વિટામિન-ડીની ઊણપ અનેક રીતે જોખમી

22 November, 2012 06:31 AM IST  | 

વિટામિન-ડીની ઊણપ અનેક રીતે જોખમી



જિગીષા જૈન


સૂર્યપ્રકાશની મદદથી શરીરમાં ઉદ્ભવતા વિટામિન-ડીની ઊણપ આજકાલ, ખાસ કરીને ભારતનાં મહાનગરોમાં બહોળા પ્રમાણમાં જોવા મળી રહી છે. આપણા દેશમાં જ્યાં સૂર્યપ્રકાશ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે ત્યાં આ પ્રકારની ઊણપ અનિચ્છનીય છે. વનસ્પતિની જેમ માનવશરીરમાં પણ સૂર્યપ્રકાશની મદદથી પ્રકાશસંશ્લેષણની ક્રિયા થાય છે અને આ ક્રિયા દ્વારા શરીરમાં વિટામિન-ડીના ઘટકો તૈયાર થાય છે. આમ, વિટામિન-ડીની મોટા ભાગની જરૂરિયાત સંતોષવામાં સૂર્યપ્રકાશ મહત્વનો ર્સોસ છે. બાકી અમુક પ્રકારના ખોરાક દ્વારા પણ શરીરને વિટામિન-ડી મળે છે. વિજ્ઞાન માનતું આવ્યું છે કે વિટામિન-ડીની ઊણપથી હાડકાંના રોગ થાય છે, પરંતુ તાજેતરનાં સંશોધનો મુજબ બ્લડપ્રેશર, હૃદયના રોગ, કૅન્સર તથા કેટલાક માનસિક રોગ માટે પણ વિટામિન-ડીની ઊણપ જવાબદાર છે.

ડેન્માર્કની યુનિવર્સિટી ઑફ ગ્લાસગોના તાજેતરના રિસર્ચ મુજબ બ્લડપ્રેશર પર વિટામિન-ડીની ટૅબ્લેટ્સ એની દરરોજ લેવાતી ટૅબ્લેટ્સ જેટલી જ અસરકારક છે. આ રિસર્ચ અંતર્ગત હાઈ-બ્લડપ્રેશરના ૧૧૨ દરદીઓને ૨૦ અઠવાડિયાં માટે વિટામિન-ડીનાં સપ્લિમેન્ટ્સ લેવાને કારણે હાઈ-બ્લડપ્રેશરના દરદીઓના બ્લડપ્રેશરમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો. આમ, આ રિસર્ચનું પરિણામ આવ્યું કે જે લોકોમાં વિટામિન-ડીની ઊણપ હોય તેવા હાઈ-બ્લડપ્રેશરના દરદીઓ માટે વિટામિન-ડીનાં સપ્લિમેન્ટ્સ ખૂબ ફાયદાકારક રહે છે.

આ રિસર્ચના તારણ પર પોતાની ટિપ્પણી આપતાં ઑર્થોપેડિક સજ્ર્યન ડૉ. પિનાકીન શાહ કહે છે, ‘ઍન્જિયોટેન્સિન નામનું હૉર્મોન હાઈ-બ્લડપ્રેશર માટે જવાબદાર હોય છે. વિટામિન-ડી હાઇપરટેન્શનને પણ કાબૂમાં રાખે છે. આમ, વિટામિન-ડીની ઊણપવાળા હાઈ-બ્લડપ્રેશરના દરદીઓ માટે લાભદાયક છે. અલબત્ત, વંશાનુગત બ્લડપ્રેશરનો પ્રૉબ્લેમ ધરાવતા દરદીઓ માટે એ કદાચ સંપૂર્ણ રીતે મદદગાર સાબિત ન થઈ શકે.’

ઊણપનાં કારણો


ભારતમાં સૂર્યપ્રકાશ ભરપૂર માત્રામાં મળતો હોવા છતાં વધતી જતી વિટામિન-ડીની ઊણપ પાછળનાં કારણો જણાવતાં ડૉ. પિનાકીન શાહ કહે છે, ‘આજકાલ લોકો હેલ્થ કરતા સુંદરતાને વધુ મહત્વ આપે છે. તડકામાં નીકળતી વખતે સનસ્ક્રીન લોશનના ફાયદા પર લોકોનું ધ્યાન છે, પરંતુ એના નુકસાન વિશે કોઈ વિચારતું નથી. બહાર જતી વખતે હંમેશાં સનસ્ક્રીનના ઉપયોગથી વિટામિન-ડીની ઊણપ સર્જાઈ શકે છે. આ ઉપરાંત ડાર્ક સ્કીન ટોન ધરાવતા લોકો અને મેદસ્વી લોકોમાં પણ આ ઊણપ જોવા મળે છે. મોટી ઉંમરની વ્યક્તિઓમાં ઉંમરના પ્રભાવને કારણે શરીરમાં વિટામિન-ડી ઓછું બને છે.’

