વજન ખૂબ જ ઓછું છે અને જન્ક ફૂડ ખાવા છતાંય વધતું નથી, શું કરવું?

28 September, 2011 03:35 PM IST  | 

વજન ખૂબ જ ઓછું છે અને જન્ક ફૂડ ખાવા છતાંય વધતું નથી, શું કરવું?

 

ડૉ. યોગિતા ગોરડિયા ડાયેટિશ્યન કમ ફિટનેસ એક્સપર્ટ

સવાલ : મારી ઉંમર ૨૬ વર્ષની છે. પહેલેથી જ મારો બાંધો ખૂબ પાતળો છે. વજન કેમેય નથી વધતું. ખૂબ પાતળી હોવાને કારણે લગ્નમાં તકલીફ પડી રહી છે. હું જન્ક ફૂડની શોખીન છું પણ મારાથી એ બધું વધારે ખાઈ નથી શકાતું. ડૉક્ટરને બતાવ્યું તો તેમણે કહ્યું કે થોડુંક ઘી-દૂધ વધુ લેવાનું ને કસરત કરવાની. જોકે હું થોડીક કસરત કરું છું તો થાકી જાઉં છું. ખાતી વખતે મારાથી ત્રણ રોટલીથી વધુ ખાઈ શકાતું જ નથી. ડૉક્ટરે ટીબીની ટેસ્ટ પણ કરાવી, પણ બધું નૉર્મલ છે. વજન વધે એ માટે શું કરવું જોઈએ? હું ઘરમાં જ પાર્ટટાઇમ ટuુશન્સ કરું છું ને એનું પણ કંઈ ટેન્શન નથી. શું ખાવાથી વજન વધશે?

 

જવાબ : જાડા થવા માટે જન્ક ફૂડ ખાવાની ભૂલ ન કરવી. જન્ક ફૂડ શરીરમાં ચરબી વધારશે, મસલ્સ નહીં. ઘી-તેલ કે બટર ભરપૂર ખાવાથી વજન વધશે એ જરૂરી નથી. પ્રોટીન મળે એવા દેશી સિંગ-ચણા વજન વધારવા માટે ઉત્તમ છે. વજન વધારવા માટે મસલ્સ બને એ જરૂરી છે. પ્રોટીન ઇનટેક વધે એ માટે તમે દૂધ, દહીં, છાશ, પનીર કે વેજ સૂપમાં પણ મગની કે તુવેરની દાળના દાણા નાખી શકો છો. વજન વધારવું હોય તો ભૂખ લાગે ત્યારે દૂધ-કેળાં, સિંગ-ચણા ને ગોળ, અખરોટ, બદામ, પિસ્તા, અંજીર જેવાં ડ્રાયફ્ૂટસ લેવાં જોઈએ. જે ખાઓ એ થોડીક માત્રામાં અને ચાવી-ચાવીને ખાવું મસ્ટ છે
સવારનો બ્રેકફાસ્ટ ક્યારેય ચૂકવો નહીં. બ્રેકફાસ્ટમાં ડ્રાયફ્રૂટ્સ કે મિલ્ક શેકની સાથે ઉપમા, પૌંઆ કે ખાખરા લઈ શકાય. બપોરના જમવામાં દાળ, ભાત, શાક, રોટલી, કઠોળ, સૅલડ અને છાશ લેવી. એકસાથે ન ખવાય તો પહેલાં શાક-રોટલી ને છાશ લેવું. બે કલાક પછી દાળ-ભાત ને સૅલડ લેવાં. બધી જ ચીજો
થોડી-થોડી લેવી જરૂરી છે.
સાંજે ફ્રૂટ-જૂસ, મિક્સ વેજ સૂપની સાથે થોડોક હળવો નાસ્તો જેવો કે વેજિટેબલ્સ નાખેલીને બનાવેલી ઇડલી, ઢોકળાં, સૅન્ડવિચ લઈ શકાય છે. રાતના જમવામાં પરાઠા અને પનીરનું શાક / વેજિટેબલ પુલાવ અને સૂપ / ખીચડી-શાક અને દૂધ જેવું લઈ શકાય. વધુપડતું ઘી કે તેલ લેવાનું ટાળવું.