પિરિયડ્સમાં જે જેલી જેવો પદાર્થ પડે છે એ શું છે?

16 May, 2023 03:54 PM IST  |  Mumbai | Dr. Suruchi Desai

પિરિયડ્સ રેગ્યુલર હોવા એ દરેક સ્ત્રી માટે જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૩૪ વર્ષની છું. છેલ્લા ૬ મહિનાથી મારા પિરિયડ્સ થોડા અનિયમિત બન્યા છે ખરા. પહેલાં એક દિવસ પણ આઘોપાછો થતો નહીં, પરંતુ હમણાં ૧૦ દિવસ જેવું ઉપર-નીચે થાય છે. હું નાની હતી ત્યારે મારા પિરિયડ્સ વખતે ક્યારેક-ક્યારેક જે બ્લીડિંગ થતું એમાં એક જેલી જેવો પદાર્થ બહાર આવતો. મારાં મમ્મી કહેતાં કે એ નૉર્મલ છે. છેલ્લા થોડા વખતથી બ્લીડિંગ સાથે એ રેગ્યુલર બહાર આવી રહ્યા છે. મતલબ કે દર પિરિયડ્સમાં આવા જેલી જેવા કણ બહાર આવે છે. પહેલાં એવું નહોતું થતું. શું આ નૉર્મલ છે? આ જેલી જેવો પદાર્થ શું છે એ મને જાણવું હતું. 
 
પિરિયડ્સને લઈને ઘણા પ્રશ્નો મનમાં હોય અને એ કોને પૂછવા એ ન સમજાય એ વાત સમજી શકાય છે. બધા પાસે એનો જવાબ નથી હોતો અને હોય તો એ એટલો વૈજ્ઞાનિક નથી હોતો. મોટા ભાગે મમ્મીઓ કે ઘરની વડીલ સ્ત્રીઓ છોકરીઓને આવાજ જવાબ આપતી હોય છે કે આ નૉર્મલ છે અને આ નૉર્મલ નથી. જોકે એ ખોટો જવાબ હોય છે એવું પણ નથી હોતું. પિરિયડ્સ વખતે જે જેલી જેવો પદાર્થ વજાઈનામાંથી બહાર નીકળે છે એ ખૂબ જ ઘટ હોય છે. એ બીજું કઈ નહીં, પરંતુ બ્લડ ક્લૉટ્સ હોય છે જે શરીરમાંથી પસાર થતા રહેતા હોય છે. એમ પણ સમજી શકાય કે પિરિયડ્સનું જે લોહી છે એ ગંઠાઈ જાય છે, એ ગંઠાયેલો પદાર્થ એકદમ જેલી જેવો થઈ જાય છે. જો એ ખૂબ થોડા પ્રમાણમાં બહાર આવે તો એમાં ગભરાવા જેવું નથી. એની સાઇઝ નાની હોય, કોઈ દિવસ આવે અને કોઈ દિવસ નહીં, તો પછી એને નૉર્મલ ગણી શકાય. એમ સમજો કે એ તમારા પિરિયડ્સનો જ એક ભાગ છે, પરંતુ જો એ મોટા જથ્થામાં પડવા લાગે, પિરિયડના ૩ દિવસમાંથી દરેક દિવસે પડે તો ચિંતાનું કારણ હોઈ શકે. તો એનો અર્થ એ થાય કે તમારે ડૉક્ટરને એક વાર મળવાની જરૂર છે. પિરિયડ્સ રેગ્યુલર હોવા એ દરેક સ્ત્રી માટે જરૂરી છે. જો એ રેગ્યુલર ન હોય તો નાના-સુના હૉર્મોનલ બદલાવથી લઈને ‘પીસીઓડી’ જેવી કોઈ પણ પરિસ્થિતિ એના માટે કારણભૂત હોઈ શકે છે. પિરિયડ્સની અનિયમિતતા પર ધ્યાન આપો. લાઇફસ્ટાઇલમાં સુધાર કરો. જો છેલ્લા થોડા મહિનામાં વજન વધી ગયું હોય કે ખોરાક અનહેલ્ધી થયો હોય કે ઊંઘ બરાબર ન હોય, સ્ટ્રેસ ખૂબ વધી ગયો હોય જેવા કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો પર કામ કરો. એ કારણો દૂર કરો તો પિરિયડ્સ પણ રેગ્યુલર થઈ જશે.

columnists health tips