વિટામિન-ડી અમુક પ્રકારના ખોરાક, જેમ કે ફિશ, ફિશલિવર ઑઇલ, ઈંડાંનો પીળો ભાગ, દૂધ, ઘી, ડ્રાયફ્રૂટ્સમાંથી પણ મળે છે. ખોરાકમાંથી મળતા વિટામિન-ડી બાબતે ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘વિટામિન-ડી મોટા ભાગે નૉન-વેજ ફૂડમાંથી મળતું હોવાથી શાકાહારી ભોજન લેતા લોકોમાં એની ખાસ ઊણપ જોવા મળે છે. જોકે અમુક ડેરી પ્રોડક્ટ્સ અને ડ્રાયફ્રૂટ્સમાંથી વિટામિન-ડી મળે છે, પરંતુ એની માત્રા ઘણી ઓછી છે.’

એક સામાન્ય માણસને કેમ ખબર પડે કે તેનામાં વિટામિન-ડીની ઊણપ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. પિનાકીન શાહ કહે છે, ‘હાડકાં અને  સ્નાયુઓમાં થતો સખત દુખાવો રહે, થાક જલદી લાગે, આળસ આવે, ડિપ્રેશન આવે કે બ્લડપ્રેશરમાં વધઘટ રહે જેવાં અનેક લક્ષણોનું કૉમ્બિનેશન દર્શાવે છે કે તમારામાં વિટામિન-ડીની ખામી હોઈ શકે છે.’

હાડકાં પર અસર


વિટામિન-ડી શરીરમાં કૅલ્શિયમના અબ્સોપ્ર્શન અને હાડકાંમાં એના ડિપોઝિશન માટે ખૂબ જરૂરી તત્વ છે. આમ, એની કમીને કારણે હાડકાં પર થતી અસર વિશે ડૉ. પિનાકીન શાહ કહે છે,

‘વિટામિન-ડીની કમીને કારણે હાડકાંમાં કૅલ્શિયમને ફૉસ્ફરસની કમી સર્જાતાં હાડકાં ખવાઈ જાય છે, ખૂબ જ નબળાં પડી જાય છે અને ઘણા કેસમાં એમાં કાણાં પડી જાય છે. આમ, હાડકાંને સ્નાયુઓની શક્તિ ક્ષીણ થવાથી ફ્રૅક્ચર્સ, આથ્રાઇટિસ અને લાંબા ગાળે ઑસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત નાનાં બાળકોમાં સુક્તાન થવાનું કારણ પણ વિટામિન-ડીની ઊણપ છે.’

રોગપ્રતિકારક શક્તિ ઘટે

વિટામિન-ડીની ઊણપથી થતા બીજા પ્રશ્નો વિશે જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘વિટામિન-ડીનો ઇમ્યુન સિસ્ટમ પર ઘણો પ્રભાવ છે. એની ઊણપથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. આમ વારંવાર શરદી થઈ જવાથી લઈને બ્રેસ્ટ કૅન્સર અને ફેફસાનાં કૅન્સર માટે પણ એ જવાબદાર બને છે. રોગપ્રતિકારક શક્તિ ઘટવાને કારણે બાળકોમાં નાનપણથી અસ્થમાની તકલીફ રહે  છે. વિટામિન-ડીની ઊણપને કારણે ૩૫ વર્ષની ઉંમર પછી વજન વધવાની શક્યતા રહે છે. આ ઉપરાંત વિટામિન-ડી સ્કિન, વાળ અને દાંત માટે ખૂબ જ જરૂરી હોવાથી એની ઊણપને કારણે  સ્કિન ડિસીઝ કે દાંતને લગતા ઘણા પ્રૉબ્લેમ્સ થઈ શકે છે. આ ઉપરાંત વિટામિન-ડીની ઊણપને કારણે લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ, મૂડ-સ્વિંગ કે ડિપ્રેશનનો ભોગ પણ બનતા હોય છે.’

નિવારણ માટે આટલું કરો

દિવસમાં ૨૦ મિનિટ સનસ્ક્રીન લગાડ્યા વગર અને સનગ્લાસ પર્હેયા વગર તડકામાં ફરવું.

વહેલી સવારમાં તડકામાંથી જ  વિટામિન-ડી મળે એ વાત સાચી નથી, પરંતુ સવારનો તડકો સ્કિનને ડૅમેજ કરતો નથી. આમ, સવારે સૂર્યપ્રકાશ મેળવી શકાય તો અતિ ઉત્તમ, પરંતુ સવારના સમય ન ફાળવી શકાય તો દિવસમાં ગમે ત્યારે સૂર્યપ્રકાશ મેળવવો જરૂરી છે.

જો તમે વેજિટેરિયન હો તો વિટામિન-ડી મેળવવા માટે ડ્રાયફ્રૂટ્સ, મશરૂમ, પાલક, ફણગાવેલાં કઠોળ, ર્ફોટીફાઇડ મિલ્કને તમારા ડાયટમાં સામેલ કરો.

બજારમાં વિટામિન-ડીનાં સપ્લિમેન્ટ્સ રૂપે મળતી બધી જ પ્રોડક્ટસ નૉન-વેજિટેરિયન હોતી નથી. અમુક વેજિટેરિયન પ્રોડક્ટ્સ પણ મળે છે. વિટામિન-ડીની ઊણપ સર્જાય તો એ લેવાં જરૂરી છે.