19 June, 2024 09:13 AM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
માસિક ધર્મ. આ શબ્દ જ સૂચવે છે કે માસિક જેવી અતિ મહત્ત્વની બાબતને આપણી ભાષામાં ધર્મ કહેવામાં આવે છે, કારણ કે એ સ્ત્રીના અસ્તિત્વનું પરમ તત્ત્વ છે. જેના થકી તે સ્ત્રી બને છે એ તત્ત્વની અસર સ્ત્રી પર સૌથી વધુ હોય એ સમજી શકાય એમ છે. સ્ત્રીના સ્વાસ્થ્યમાં તેનું માસિક ચક્ર અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો સ્ત્રીના પિરિયડ્સ રેગ્યુલર હોય તો એ માસિક ચક્ર એને અઢળક માંદગીઓનાં ચક્કરોથી બચાવતું હોય છે અને બીજી બાજુ સ્ત્રીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સીધી અસર તેના માસિક પર પડે છે. એ સ્વાસ્થ્ય જોખમાય કે માસિકને લગતી ઘણી મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. જેમ દરેક સ્ત્રી અલગ છે એમ તેનું માસિક ચક્ર પણ વત્તે-ઓછે અંશે અલગ રહેવાનું. તમારું માસિક પણ તમારી હેલ્થ વિશે ઘણું કહી જાય છે. માસિકમાં આવતા જુદા-જુદા પ્રૉબ્લેમ્સ શું સૂચવે છે અને એ માટે ડૉક્ટર પાસે જવું જોઈએ કે નહીં એ બાબતને સમજવાની કોશિશ કરીએ.
નિયમિત કે અનિયમિત?
માસિક દર મહિને આવે એ બરાબર પરંતુ દર મહિને ન આવે તો એને અનિયમિત કહેવાય ખરું? એ વિશે સમજાવતાં મધરકૅર નર્સિંગ હોમ, અંધેરીના ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડૉ. જયેશ શેઠ કહે છે, ‘આદર્શ રીતે દર ૨૮-૩૦ દિવસની સાઇકલ નક્કી હોય છે, પણ જોવા જઈએ તો દરેક સ્ત્રીની સાઇકલ જુદી હોય છે. ઘણી વાર કોઈને દર ૩૫ દિવસે માસિક આવે તો ઘણાને દર બાવીસ દિવસે. જો આ તમારી પહેલેથી જ પૅટર્ન હોય તો એમાં કશું ખોટું નથી. વળી એક અઠવાડિયું આગળ-પાછળ થવું પણ નૉર્મલ જ ગણાશે. કિશોર છોકરીઓને જ્યારે પિરિયડ્સ શરૂ થાય ત્યારે શરૂઆતનાં બે વર્ષ એ ઘણા અનિયમિત રહે જ છે. એટલે આ બાબતે ચિંતા ન કરવી. ધીમે-ધીમે એની સાઇકલ સેટ થશે. આ સિવાયની કોઈ પૅટર્ન હોય તમારી કે દર ૧૫ દિવસે માસિક આવે કે દર ૪૫ દિવસે, ક્યારેક ૨૦ દિવસમાં આવે અને ક્યારેક બે મહિને તો આ પરિસ્થિતિમાં ચોક્કસ ડૉક્ટરને મળવું જરૂરી છે. આ અનિયમિતતા પાછળ અઢળક કારણો જવાબદાર હોઈ શકે છે; જેનું યોગ્ય નિદાન કરવું જોઈએ અને ઇલાજ કરાવવો જોઈએ.’
વધુપડતો રક્તસ્રાવ
ઘણી સ્ત્રીઓને માસિકમાં હેવી ફ્લો એટલે કે વધુપડતો રક્તસ્રાવ થવાની તકલીફ હોય છે. રાત્રે ઊઠી-ઊઠીને પૅડ્સ બદલાવવાં પડે કે સૌથી વધુ કૅપેસિટીનો મેન્સ્ટ્રુઅલ કપ પણ વારંવાર ઓવરફ્લો થયા કરે એ પરિસ્થિતિ શું સૂચવે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘આ પરિસ્થિતિમાં થાય છે એવું કે શરીરમાંથી ઘણા લાલ રક્તકણો જતા રહે છે; જેને લીધે નબળાઈ આવે, હીમોગ્લોબિનની માત્રા ઘટી જાય. જો માસિક દરમિયાન શ્વાસ ફૂલે, અતિ થાક લાગે, ચહેરો પીળો પડી જાય, ધબકારા વધી જાય તો સમજવું કે હીમોગ્લોબિન ઓછું છે. આપણે ત્યાં લગભગ અડધોઅડધ સ્ત્રીઓ એનીમિયા ધરાવે છે, જેનો ઇલાજ અનિવાર્ય છે. રક્તસ્રાવ વધુ રહેતો હોય એ સ્ત્રીઓએ નિયમિત આયર્ન સપ્લિમેન્ટ લઈ શકાય. ખોરાકમાં પણ બીટ, ઘી-ગોળ, તાંદળજાની ભાજી લેવાં. વધુપડતો રક્તસ્રાવ ક્યારેક હોય તો ઠીક છે, પરંતુ જો ઘણા વખતથી રહેતો હોય તો ડૉક્ટરને બતાવવું જોઈએ. અમુક સંજોગોમાં એને રોકવા માટે દવા પણ લેવી જરૂરી બને છે.’
