માઇગ્રેનના દરદીઓ માટે શું પાણી બની શકે પેઇનકિલર?

21 August, 2012 06:27 AM IST  | 

માઇગ્રેનના દરદીઓ માટે શું પાણી બની શકે પેઇનકિલર?

રુચિતા શાહ

હવે તમને ક્યારેક માથાનો દુખાવો ઊપડે તો પેઇનકિલર લેવાને બદલે એક ગ્લાસ પાણી પી લેજો. શક્ય છે તમારો માથાનો દુખાવો મટી જાય. આવું નેધરલૅન્ડ્સના વૈજ્ઞાનિકોનું કહેવું છે. તેમણે  તારવ્યું છે કે પાણી પીવાથી જેને માઇગ્રેનની તકલીફ હોય અને નિયમિત માથાનો દુખાવો રહેતો હોય તેમને રાહત થાય છે. રિસર્ચરોના અભ્યાસ અનુસાર દિવસના સાત ગ્લાસ પાણી પીનારાને દુખાવામાં રાહત થવા ઉપરાંત તેમના જીવનની ગુણવત્તા પણ સુધરે છે. પણ ખરેખર શું પાણીને અને માથાના દુખાવાને કોઈ કનેક્શન હશે ખરું? માથું શા માટે દુખે છે? માથું દુખે ત્યારે શું થાય? એનો ઇલાજ શું?

સંશોધનમાં શું હતું?

૨૦૦૫માં નેધરલૅન્ડ્સની યુનિવર્સિટીના રિસર્ચરોના ધ્યાનમાં આવ્યું કે પિત્તાશયની તકલીફ ધરાવતા જે દરદીઓને વધુ પાણી પીવાની સલાહ આપેલી તેમના માઇગ્રેનના દુખાવામાં સારોએવો સુધાર આવ્યો હતો. એ બાબતના આધાર પર રિસર્ચરોએ ૧૦૦થી વધુ દરદીઓ એકઠા કર્યા જેમને વધતો-ઓછો માથાનો દુખાવો રહેતો હતો. એનાં બે ગ્રુપ પાડીને એક ગ્રુપને માઇગ્રેનની તકલીફમાંથી રાહત મેળવવા માટે અત્યાર સુધી જાણીતી પદ્ધતિ મુજબ કૉફી ન પીવી, ચિંતા ન કરવી, પૂરતી ઊંઘ લેવી જેવી બાબતો કરવા કહી અને અડધા જણને તેઓ રૂટીનમાં જેટલું લિક્વડ લે છે એની ઉપરાંત દોઢ લિટર પાણી ત્રણ મહિના સુધી પીવાનું કહેવામાં આવ્યું. સંશોધનના અંતમાં દરદીઓના માઇગ્રેનને લગતા સવાલોનું એક ક્વેનેર બનાવવામાં આવ્યું. એમાં દરદીએ આપેલા જવાબ પરથી ધ્યાનમાં આવ્યું કે જેમણે ત્રણ મહિના સુધી પાણી પીધું હતું તેમના માથાના દુખાવામાં ઉલ્લેખનીય સુધારો હતો. એના પરથી રિસર્ચરોએ તારવ્યું કે કેટલાક દરદીઓને પાણીના સેવનથી માઇગ્રેનથી રાહત મળી શકે છે. માટે થોડો સમય માટે માથું દુખે ત્યારે માઇગ્રેનનો દરદી પાણીનો પ્રયોગ કરી શકે છે.

ડૉક્ટરો સહમત નથી

માઇગ્રેનના દરદીઓના આ સસ્તા ઇલાજને ડૉક્ટરો ટેકો નથી આપતા. ન્યુરો સજ્ર્યન ડૉ. દીપુ બેનર્જી કહે છે, ‘આ શક્ય જ નથી. માઇગ્રેનને પાણી સાથે કોઈ ટેક્નિકલ સંબંધ નથી. મુખ્યત્વે માઇગ્રેનનો દુખાવો ઉદ્ભવે છે શરીરમાં સેરોટોનિન નામના કેમિકલનું ઓવર પ્રોડક્શન થવાને કારણે. મગજની અંદરની રક્તવાહિનીઓ સંકોચાય છે ત્યારે વ્યક્તિને માઇગ્રેનનો દુખાવો થાય છે.’

