કન્ટ્રોલ, કન્ટ્રોલ ઍન્ડ ઓન્લી કન્ટ્રોલ

24 December, 2012 06:57 AM IST  | 

કન્ટ્રોલ, કન્ટ્રોલ ઍન્ડ ઓન્લી કન્ટ્રોલ



ફિટનેસ Funda

મુંબઈમા જ જન્મીને મોટા થયેલા ૩૭ વર્ષના હૅન્ડસમ અને ક્યુટ ઍક્ટર વિશાલ સિંહે કરીઅરની શરૂઆત ૧૯૮૨માં એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. ૧૯૮૮માં ડીડી ચૅનલ પર આવતી ‘ઇન્દ્રધનુષ’ નામની સિરિયલમાં લીડ રોલ કરેલો. ‘દેખ ભાઈ દેખ’ સિરિયલમાં તેનો સંજુનો રોલ પણ કાફી જાણીતો બનેલો. ‘દિલ હૈ કી માનતા નહીં,’ ‘કશ્મીર,’ ‘અસ્તિત્વ’ અને ‘દેખો મગર પ્યાર સે’ જેવી એક ડઝન જેટલી સિરિયલો કરી ચૂકેલો આ ઍક્ટર આજકાલ સોની પર આવી રહેલી ‘પરવરિશ-કુછ ખટ્ટી કુછ મીઠી’ નામની પારિવારિક સિરિયલમાં મૉર્ડન પિતાનો રોલ ભજવી રહ્યો છે. રવીના ટંડનનો પિતરાઈ ભાઈ અમિત ફિટનેસ માટે હાર્ડકૉર રૂટીન ફૉલો નથી કરતો છતાં ખાવા-પીવામાં પોતાના પર ખૂબ કન્ટ્રોલ રાખે છે. જાણીએ તેની તરોતાજા તંદુરસ્તીનો રાઝ તેના જ શબ્દોમાં.

મારી ડેફિનેશન

ફિટનેસ એટલે તમારામાં રહેલો ઇન્ટર્નલ સ્ટૅમિના. તમે હંમેશાં હેલ્ધી અને ઇન્ટર્નલી સ્ટ્રૉન્ગ ફીલ કરો. એનો મતલબ કે તમે ફિટ છો. મારી લાઇફ સ્ટાઇલ એક્ઝેટલી તો આ ડેફિનેશનમાં ફિટ નથી થતી, કારણ કે હું ખાવાનો બહુ શોખીન છું. હું એટલી હાર્ડકોર રીતે ફિટનેસ માટે જરૂરી લાઇફ સ્ટાઇલ ફૉલો નથી કરતો. છતાં કંઈ પણ વધુપડતું ન થઈ જાય એનું પૂÊરું ધ્યાન રાખું છું. મારી લાઇફમાં કન્ટ્રોલનું ખૂબ મહત્વ છે. જે મને પણ ક્યારેક નથી ગમતું. પર કયા કરે? કરના પડતા હૈ. જોકે હું બહુ વધારે બૉડી-શૉડી બનાવવામાં નથી માનતો. હું એક મૉડરેટ બૉડીમાં બિલીવ કરું છું. બહુ સ્થૂળ પણ નહીં ને બહુ પાતળા પણ નહીં. મારુ બૉડી ટાઇપ એવું છે. જેમાં મારા બ્રોડ શૉલ્ડરને કારણે બૉડી મેન્ટેઇન જ લાગે છે. એટલે ક્યારેય ઍક્ટર તરીકે દેખાવને લઈને બહુ ચિંતા કરવી પડતી નથી.

મારું શેડ્યુલ


મારું રૂટીન પણ જરાય ફિક્સ નથી, કારણ કે મારું શેડ્યુલ મારા શૂટિંગના શેડ્યુલ પર આધાર રાખે છે. રોજ સવારે ઊઠીને ગ્રીન ટી પીવાની. બને ત્યાં સુધી ઘરનું જ ખાવાનું. તળેલું અને તીખું ઓછું ખાવાનું. રોજ નિયમિત શરીરને થાક લાગે એવી કસરતો કરવાની. એમાં પછી કોઈ આઉટ ડૉર સ્પોર્ટ્સ પણ હોય ને ક્યારેક જિમમાં જઈને હાર્ડકોર કસરત પણ હોેય. રોજની એક કલાક કસરત કરું છું. જિમમાં જાઉં તો કાર્ડિયો કરતાં પણ વેઇટ ટ્રેઇનિંગને વધુ પ્રેફરન્સ આપું છું. મારા પિતા, મારા અંકલ બધા જ સ્પોર્ટ્સ પર્સન હતા. માટે તેઓ સહજ રીતે જ ખૂબ હેલ્ધી હતા. હું પોતે પણ બૅડમિંગ્ટન ક્રેઝી છું.

