વેઇટ-ટ્રેઇનિંગ લાંબા ગાળે હાડકાં અને સ્નાયુના રોગોથી બચાવે છે

30 August, 2012 06:38 AM IST  | 

વેઇટ-ટ્રેઇનિંગ લાંબા ગાળે હાડકાં અને સ્નાયુના રોગોથી બચાવે છે

બૉડી-બિલ્ડિંગ કરવા ઇચ્છતા લોકો જિમમાં જઈને વેઇટ-ટ્રેઇનિંગ પર ખાસ ભાર આપે છે. જોકે માત્ર મસલ્સ બનાવવા ઇચ્છતા લોકોએ જ નહીં, અન્ય કેટલા ફાયદાઓ માટે થઈને પણ વેઇટ-ટ્રેઇનિંગ ખૂબ જ જરૂરી છે. આઇડિયલી વજન ઉપાડવાની કસરતથી શરીરના કુલ ૬૫૦ સ્નાયુઓને કસરત મળે છે. મસલ્સની સહનશક્તિ વધતાં એની સ્ટ્રેન્ગ્થ વધે છે અને એનાથી બૉડીનું બૅલેન્સ સુધરે છે. વેઇટ-ટ્રેઇનિંગથી માત્ર સ્નાયુઓની સહનશક્તિ જ નહીં, બૉડીનો મેટાબોલિક રેટ પણ સુધરે છે.

ડાયાબિટીઝમાં વજન ઉપાડવું

વેઇટ-ટ્રેઇનિંગથી શરીરની ચયાપચયની ક્રિયા ઝડપી બનતી હોવાથી લોહીમાં વધારાનો ગ્લુકોઝ સંઘરાઈ રહેવાને બદલે એનું એનર્જીમાં રૂપાંતરણ થાય છે. લંડનની બોસ્ટન યુનિવર્સિટીના રિસર્ચરોએ તારવ્યું છે કે વેઇટ-ટ્રેઇનિંગને કારણે ટાઇપ-ટૂ પ્રકારના ડાયાબિટીઝમાં ફાયદો થાય છે. ટાઇપ-ટૂ પ્રકારના ડાયાબિટીઝના દરદીઓ જો નિયમિત ટ્રેઇનિંગ કરે તો બ્લડપ્રેશર અને બ્લડશુગર બન્ને કાબૂમાં રહે છે.

ઑસ્ટિયોપોરોસિસ

પહેલેથી જ હાડકાં મજબૂત હોય અને એની ઘનતા જાળવી રાખવામાં આવે તો એનાથી પાછલી જિંદગીમાં હાડકાં ગળવાની તકલીફ રોકી શકાય છે. શરીરનું વજન ધ્યાનમાં રાખીને યોગ્ય પ્રમાણમાં વજન ઊંચકવામાં આવે તો જૉઇન્ટ્સના સ્નાયુઓની ક્ષમતા અને હાડકાંની મિનરલ ડેન્સિટી વધે છે. જ્યારે હાડકાંમાં કૅલ્શિયમ અને મિનરલ્સ ઘટવા લાગે ત્યારે ઑસ્ટિયોપોરોસિસની તકલીફ થાય છે. ખાસ કરીને મિડલ-એજ સ્ત્રીઓ યોગ્ય માત્રામાં વેઇટ-ટ્રેઇનિંગ કરે તો મેનોપૉઝ પછી ઑસ્ટિયોપોરોસિસની તકલીફ નિવારી શકાય છે.

મૂડ અને આત્મવિશ્વાસ સુધારે

વેઇટ-ટ્રેઇનિંગની એક સાઇકોલૉજિકલ અસર પણ નોંધવામાં આવી છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના સાઇકિયાટ્રિસ્ટોએ નોંધ્યું છે કે લો ઇન્ટેન્સિટી વેઇટ-ટ્રેઇનિંગથી ડિપ્રેશન તેમ જ

લો-સેલ્ફ કૉન્ફિડન્સ ધરાવતા લોકોના મૂડમાં નોંધપાત્ર ફરક જોવા મળે છે. નિયમિત વેઇટ-ટ્રેઇનિંગ કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ સુધરે છે તથા શરીરમાં સ્ફૂર્તિ અને સ્ટ્રેન્ગ્થ વધે છે.

હાર્ટ-હેલ્થ માટે સારું

જો ઍરોબિક્સ એટલે કે કાર્ડિયો એક્સરસાઇઝની સાથે વેઇટ-ટ્રેઇનિંગનું સંયોજન કરવામાં આવે તો હૃદય અને ફેફસાંની ક્ષમતા સુધરે છે. વધુ વેઇટ ઉપાડવા માટે શરીરનો શ્વાસ પરનો કન્ટ્રોલ પણ સારો બને છે. હાર્ટઅટૅક, સ્ટ્રોક, આર્ટરીના ડિસીઝનું હળવું રિસ્ક ધરાવતા લોકો અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ હળવી વેઇટ-ટ્રેઇનિંગ કરે તો ફાયદાકારક બને છે.

વેઇટ-ટ્રેઇનિંગ દરમ્યાન કાળજી

શરૂઆત કરતી વખતે ખૂબ જ હળવું વજન ઉપાડીને કસરત કરવી. આખું બૉડી નૅચરલી જ વેઇટ વધુ ઉપાડી શકે એ માટે વધુ વજન ઉપાડવાની પ્રક્રિયા ખૂબ ધીમે-ધીમે વધારવી. નહીંતર જો આડેધડ ખૂબબધું વજન ઉપાડીને જ પહેલા જ દિવસે સ્ટ્રૉન્ગ બની જવાનો અભરખો રાખશો તો કાયમ માટે બૅકપેઇનનો શિકાર થઈ જાઓ એમ બને.

વજન ઉપાડવાથી કમર વાંકી વળી જાય એટલું વજન ઉપાડવું નહીં. ટટ્ટાર કમર રાખીને વજન સાથે ઊઠવા-બેસવાનું કમ્ફ્ર્ટેબલ બને એ પછીથી જ તમે વજન વધારી શકો છો. એક નિયમ બનાવી લો કે સતત પંદરેક દિવસ સુધી હળવું વજન ઉપાડ્યા પછી જ વજનમાં વધારો શરૂ કરવો. વેઇટ-ટ્રેઇનિંગ મસલ્સને સ્ટ્રૉન્ગ બનાવવા માટે છે, સખત બનાવવા માટે નહીં.

વેઇટ-ટ્રેઇનિંગમાં સાતત્ય અને શિસ્ત અગત્યનાં છે. જો નિયમિતતા નહીં જાળવો તો ગોટલા બાઝી જશે.