30 March, 2022 06:21 PM IST | Mumbai | Yogita Goradia
પ્રતીકાત્મક તસવીર
હું ૬૪ વર્ષનો છું અને મને દરરોજ સવારે વૉક પર જવાની આદત છે પરંતુ આજકાલ ખૂબ થાક લાગે છે. એવું લાગે છે કે જાણે ચાલવાની હિંમત જ નથી. આમ તો હું એકાંતરે મારું બ્લડ-પ્રેશર ચેક કરતો હોઉં છું. મોસ્ટલી નૉર્મલ આવે છે પણ એ દિવસે વૉક પરથી આવ્યો ત્યારે ખૂબ થાક લાગેલો અને પ્રેશર ચેક કર્યું તો ૯૦/૭૦ જેટલું થઈ ગયેલું. મને તો હાઈ બ્લડ-પ્રેશર છે તો પછી પ્રેશર ઓછું થવાનું શું કારણ હશે? મેં રેગ્યુલર ચેકઅપ કરાવ્યું પણ મારી ટેસ્ટ તો બધી નૉર્મલ આવી છે. બે દિવસ પહેલાં ચાલતાં-ચાલતાં મારા પગનો સ્નાયુ ખેંચાઈ ગયો. નસ ચડી ગઈ હોય એમ ટાઇટ થઈ ગયો. હજી ત્યાં થોડું દુખે છે. મારા પ્રેશર સાથે આને કોઈ સંબંધ ખરો?
મુંબઈમાં હાલમાં ગરમી ચાલુ થઈ ગઈ છે અને એ થોડી વધુ આકરી છે. ગરમી વધે એટલે પરસેવો વધે અને શરીરમાંથી જરૂરી મિનરલ્સ ઘટી જાય, જેમાં સોડિયમ પણ એક છે. સોડિયમ ઘટે એટલે પ્રેશર ઓછું થાય. ઘણા હાઈ બ્લડ-પ્રેશરના દરદીઓને એવું છે કે એમનું પ્રેશર કોઈ દિવસ ઘટશે નહીં, પરંતુ એવું નથી હોતું. એમનું બીપી પણ નીચે જાય છે. પરંતુ એમાં ગભરાવા જેવું કંઈ નથી. તમને જે સ્નાયુ ખેંચાઈ ગયો એ ક્રૅમ્પ પણ શરીરમાં ઘટેલાં પાણી અને મિનરલ્સની ચાડી ખાય છે. જ્યારે શરીરમાં પાણીની માત્રા ઘટે ત્યારે સ્નાયુઓમાં ક્રૅમ્પ આવતો હોય છે. એટલે તમે ઉનાળામાં આટલું ધ્યાન રાખો.
સવારે તમે બને એટલા વહેલા વૉક કરવા જાઓ જેથી ગરમી સહન ન કરવી પડે. બને તો છાંયડામાં જ ચાલો. બીજું એ કે વૉક પર જતાં પહેલાં અઢળક પાણી પીને વૉક કરો અને એ પત્યા પછી પણ હાઇડ્રેશનનું ધ્યાન રાખો. ફક્ત પાણી પણ ઘણું ઉપયોગી છે. આખા દિવસમાં જો તમને કોઈ કિડની પ્રૉબ્લેમ ન હોય તો ૩ લિટર પાણી જવું જ જોઈએ. પાણી સિવાય નારિયેળપાણી, લીંબુપાણી કે જૂસ જે તમારા શરીરને માફક આવે એમ હોય એ લઈ શકાય. આખા દિવસમાં જે પણ ખાઓ એ થોડું-થોડું ખાઓ, ભલે પછી દિવસમાં પાંચેક વાર ખાવું પડે. એનાથી પણ સારું રહેશે. તમારા ઇલેક્ટ્રોલાઇટ્સને બૅલૅન્સ કરો. જમવામાં દૂધી, ગલકાં, કાકડી જેવી શાકભાજી વધુ ખાવી. ફ્રૂટમાં તરબૂચ, ટેટી અને તાલગોળા ખાવાં. આમ જો તમે હાઇડ્રેશનનું ધ્યાન રાખશો તો થાક પણ નહીં લાગે અને સ્વસ્થતા રહેશે.