29 August, 2024 11:22 AM IST | Mumbai | Laxmi Vanita
પ્રતીકાત્મક તસવીર
‘ગટ હેલ્થને સારી રાખો અને ચહેરો ચમકાવો’ના નારા આપતા સોશ્યલ મીડિયા પર પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સથી ગટ હેલ્થને સારી રાખવાની ફૅશનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વારંવાર જે ગટ શબ્દનો ઉપયોગ થાય છે એ ગટ છે શું એ પહેલાં સમજી લો. ગટ એટલે ગૅસ્ટ્રોઇન્ટેસ્ટનલ ટ્રૅક્ટ. પેટ, આંતરડાં અને કોલોન આ ત્રણ અવયવોનો સમાવેશ ગટમાં થાય; જેનું મુખ્ય કામ છે ખાવાનું પાચન કરવાનું, પોષક તત્ત્વોનું શોષણ કરવાનું અને વેસ્ટ પ્રોડક્ટને બહાર ફેંકવાનાં. આપણા પાચનતંત્રના આ અવયવોમાં કેટલાક ખાસ પ્રકારના બૅક્ટેરિયા જન્મતા હોય છે જે શરીરને મદદ કરનારા હોય છે. જોકે આજની બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે ગટમાં કુદરતી રીતે જન્મતા બૅક્ટેરિયાનો જીવ જોખમમાં છે. એની સંખ્યા ઘટી રહી છે એટલે જ આજકાલ પ્રીબાયોટિક્સ એટલે કે આ બૅક્ટેરિયા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરનારો આહાર અને પ્રોબાયોટિક્સ એટલે કે આ બૅક્ટેરિયા જેમાં હોય એ આહાર, એ બન્નેની બોલબાલા વધી છે. જોકે એમાં જ એનો ઓવરડોઝ કરનારાઓની સંખ્યા વધી રહી છે.
આપણા આહારમાં દહીં અનિવાર્ય છે. દહીંને સૌથી સારું પ્રોબાયોટિક માનવામાં આવે છે. એ સિવાય આથાવાળી વસ્તુઓ પણ પ્રોબાયોટિકનો સારો સોર્સ ગણાય છે. બીજી બાજુ ફાઇબરયુક્ત લીલી શાકભાજી અને ફળો પણ પ્રીબાયોટિક્સ તરીકે ગટને સારા બૅક્ટેરિયા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે બેસ્ટ પર્યાય છે - ડૉ. રોનક અજમેરા, ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ
બદલાયા ગટ બૅક્ટેરિયા
સાદી ભાષામાં પેટ, આંતરડાં અને અન્નનળીના ગટ બૅક્ટેરિયા વિશે વિગતો આપતાં બોરીવલી અને કાંદિવલીમાં પ્રૅક્ટિસ કરતા ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. રોનક અજમેરા કહે છે, ‘આપણાં આંતરડાંમાં શરીર માટે જરૂરી એવા ઘણા બૅક્ટેરિયા હોય છે જેને મેડિકલની ભાષામાં ‘નૉર્મલ ફ્લોરા બૅક્ટેરિયા’ એટલે કે સારા બૅક્ટેરિયા કહેવામાં આવે છે. એ બૅક્ટેરિયા પાચનતંત્રમાં, ગટની હેલ્થ સારી રાખવામાં, હૉર્મોનની સમતુલા જાળવવામાં અને અન્ય રીતે પણ મદદરૂપ છે. જ્યારે આ ફ્લોરા બૅક્ટેરિયાના સ્વભાવમાં બદલાવ આવે ત્યારે રોગ થતો હોય છે. આ બૅક્ટેરિયા ઑલ્ટર થાય તો રિપોર્ટમાં ખ્યાલ આવી જાય છે. મોટા ભાગના રોગોમાં આ બૅક્ટેરિયાનો બદલાયેલો સ્વભાવ જ જવાબદાર હોય છે. તો પ્રોબાયોટિક દવામાં આ ખાસ પ્રકારના સારા બૅક્ટેરિયા જ છે જે આંતરડાંમાં સારા બૅક્ટેરિયાનું પ્રમાણ વધારે છે, જેના કારણે પાચન સારું થાય અને સારાં પોષક તત્ત્વોનું શરીરમાં ઍબ્સૉર્પ્શન નિયમિત બની શકે છે. કોઈ પણ પ્રકારના અપચાને કે પેટને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે પ્રોબાયોટિક્સને દવારૂપે આપવામાં આવતાં હોય છે, પરંતુ એ એક્સ્ટ્રીમ કેસમાં. બધાને આ દવા લેવાની જરૂર નથી હોતી.’