એક જ દિવસ કે વધુ દિવસો સુધી
ઘણી છોકરીઓને રક્તસ્રાવ વધુ ન હોય, પરંતુ ઘણા દિવસ સુધી રક્તસ્રાવ રહે. ઘણી વાર એનાથી વિપરીત એક જ દિવસ રક્તસ્રાવ થાય અને પછી ન થાય. આ પરિસ્થિતિ ક્યારે આવતી હોય છે? આ બાબતે ડૉ. જયેશ શેઠ કહે છે, ‘અમુક વાર માસિક નિયમિત ન હોય અને અનિયમિતતાને લીધે એકદમ ઓછા દિવસ માટે કે ઘણાબધા દિવસ સુધી રક્તસ્રાવ રહેતો હોય છે. ઘણી વાર પિરિયડ્સની શરૂઆત હોય તો પહેલાં ૧-૨ વર્ષમાં આ પ્રકારની અનિયમિતતા જોવા મળી શકે છે. જો તમારા પિરિયડ્સ આમ રેગ્યુલર આવતા હોય પણ પછી વર્ષમાં એકાદ વાર એક જ દિવસ આવે કે એક જ પૅડ ભરાય એટલો જ રક્તસ્રાવ થાય તો પણ એને સામાન્ય જ ગણીશું. અને કોઈ વાર ઘણા દિવસો સુધી ચાલે તો પણ તકલીફ નથી. બસ, એ વાત છે કે એક અઠવાડિયાથી વધુ જો રક્તસ્રાવ થાય તો ચોક્કસ એને અટકાવવો જરૂરી બને છે, જેના માટે ગાયનેકને મળવું જોઈએ.’
ક્લૉટ પસાર થાય ત્યારે
માસિક હંમેશાં રક્તના સ્વરૂપમાં એટલે કે પ્રવાહી રૂપે જ નીકળે છે, પરંતુ એની સાથે ઘણી વાર જામી ગયેલા લોહીના ટુકડા પણ પસાર થતા હોય એમ બને. એકાદ દિવસ એવા ટુકડા આવે તો ઠીક છે, પરંતુ જો બધા દિવસ આ પ્રૉબ્લેમ હોય તો તપાસ કરાવવી જરૂરી છે. મોટા ભાગે હેવી ફ્લો ધરાવતી છોકરીઓને આ તકલીફ થતી હોય છે. આ વિશે વાત કરતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘આ જે ક્લૉટ છે એ બીજું કશું નહીં પરંતુ જામેલું લોહી છે. એનો અર્થ એ થયો કે રક્તસ્રાવ વ્યવસ્થિત થતો નથી, જેને લીધે લોહી જામી જાય છે. આ પરિસ્થિતિમાં ડૉક્ટરને મળવું જરૂરી છે; કારણ કે આ થવા પાછળનાં કારણોમાં તમારા ગર્ભાશય, ઓવરી કે બીજાં કોઈ અંગોમાં તકલીફ, હૉર્મોન્સની તકલીફ, પેલ્વિક ઇન્ફ્લમૅટરી ડિસીઝ, કૉપર T લગાવવાને લીધે કદાચ ઊભી થયેલી તકલીફ, લોહીનો કોઈ વિકાર, તમારાં ગર્ભાશય, ઓવરી કે બીજાં કોઈ અંગોમાં તકલીફ હોઈ શકે છે. તમારા ડૉક્ટર તમને અમુક ટેસ્ટ કરાવવાનું સૂચન કરશે, જેમાં સીરમ FSH, LH, TSH, પ્રોલેક્ટિન જેવી હૉર્મોન્સની ટેસ્ટ અને CBC તથા બ્લડશુગર જેવી લોહીની તપાસ આવી જાય. હૉર્મોન્સની ટેસ્ટ માસિક આવે એના પાંચમા દિવસે જ કરાવવી જરૂરી છે, જેના પરથી તકલીફ સમજી શકાય. માસિક સંબંધિત મહત્ત્વની તકલીફોમાં આ ટેસ્ટ તમને જણાવી શકે છે કે કયા પ્રકારનાં હૉર્મોન્સ ઇમ્બૅલૅન્સ થઈ રહ્યાં છે. જો ટેસ્ટમાં કશું નીકળે તો એ મુજબનો ઇલાજ કરાવવો જરૂરી છે.’
