ખા-પી કે મસ્ત મૌજી

05 November, 2012 07:02 AM IST  | 

ખા-પી કે મસ્ત મૌજી


ફિટનેસ Funda

દિવાળીમાં રિલીઝ થનારી સન ઑફ સરદાર ફિલ્મનું પોં પોં સૉન્ગ ગાનારો ઍક્ટર અને સિંગર વિકાસ ભલ્લા જોકે એક્સરસાઇઝને પણ એટલું જ પ્રાધાન્ય આપે છે. દર મહિને તે પોતાના વર્કઆઉટનું ફૉર્મ બદલતો રહે છે
કલર્સ પર આવતી ‘ઉતરન’ સિરિયલમાં વીરનું પાત્ર ભજવી રરેલો વિકાસ ભલ્લા આજકાલ ખૂબ ખુશ છે. બૉલીવુડમાં નવોદિતોના તારણહાર ગણાતા સલમાન ખાનના કહેવાથી વિકાસને ‘સન ઑફ સરદાર’નું પોં પોં ગીત ગાવાનો ચાન્સ મળ્યો અને અત્યારે એ ગીત હિટ થઈ રહ્યું છે માટે તેનો આનંદ સમાઈ નથી રહ્યો. ઍક્ટિંગ અને સિંગિગ બન્નેમાં પાવરધા એવા વિકાસે આ પહેલાં ‘શન્નો કી શાદી’, ‘જસ્સી જૈસી કોઈ નહીં’ જેવી સિરિયલ્સ અને ‘ચાન્સ પે ડાન્સ’, ‘સૌદા’, ‘પ્યાર મેં ટ્વિસ્ટ’ જેવી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. વિકાસે ધુંઆ-ધુંઆ, મહેક તેરી, આવરા જેવા પોતાના મ્યુઝિક આલબમ લૉન્ચ કર્યા છે તેમ જ કેટલીક ફિલ્મોમાં પ્લેબૅક સિંગિંગ પણ કર્યું છે. પોતાની ફિટનેસ અને ઓવરઑલ લુક પર ખાસ ધ્યાન આપતો વિકાસ પોતાનું ફિટ શરીર જાળવી રાખવા શું કરે છે, એ જાણીએ તેના જ શબ્દોમાં.

ફિટનેસ એટલે...

મારા હિસાબે ફિટનેસ એટલે ફક્ત શરીરનું સ્વાસ્થ્ય નથી. ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ આ ત્રણેનું સમન્વય. ફિટ રહેવું હોય તો ફક્ત શરીરથી જ નહીં, પણ માનસિક રીતે પણ સતર્ક અને સ્વસ્થ રહેવું જોઈએ.

મારું ફિટનેસ રેજિમ


હું રોજ ફિક્સ એક કલાક કસરત કરું છું અને એમાં કોઈ બાંધછોડ નહીં. હું એક્સરસાઇઝના કોઈ એક ફૉર્મને વળગી રાખવામાં નથી માનતો. તમે જો એકાદ-બે વર્ષ સુધી એક ધારી એક જ રીતે કસરત કર્યે જાઓ તો એનાથી શરીર સ્ટિફ થઈ જાય છે. શરૂઆતમાં તમારા શરીર પર એની અસર સારી થશે, પણ એકાદ વર્ષ પછી એ ફૉર્મ પર તમારું શરીર કોઈ રીઍક્શન આપવાનું જ બંધ કરી દેશે. આ બધાં કારણોસર હું કોઈ એક એક્સરસાઇઝનો પ્રકાર ત્રણ મહિના માટે કરું છું અને ત્યાર બાદ બદલી નાખું. જેમ કે હાલમાં હું ક્રૉસ ફિટ નામનું ફૉર્મ કરી રહ્યો છું, જેમાં પોતાના શરીરના વજનથી જ એક્સરસાઇઝ કરવાની હોય છે. આના પહેલાં મેં ત્રણ મહિના કાર્ડિયો કરેલું. જેમાં વૉકિંગ અને જૉગિંગ બન્નેનો સમાવેશ હતો. હવે ક્રૉસ ફિટ હું હજી બેથી અઢી મહિના સુધી કરીશ અને ત્યાર બાદના ત્રણ મહિના હું સ્વિમિંગ કરીશ. મને આ જ રીતે જુદી-જુદી એક્સરસાઇઝ કરવાનું પસંદ છે.

