પ્રેગ્નન્સી દરમ્યાન મારું વજન જોઈએ એટલું નથી વધ્યું, કેવો ડાયટ લેવો?

17 October, 2011 08:32 PM IST  | 

પ્રેગ્નન્સી દરમ્યાન મારું વજન જોઈએ એટલું નથી વધ્યું, કેવો ડાયટ લેવો?

 

(ડૉ. યોગિતા ગોરડિયા, ડાયેટિશ્યન કમ ફિટનેસ એક્સપર્ટ)

સવાલ : મારી ઉંમર ૨૮ વર્ષ છે. મને પ્રેગ્નન્સીનો ચોથો મહિનો જાય છે, પણ હજી સુધી મારા વજનમાં ખાસ વધારો નથી થયો. એને કારણે મારાં સાસુમા મને વારંવાર ખૂબ ખવડાવ્યા કરે છે. દોઢ માણસનું ખાવું જરૂરી છે એવી સલાહ મારી મમ્મી પણ આપે છે, પણ મને ચિંતા થાય છે કે અત્યારથી વજન વધી જશે તો પછી છેલ્લા મહિનાઓમાં તકલીફ પડશે. મારું ઓવરઑલ વજન નૉર્મલ છે. ગાયનેકોલૉજિસ્ટ તો કહે છે કે પહેલાં કરતાં દોઢું ખાવાની જરૂર નથી. પૌષ્ટિક ખાવાનું લેવું. એ માટે ડાયટ-ચાર્ટ બનાવવાનું કહ્યું છે.

જવાબ : નવ મહિના દરમ્યાન સ્ત્રીઓનું વજન આશરે દસથી બાર કિલો વધે છે. એક મહિને બે કિલો વધે, બીજા મહિને જરાય ન વધે અને ત્રીજા મહિને અચાનક ત્રણ-ચાર કિલો વજન વધે એવું ન થવું જોઈએ. દર મહિને સાતત્યપૂર્વક વજનમાં વધારો થતો રહેવો જોઈએ. બીજા છ મહિના દરમ્યાન શરીરને વધારાની ૨૦૦થી ૨૫૦ કૅલરીની જરૂર હોય છે. આટલી જરૂરિયાત એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સ, એકાદ વધારાની રોટલી કે ભાખરી, એક ગ્લાસ દૂધ, જમવામાં ઍડિશનલ એક વાટકી દાળ, બપોરે એક કેળું અને બે ખાખરા જેવી કોઈ પણ એક ચીજ તમારા જમવા ઉપરાંત કે જમતી વખતે વધારે લેવાથી પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિના દરમ્યાન પૂરતું પોષણ મળી રહે છે.

એક બેઠકે ભરપેટ ખાવાની જગ્યાએ થોડું-થોડું દિવસમાં ચારથી પાંચ વાર ખાવું. સવારે બ્રેકફાસ્ટ ક્યારેય મિસ ન કરવો. લાંબો સમય ભૂખ્યા ન રહેવું. સંપૂર્ણ આહાર લેવો એટલે કે આખા દિવસ દરમ્યાન પ્રોટીન, વિટામિન્સ, કાબોર્હાઇડ્રેટ અને ફાઇબરનું સંતુલન જળવાઈ રહે એ રીતે સવારે, બપોરે અને સાંજે ભોજન લેવું. પ્રોટીન માટે સોયામિલ્ક અને સોયાનટ લઈ શકાય. ફૉલિક ઍસિડનાં સપ્લિમેન્ટ્સ ડૉક્ટરની સલાહ મુજબ લેવાં. આયર્ન પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે વેજિટેબલ પૌંઆ કે કઠોળ પર ઉપરથી લીંબુ નિચોવીને ખાવું