પિરિયડ જ્યારે મિસ થાય
મોટા ભાગે દરેક છોકરીના માસિકની એક નિયમિતતા હોય છે. આદર્શ રીતે એ દર મહિને આવવા જ જોઈએ. જો ન આવે તો એક શક્યતા એ છે કે સ્ત્રી પ્રેગ્નન્ટ છે, પરંતુ જો એવું ન હોય તો શું સમજવું? એ વિશે જણાવતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘જો અવારનવાર તમારા પિરિયડ્સ મિસ થતા હોય તો એની પાછળનાં ઘણાં કારણોમાં સ્ટ્રેસ, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, વધુપડતું વજન પણ જવાબદાર હોઈ શકે છે. વજન ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે તમારા માસિકને નિયમિત અને હેલ્ધી રાખવા માટેનું. જો અનિયમિત માસિક સાથે તમને એક્સ્ટ્રા વાળનો ગ્રોથ, ખાસ કરીને મોઢા પર ઊગતા વાળ, ઍક્ને જેવી તકલીફ હોય તો તમને PCOS એટલે કે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ નામની તકલીફ હોઈ શકે છે. આ તકલીફ મેદસ્વી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, પરંતુ વજન ઓછું હોય પણ લાઇફસ્ટાઇલ ખરાબ હોય તો પણ આ તકલીફ થાય છે. એનો તરત જ ઇલાજ અનિવાર્ય છે. બાકી માસિકમાં અનિયમિતતા ત્યારે આવે છે જ્યારે મેનોપૉઝ નજીક હોય. આ અનિયમિતતા માટે કશું કરવાનું હોતું નથી.’
બે માસિકની વચ્ચે દેખાતો રક્તસ્રાવ
ઘણી વાર બે માસિકની વચ્ચે અચાનક જ રક્તસ્રાવ થાય, ભલે થોડા સ્પૉટિંગ જેવું જ હોય. આવું થાય ત્યારે સહજ રીતે છોકરી ગભરાઈ જાય. આવું થવાનું કારણ શું હોઈ શકે એ સમજાવતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘આ ચિહ્નો પાછળનું કારણ ગર્ભાશયની કોઈ તકલીફ જેમ કે એન્ડોમેટ્રિયોસિસ, ફાઇબ્રૉઇડ્સ કે પોલિપ્સ જેવી તકલીફો હોઈ શકે છે. આ ચિહ્નો કેટલીક વાર પ્રેગ્નન્સી પછીના ૧૦-૧૪ દિવસોમાં પણ દેખાઈ શકે છે. આવું ક્યારેક થાય તો પણ એક વાર ચોક્કસ ડૉક્ટરને મળી લેવું સારું.’
દુખાવો સહજ
માસિક વખતે અમુક પ્રકારનો પેટનો કે પીઠનો કે પગનો દુખાવો સહજ છે પરંતુ અમુક છોકરીઓને આ અનહદ અને અસહ્ય દુખાવો થઈ જતો હોય છે. મોટા ભાગે નાની છોકરીઓને એ વધુ થતો હોય છે. જેમ-જેમ તે મોટી થતી જાય એમ દુખાવો ઘટતો જાય છે અને બાળક આવ્યા પછી એ મહદ અંશે જતો જ રહે છે. ઘણાને થોડું ઝાડા જેવું પણ લાગતું હોય છે. છતાં પણ સમજવાનું એ છે કે જો તમને માસિક સંબંધિત અતિશય દુખાવો થતો હોય તો એ કોઈ પણ રીતે નૉર્મલ નથી. માસિકમાં ડિસકમ્ફર્ટ હોઈ શકે, થોડો દુખાવો જે એક રીતે સહ્ય હોય એ નૉર્મલ છે. બાકી લાઇફસ્ટાઇલમાં બદલાવ, તપાસ અને જરૂર પડે તો ઇલાજ જરૂરી છે.