નૅચરલ વર્કઆઉટ

જિમમાં જઈને વધુપડતું વજન ઉપાડીને બૉડી બનાવવામાં હું નથી માનતું. મને નૅચરલ વર્કઆઉટ પસંદ છે. બિલ્ડિંગના દાદરાઓ પર ચડ-ઊતર કરવું, સ્વિમિંગ, માઉન્ટેન ક્લાઇમ્બિંગ, પુલ અપ્સ, પુશ અપ્સ, દોડવું આવી કસરતો મને કરવી ગમે છે. આ સિવાય બૉડી બનાવવા માટે પ્રોટીન શેક કે પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવામાં નથી માનતો. મારા હિસાબે જો પૂરતો અને યોગ્ય ખોરાક લેશો તો એમાં જ તમને જોઈતા બધાં જ વિટામિન્સ અને પ્રોટીન્સ મળી રહેશે.

ચૉકલેટનો ચસકો

હું પંજાબી છું અને ખાવાનો ભરપૂર શોખીન છું. ડાયટમાં જરાય નથી માનતો અને પેટ ભરીને બધું જ ખાઉં છું. મને ખબર છે કે મારે શું ખાધા પછી એક્સરસાઇઝમાં શું ધ્યાન રાખવાનું છે એટલે હું કસરત પર ધ્યાન આપું છું અને ખાવામાં છૂટ રાખું છું. મને ચૉકલેટ અને ચૉકલેટથી બનેલા બધા જ ડિઝર્ટ ખૂબ ભાવે છે. એટલે એને ખાવામાં પણ ક્યારેય કૉમ્પ્રોમાઇઝ ન કરું. મારા દિવસની શરૂઆત થાય બદામ અને એક કપ કૉફીથી, જે મને વર્કઆઉટ કરવા માટે એનર્જી આપે. ત્યાર બાદ બ્રેકફાસ્ટમાં ત્રણ એગ વાઇટ અને એક યૉકવાળી ફુલ ઑફ પ્રોટીન આમલેટ લઉં. જેની સાથે રોજ જુદા-જુદા જૂસ હોય. ક્યારેક વૉટર મેલન તો ક્યારેક પાઇનેપલ. ત્યાર બાદ લંચમાં ક્યારેક ચિકન હોય તો ક્યારેક ફિશ. ડિનર પણ ફુલ પેટ ખાઉં. મેં પહેલેથી જ ફિટનેસ પર ધ્યાન આપ્યું છે એટલે ક્યારેય વજન વધી ગયું હોય અને એને ઉતારવાની મહેનત કરવી પડે એવો મોકો આવ્યો જ નથી.

ફિટનેસ આઇકન

બૉલીવુડમાં મારા ફિટનેસ આઇકન હોય તો એ છે સલમાન ખાન અને અક્ષયકુમાર. અક્ષયનું ફિઝિક સુપર્બ છે. જ્યારે સલમાનની ફિટનેસના તો પહેલેથી વખાણ થયાં છે. સલમાનને મળવાનો તો મોકો પણ મળ્યો છે અને એનો પણ ફિટનેસ ફન્ડા મારા જેવો જ છે. ભરપેટ, ભરપૂર ખાવાનું અને એક્સરસાઇઝ ક્યારેય છોડવાની નહીં. મારા હિસાબે ભૂખ્યા રહીને પેટ બાળવાથી ફિટ શરીર નહીં મળે, બલ્કે હેલ્થ વધુ ખરાબ થશે. મને ઍક્ટ્રેસોમાં અનુષ્કા શર્મા અને બિપાશા ગમે છે. બન્ને ખૂબ ફિટ છે.

- વાતચીત અને શબ્દાંકન: અર્પણા ચોટલિયા