મીઠાઈ કે લિએ કુછ ભી

મીઠાઈઓ મારી સૌથી ફેવરિટ છે. જોકે એના માટે પણ મારે મારી જાત પર ખૂબ કન્ટ્રોલ રાખવો પડે છે. મને એક કિલો મીઠાઈ આપો તો એ પણ ખાઈ લઉં. એમાંય ચૉઇસ જેવું કઈ નથી. બધી જ ભાવે. ચિક્કી પણ મને ખૂબ ભાવે. બજારમાં ગયો હોઉં ને જો ક્યાંય સામે ચિક્કી દેખાઈ જાય તો ખાધા વિના રહી ન શકું. મીઠાઈઓ પર કન્ટ્રોલ નથી રહેતો માટે ઘરમાં લાવવાની બંધ કરી દીધી છે. દિવાળીમાં ગેસ્ટ આપે તો પણ તેમને પાછી લઈ જવા કહું છું.

યોગ ઇઝ ધ બેસ્ટ


હું બહુ વધુપડતી કસરત નથી કરતો, પરંતુ રોજનો એક કલાક નિયમિત યોગ કરું છું. એ પણ મારી ફ્રેન્ડના ફોર્સથી. મારી એક ફ્રેન્ડ યોગ ઇન્સ્ટ્રક્ટર અને ટ્રેઇનર છે. જેણે મને લગભગ બે-અઢી વર્ષ પહેલાં જબરદસ્તીથી યોગ કરવા માટે પ્રેર્યો. એ પછીથી અઠવાડિયામાં ત્રણ દિવસ એક કલાક વિવિધ આસનો અને સૂર્યનમસ્કાર કરું છું અને ખરેખર ખૂબ સારું લાગે છે. હવે તો હું કહીશ કે ૩૦ ઉપરની દરેક વ્યક્તિએ યોગ આસનો અવશ્ય કરવાં જ જોઈએ.

યોગનું મૅજિક

મારી લાઇફમાં યોગને કારણે ઘણા પૉઝિટિવ ચેન્જિસ આવ્યા છે. બૉડીની ફ્લેક્સિબિલિટીથી લઈને, ઇન્ટર્નલ સ્ટૅમિના વધ્યો છે. હું સતત એનર્જેટિક ફીલ કરું છું. હંમેશાં જ એક ફ્રેશનેસ મારા મૂડમાં હોય છે. શરૂઆતમાં તો મારા માટે યોગ અને મેડિટેશન બહુ બોરિંગ કામ હતું. એકાગ્રતા ન રહે. ઊંઘ આવે. પણ જેમ-જેમ પ્રૅક્ટિસ કરતો ગયો એમ એના ફાયદા દેખાવા માંડ્યા. યોગ એક બેસ્ટ એક્સરસાઇઝ છે એ કરો. અને ખાવામાં કાબૂ રાખો. ક્યારેક મનગમતું ખવાય તો ચાલે, પરંતુ રોજ તો હેલ્ધી જ ખાવાનો આગ્રહ રાખો. એ પછી તમારે તંદુરસ્ત રહેવા માટે બહુ વધુ મહેનત નહીં કરવી પડે.

સ્મોકિંગ નહીં એટલે નહીં જ

એક જમાનામાં હું ચેઇન સ્મોકર હતો. હજીય ક્યારેક સ્મોક કરી લઉં છું, પરંતુ ધીમે-ધીમે સાવ જ બંધ કરવાનો મારો ટાર્ગેટ છે.હું બધાને પણ એમ જ કહીશ કે કોઈ પણ જાતનું વ્યસન શરીરને અંદરથી ખોખલું કરે છે. માટે એમાં પડો જ નહીં. સ્મોકિંગ કરતા હો તો સાવ ન છૂટે તોય ધીમે-ધીમે ઓછી કરી દો. એ શક્ય પણ છે અને જરૂરી પણ

- વાતચીત અને શબ્દાંકન : રુચિતા શાહ