હૃદયના ધબકારા એકદમ વધે તો એની પાછળ કયાં કારણો હોઈ શકે છે

19 December, 2018 05:05 PM IST  |  | Jigisha Jain

હૃદયના ધબકારા એકદમ વધે તો એની પાછળ કયાં કારણો હોઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

કૉર્પોરેટમાં કામ કરતા ૩૨ વર્ષના વિવેક દોશીને એવું લાગતું કે તેને અચાનક જ દિવસ દરમ્યાન ખૂબ ગભરામણ થાય છે અને એકદમ જ ધબકારા વધી જાય છે. એક દિવસ તો તેને લાગ્યું કે જાણે હાર્ટ સીધું હાથમાં જ આવી જશે એટલું જોરથી ધબકે છે. પહેલાં તેને લાગ્યું કે આ કોઈ પૅનિક અટૅક છે કે સ્ટ્રેસને કારણે આવું થાય છે. એમ ધારીને તેણે જાતને એકદમ રિલૅક્સ કરી તો ધબકારા શાંત થતા લાગ્યા. એટલે આ ધારણા પાકી થતી જણાઈ. પહેલાં વિવેકને ક્યારેક જ એવો અહેસાસ થતો, પરંતુ છેલ્લા ૧૫ દિવસથી લગભગ દરરોજ જ તેને એવું લાગતું કે હૃદય ખૂબ જોરથી ધડકવા માંડે છે. તેને લાગ્યું આ નૉર્મલ તો નથી જ. તેણે ડૉક્ટર પાસે ચેક કરાવ્યું તો ડૉક્ટરે જરૂરી ટેસ્ટ કરાવી જેમાં ખબર પડી કે વિવેકના ધબકારા અનિયમિત છે અને ક્યારેક હૃદય ધબકારો ચૂકી જાય છે, જેને અરિધમિઆની તકલીફ કહે છે. વિવેકને સાથે શ્વાસમાં તકલીફ અને છાતીમાં દુખાવા જેવાં પણ લક્ષણ હતાં જ જે તે અવગણી રહ્યો હતો. પરંતુ સમયસર ડૉક્ટર પાસે પહોંચવાને કારણે તેનો ઇલાજ શરૂ થઈ ગયો, જે મહત્વનું છે. 

આજકાલ ઘણા લોકોના મોઢે સાંભળવા મળે છે કે મને પલ્પિટેશન થાય છે. જેને ક્યારેય પલ્પિટેશન નથી થયું તેને ખબર નહીં પડે કે તેને શું થાય છે એકદમ. હૃદય જ્યારે જોરથી કે ઝડપથી ધબકવા લાગે, એકાદ ધબકારો વચ્ચે ચૂકી જાય એવું લાગે કે પછી જેમ શરીરમાં નસ ફડકતી હોય એમ હૃદય ફડકતું હોય એમ લાગે એને હૃદયનું પલ્પિટેશન કહે છે. આ પલ્પિટેશન જરૂરી નથી કે છાતીમાં જ અનુભવાય. ક્યારેક એ ગળામાં અને ગરદનમાં પણ અનુભવાય છે. મહત્વની વાત એ છે કે પલ્પિટેશન એક અનુભૂતિ જ છે. ધબકારા યોગ્ય ન હોવાની અનુભૂતિ. આ અનુભૂતિ તમને ડરાવી શકે છે કે હેરાન કરી શકે છે. મોટા ભાગે આ થવા પાછળ ગંભીર કારણો નથી હોતાં કે નથી એ હંમેશાં નુકસાનકારક હોતી અને પોતાની મેળે જ એ ઠીક થઈ જતી હોય છે. પરંતુ સમજવા જેવી વાત એ છે કે શરીરમાં કોઈ પણ વસ્તુ વગર કારણે દેખા દેતી નથી. ધબકારાની અનિયમિતતા કે એની વધેલી ઝડપ પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. એ કારણો કયાં છે અને એને કેટલી ગંભીરતાથી લેવાં જોઈએ એ બાબતે આજે સમજીએ વૉકહાર્ટ હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની પાસેથી. 

જ્યારે પલ્પિટેશન થાય છે ત્યારે એની સાથે બીજાં ચિહ્નો પણ હોય તો એ પલ્પિટેશનનું લક્ષણ ગંભીર ગણાય છે અને એ ઇમર્જન્સી ગણી શકાય, જેમાં તાત્કાલિક તમારે હૉસ્પિટલ ભાગવું જરૂરી છે. આ લક્ષણો છે શ્વાસમાં તકલીફ, છાતીમાં દુખાવો, તમ્મર આવે કે ચક્કર આવે અને માથું હળવું લાગે તો સમજવું કે નક્કી હૉસ્પિટલ ભાગવું પડશે; કારણ કે આ ચિહ્નો બતાવે છે કે તમને હાર્ટની કોઈ તકલીફ છે. જેમ કે અરિધમિઆ, હાર્ટ-અટૅક, કૉરોનરી આર્ટરી ડિસીઝ, જન્મજાત હાર્ટમાં કોઈ ખામી, હાર્ટના વાલ્વમાં કોઈ તકલીફ, હાર્ટના સ્નાયુઓમાં ઉદ્ભવતી તકલીફ વગેરે. આ કોઈ પણ રોગના લક્ષણરૂપે પલ્પિટેશન થઈ શકે છે અને એની સાથે બીજાં લક્ષણો ભળે એટલે સમજવું કે હૉસ્પિટલ ભાગવું જરૂરી છે. 