આહાર એવો ઓડકાર
પ્રોબાયોટિક્સ એટલે સારા બૅક્ટેરિયા અને પ્રીબાયોટિક્સ એટલે આ સારા બૅક્ટેરિયાની વૃદ્ધિ માટે ખોરાક પૂરો પાડતું ફાઇબર. ડૉ. રોનક કહે છે, ‘આમ જોવા જઈએ તો આ બન્નેની કોઈ આડઅસર નથી એટલે કોઈ પણ લઈ શકે છે. જેમનું ગટ હેલ્ધી હોય તેઓ એ હેલ્થ મેઇન્ટેન રાખવા માટે પ્રીબાયોટિક્સ લઈ શકે છે અને જેમને પાચનતંત્રને લગતી સમસ્યાઓ હોય તેઓ પ્રી અને પ્રોબાયોટિક્સ બન્ને લઈ શકે છે. જોકે એ પછીયે કહીશ કે નૅચરલ પ્રોડક્ટમાંથી મેળવવાને બદલે દવાના ફૉર્મમાં લેતા હો તો ડૉક્ટરની સલાહ મુજબ જ આગળ વધવું. સામાન્ય લોકોને ખાસ કહેવાનું કે આ પ્રોડક્ટથી ઑબ્સેસ થવાની જરૂર નથી અને આ કોઈ મૅજિક ડ્રગ્સ નથી જેને ખાતાની સાથે જ તમારી ગટ હેલ્થ સુધરી જશે. ચણા-મમરાની જેમ આને ખાવાની ન હોય. જ્યારે એકસાથે ઘણીબધી ટૅબ્લેટ લેવામાં આવે તો એનાથી અંદર ઇન્ફેક્શન થઈ શકે છે. તેમ જ જેમને ઇમ્યુનોસપ્રેસન્ટ એટલે કે દવા લેવાની સહનશક્તિ ઓછી હોય તેમણે પણ આ દવા લેવી જ ન જોઈએ. અમુક પ્રકારના કિડનીના રોગોમાં કે આંતરડાંના રોગમાં પણ આ દવા અવગણવી જોઈએ. જે લોકોની લાસફસ્ટાઇલ અનિયમિત હોય કે ખાવાનો કોઈ ચોક્કસ સમય ન હોય તેમણે પણ આ દવા ન લેવી જોઈએ.’
કુદરતી પ્રોબાયોટિક્સ એટલે કે દહીં, ફળો અને શાકભાજી તમારી ગટ હેલ્થને વધારે સારી રાખી શકે છે તો શું કામ દવાઓને રવાડે ચડવું એમ જણાવતાં ડૉ. રોનક કહે છે, ‘ગુજરાતીમાં કહેવત છે કે આહાર એવો ઓડકાર તો એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે. તમે જેવો આહાર ખાઓ છો એના આધારે તમારા ગટ બૅક્ટેરિયામાં બદલાવ આવે છે. જ્યારે સમતોલ કે સાત્ત્વિક આહાર ખાઓ છો તો ગટને મજા પડે છે. જ્યારે ગટ હેલ્થ સારી હોય ત્યારે માઇન્ડથી લઈને શરીરનું દરેક અંગ સ્વસ્થ રહે છે. સારી ગટ હેલ્થ સાઇકોલૉજિકલી પણ અસરકારક રહે છે, જેનાથી ત્વચા પર ચમક રહેશે જ. પેટની સમસ્યા ન હોય તો તમારી ઓવરઑલ હેલ્થ પણ ખુશ રહે છે.’
ઓવરડોઝની આડઅસરો શું છે?