બીજી તરફ ડૉ. રવિ કોઠારી કહે છે, ‘પાણી ક્યારેય પેઇનકિલરનું કામ કરી શકે જ નહીં. પ્રત્યક્ષપણે પાણીને અને માથાના દુખાવાને કોઈ લેવાદેવા નથી. બેશક કેટલાક લોકો પાણી ઓછું પીતા હોય અને તેમને વાયુની અને કબજિયાતની તકલીફ રહેતી હોય. વાયુનો પ્રભાવ હોય એ ભાગમાં દુખાવો થાય છે. એટલે બની શકે કે કોઈ વાર પાણી પીવાને કારણે કબજિયાત દૂર થવાથી તેમ જ વાયુ નીકળી જવાથી માથાના દુખાવામાં રાહત મળી શકે.

માથું શા માટે દુખે?

માથું દુખવાનાં ઘણાં કારણો છે એમ જણાવીને ડૉ. મનોજ રાજાણી ઉમેરે છે, ‘બ્રેઇનમાં કોઈ નસ દબાતી હોય, ક્લૉટિંગ હોય, ટ્યુમર હોય કે માઇગ્રેન હોય એમ ઘણાં કારણોને કારણે માથાનો દુખાવો થઈ શકે છે. દરેક વ્યક્તિનું માથું દુખવાનું ટ્રિગર પૉઇન્ટ જુદું-જુદું હોઈ શકે છે. કોઈને તડકામાંથી ઘરે આવ્યા પછી માથું દુખે. કોઈને કંઈ ખાઈ લેવાથી માથું દુખે. કોઈને ન જમ્યા હોય તો ખાલી પેટને કારણે માથું ચડી જાય તો કોઈના પરિવારમાં કોઈને માઇગ્રેનની બીમારી રહી હોય અને જિનેટિકલી આ બીમારી આવી હોય એવું પણ બને.’

માથું દુખે ત્યારે શું થાય?

આપણે ત્યાં સામાન્ય માન્યતા છે કે મોટે ભાગે માથું દુખે એટલે મગજમાં દુખાવો થાય. ખરેખર માથું દુખે ત્યારે મગજને કંઈ જ થતું નથી. જેમ બીજા અવયવોમાં દુખાવો થાય અને મગજને સંવેદના પહોંચે એમ માથું દુખે ત્યારે મગજના સ્નાયુઓ અને મજ્જાતંતુઓમાં ઇરિટેશન નિર્માણ થાય છે જેની સંવેદના મગજ સુધી પહોંચે છે.

રિલીફ માટે શું?

આ રિસર્ચનું માનીને તમારે માથું દુખે ને પાણીના બે સિપ મારવા હોય તો ભલે મારો, પરંતુ એ પછી પાંચ-છ ઊંડા શ્વાસ લઈ લો. એનાથી પણ તમારા માથાના દુખાવામાં રાહત થશે એમ ડૉ. રવિ કોઠારી જણાવે છે.

પ્લેસિબો ઇફેક્ટ

બોરીવલીના ન્યુરોફિઝિશ્યન ડૉ. મનોજ રાજાણી કહે છે, ‘કેટલીક વાર આવા રિસચોર્માં આવેલા તારણનું કારણ પ્લેસિબો ઇફેક્ટ હોઈ શકે છે. ઘણી વાર દરદનું નિવારણ થતું નથી, પરંતુ દરદીની સાઇકોલૉજિકલ સ્થિતિ જ એ રીતે ઊભી કરવામાં આવે છે કે તેને દરદ ગાયબ થયેલું લાગે છે. ખરેખર દવા ન હોય, પણ દરદી એને દવા સમજીને લે અને માનસિક રીતે તેને એવું અનુભવાય છે કે તે સાજો થઈ રહ્યો છે.’