કોઈ પણ સ્ટ્રૉન્ગ લાગણી જેમ કે ચિંતા કે ડર ઉદ્ભવે ત્યારે પલ્પિટેશન થાય છે. આજના સમયમાં સૌથી મહત્વનું કારણ જે ઘણા લોકોમાં જોવા મળે છે એ છે સ્ટ્રેસ અને એને કારણે પણ પલ્પિટેશન થાય છે. જ્યારે પણ લોકો સ્ટ્રેસમાં હોય ત્યારે એ રેસ્ટલેસ થઈ જતા હોય છે અને સાથે-સાથે પલ્પિટેશન અનુભવતા હોય છે.

જયારે ફિઝિકલી ખૂબ ઍક્ટિવ થઈ ગયા હો, દોડ્યા હો કે નૉર્મલ કરતાં શરીર પાસે ડબલ કામ કરાવ્યું હોય ત્યારે પણ પલ્પિટેશન થાય છે.

કૅફીન, નિકોટીન, આલ્કોહૉલ, ડ્રગ્સનું સેવન પણ ઘણા લોકો માટે પલ્પિટેશનનું કારણ બને છે. બધા લોકોને જ એવું થાય એમ જરૂરી નથી પરંતુ ઘણા લોકોને આ કારણોસર પલ્પિટેશન થાય છે.

હૉર્મોન્સમાં કોઈ જાતનો બદલાવ આવે ત્યારે પણ પલ્પિટેશન થઈ શકે છે જેમ કે માસિક દરમ્યાન, પ્રેગ્નન્સી દરમ્યાન કે પેરિમેનોપૉઝલ પિરિયડમાં આ વસ્તુ ઉદ્ભવી શકે છે. ક્યારેક પ્રેગ્નન્સી દરમ્યાન જો પલ્પિટેશન ઉદ્ભવે તો એ એનીમિયાની નિશાની હોય શકે છે. એટલે જ્યારે આવું થાય ત્યારે સતર્કતા જરૂરી છે.

સામાન્ય રીતે પણ કોઈને એનીમિયા થયો હોય તો પલ્પિટેશન થઈ શકે છે. આ સિવાય તાવ આવ્યો હોય ત્યારે કે ડીહાઇડ્રેશન થયું હોય ત્યારે પણ પલ્પિટેશન થઈ શકે છે.

આ સિવાય આજકાલ જેનો વ્યાપ વધ્યો છે એવા થાઇરૉઇડ પ્રૉબ્લેમ્સમાં પણ પલ્પિટેશન થઈ શકે છે.

લોહીમાંની શુગર ઓછી થાય એને લો બ્લડ-શુગર કહે છે ત્યારે અને લોહીનું દબાણ એટલે બ્લડ-પ્રેશર લો થાય ત્યારે પણ પલ્પિટેશન થાય છે. 

અમુક પ્રકારની દવાઓ, ડાયટ પિલ્સ, અસ્થમા ઇન્હેલર્સ જેવી કોઈ પણ દવાઓને કારણે પલ્પિટેશન થાય છે.

ઇલેક્ટ્રોલાઇટ લેવલ જેનું સામાન્ય ન હોય, ઓછું કે વધુ થઈ જાય ત્યારે પણ પલ્પિટેશન થાય છે.

કેટલાક લોકોને જમ્યા પછી પલ્પિટેશન થાય છે. ખાસ કરીને ભારે જમાઈ ગયું હોય ત્યારે. જે ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ્સ, શુગર અને ફૅટ વધુ હોય, મોનોસોડિયમ ગ્લુટામેટ, નાઇટ્રેટ કે સોડિયમનું પ્રમાણ વધારે હોય એ ખોરાકને લીધે પલ્પિટેશન થતું હોય છે. જો આવું તમને થતું હોય તો એનો અર્થ એ છે કે તમને ફૂડ સેન્સિટિવિટીની તકલીફ થઈ છે. આ વસ્તુની નોંધ લેવી અને એ ખોરાક ન ખાઓ જેને કારણે આ થતું હોય.

શું કરવું?

જ્યારે પણ પલ્પિટેશન થાય છે ત્યારે સતર્કતા અનિવાર્ય છે. આવું થાય ત્યારે શું કરવું જોઈએ એ સમજીએ ડૉ. પ્રતીક સોની પાસેથી. 

બને કે કોઈ સામાન્ય કારણસર જ તમને પલ્પિટેશન થાય છે, પરંતુ એ તમે નક્કી કઈ રીતે કરી શકો કે કારણ સામાન્ય જ છે? 

જો તમને નિયમિત ધોરણે પલ્પિટેશન થતું હોય તો એનો અર્થ એ થયો કે નક્કી કોઈ તો ગરબડ છે જ અને એ ગરબડને દૂર કરવી પણ એટલી જ જરૂરી છે. એટલે પલ્પિટેશન થાય ત્યારે સમજવાની કોશિશ કરો કે એ શા માટે થાય છે. 

ન સમજાય તો મેડિકલ હેલ્પ લો.

 ઇલાજ એટલે ફક્ત દવાઓ જ નહીં, પરંતુ જે કારણ એના માટે લાગુ પડે છે એ કારણને દૂર કરવાની વાત છે. જેમ કે જો સ્ટ્રેસને કારણે એ થતું હોય, સ્ટ્રેસથી શરીર પર થતી અસરનું પરિણામ એ છે તો સ્ટ્રેસને દૂર કરવું કે મૅનેજ કરવું જરૂરી છે. 


આ જ રીતે મેડિકલ કારણ હોય તો દવાઓથી અને બીજાં કારણો હોય તો લાઇફ-સ્ટાઇલ ચેન્જ વડે એને મૅનેજ કરવું જરૂરી છે.