આમ તો આ પ્રોડક્ટ નુકસાનકારક નથી એમ જણાવીને ન્યુટ્રાસ્યુટિકલ સાયન્ટિસ્ટ તરીકે કામ કરતી અંજલિ ત્રિપાઠી કહે છે, ‘અમુક પરિસ્થિતિ કે કન્ડિશનમાં ગટ હેલ્થ સારી કરવા માટે જ દવા ખાધી હોય તો એનાથી એકદમ વિપરીત પરિણામ મળી શકે. ખરાબ ગટ હેલ્થને વધુ ખરાબ પણ કરી શકે છે. આના ઓવરડોઝથી ત્વચા પર ખંજવાળ થઈ શકે કે પછી શરીરની અંદર ઇન્ફેક્શન થઈ શકે. દરેક વ્યક્તિમાં આની અસર જુદી હોય છે. પ્રી અને પ્રોબાયોટિક્સ કૉમ્બિનેશનના ડોઝની મર્યાદા હોય છે, જે અમુક લોકોમાં કામ કરે અને અમુક લોકોમાં ન પણ કામ કરે. આ દવા લીધા પછી જો તમને કોઈ પણ એવાં અજુગતાં ચિહ્નો દેખાય તો તરત જ એનાં સપ્લિમેન્ટ બંધ કરીને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ પ્રોડક્ટની કોઈ ગંભીર આડઅસરો સાબિત થઈ હોય એવાં સંશોધન પેપર હજી સુધી પ્રકાશિત નથી થયાં. તમે પ્રી અને પ્રોબાયોટિકની ફૂડ પ્રોડક્ટ યાકુલ્ટ વિશે માહિતગાર હશો. ફૂડ દવા કરતાં અલગ થઈ જાય. એટલે જ દવાને બદલે પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સની કૅટેગરીમાં આવતાં ફૂડ લેવાની સલાહ હું આપીશ. માર્કેટમાં એ કૅટેગરીમાં આવતાં ફૂડ અવેલેબલ છે.’
ત્વચા છે ઇન્ડિકેટર
ન્યુટ્રાસ્યુટિકલ સાયન્ટિસ્ટ અંજલિ ત્રિપાઠી
ગટ-હેલ્થ સારી ન હોય ત્યારે ચહેરા પર ડાઘા કે ફોડકી કે ખીલ દેખાઈ જતા હોય છે કાં તો ખરતા વાળમાં વધારો થઈ જાય છે. આ ચિહ્નો પેટ ખરાબ હોવાની નિશાની છે. ન્યુટ્રાસ્યુટિકલ પર માસ્ટર્સ કરનારી અને ન્યુટ્રાસ્યુટિકલ સાયન્ટિસ્ટ તરીકે કામ કરતી અંજલિ ત્રિપાઠી કહે છે, ‘આપણાં આંતરડાંમાં પ્રોબાયોટિક્સ એટલે કે સારા બૅક્ટેરિયા પહેલેથી જ હોય છે. પ્રીબાયોટિક્સ એની હેલ્થ સારી રાખે છે. આ પ્રોડક્ટ મોટા ભાગે ૧૮ વર્ષથી ઉપરના લોકો કે જેમણે પાચનતંત્રને લગતી કોઈ સમસ્યા હોય છે એ સમસ્યા સાથે ડીલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલી છે જેમાં પ્રી અને પ્રોબાયોટિક્સનું યોગ્ય કૉમ્બિનેશન અસરકારક રહે છે. આ બૅક્ટેરિયા ઘણીબધી વસ્તુઓની હેલ્થ સાથે સંકળાયેલા છે. જેમ કે ગટ હેલ્થ ત્વચાને લગતા ઘણાબધા રોગો જેવા કે ખીલ, એક્ઝીમા, પ્રીમૅચ્યોર એજિંગ, સૉરાયસિસ સાથે પણ સંકળાયેલી છે. અપચાને કારણે બ્લોટિંગ થાય છે કે પેટમાં દુખે છે, જ્યારે આપણે ઘણીબધી શુગરયુક્ત વસ્તુ, પ્રોસેસ્ડ કે અનહેલ્ધી આહાર લઈએ ત્યારે ઘણા સારા બૅક્ટેરિયા મરી જતા હોય છે.’