંદરથી ૨૦ મિનિટ સુધી કરવો જરૂરી છે. વધુ સમય માટે ઉપયોગ કરવો યોગ્ય નથી. એનાથી ત્વચાને નુકસાન થવાનું જોખમ રહે છે. પહેલાં બેથી ૩ દિવસ માટે દર બેથી ૩ કલાકે એ કરવું. ત્યાર પછી દિવસમાં ચારથી પાંચ વખત, ખાસ કરીને દરેક ફિઝિયોથેરપી સેશન પછી કરવું. જેમ-જેમ તમારું હલનચલન સુધરે એમ-એમ ધીમે-ધીમે આ ઓછું કરો. બરફના પૅકને ક્યારેય ખુલ્લી ત્વચા પર સીધો ન મૂકો. વચ્ચે એક પાતળું કાપડ રાખો.
કસરત, ધીમે-ધીમે વજન આપવું અને તમારા થેરપિસ્ટ સાથે તમે જે કામ કરો છો એ જ ખરેખર ઘૂંટણને પહેલાં જેવો બનાવે છે. કોલ્ડ કૉમ્પ્રેશન એ કામને શક્ય બનાવે છે. એ દુખાવો અને સોજો એટલો ઓછો કરી દે છે કે જેથી તમે હલનચલન કરી શકો, ગોઠણ વાળી શકો અને કસરતમાં ભાગ લઈ શકો.