શાકાહાર, દીર્ઘાયુ અને તંદુરસ્તી

16 November, 2012 07:23 AM IST  | 

શાકાહાર, દીર્ઘાયુ અને તંદુરસ્તી


જિગીષા જૈન


શાકાહારી ખોરાક સ્વાસ્થ્ય માટે સારો છે એવું હેલ્થ એક્સપર્ટ ઘણાં વર્ષોથી કહે છે, પરંતુ હવે એ ઑફિશ્યલી સાબિત થઈ ચૂક્યું છે. તાજેતરમાં લોમા લીન્ડા યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાએ અમેરિકા અને કૅનેડામાં રહેતા શાકાહારી લોકો પર કરેલા વર્ષોના રિસર્ચનું તારણ જાહેર કરતાં કહ્યું હતું કે તેઓ ઍવરેજ ૮૩.૩ વર્ષ અને સ્ત્રી ૮૫.૭ વર્ષ જીવે છે. પુરુષ આશરે ૯.૫ વર્ષ અને સ્ત્રી ૬.૧ વર્ષ વધુ જીવે છે. આમ, તેમણે પોતાના રિસર્ચમાં સાબિત કર્યું હતું કે શાકાહારી લોકો મીટ ખાનારા લોકો કરતાં લાંબું જીવે છે. ૧૯૭૦ અને ૧૯૮૦માં શરૂ થયેલા સંખ્યાબંધ સ્ટડીઝમાં તેમણે ૯૬,૦૦૦ લોકોનો સમાવેશ કરેલો. આ રિસર્ચ શાકાહારીઓ દ્વારા ગ્રહણ થતો ખોરાક કૅન્સર, હાર્ટ ડિસીઝ અને ટાઇપ-૨ ડાયાબિટીઝ જેવા રોગનો ખતરો ઘટાડે છે. આ ઉપરાંત એના થકી બૉડી માસ ઇન્ડેક્સ અને વેઇસ્ટ સાઇઝ ઘટે છે અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.

સંપૂર્ણ પોષણ


શાકાહારીઓના ખોરાકમાં મુખ્યત્વે ફળ, શાકભાજી, કંદમૂળ, દાળ, કઠોળ, આખા ધાન વગેરેનો સમાવેશ થતો હોય છે. જ્યારે પ્રાણી પેદાશમાં તેઓ ડેરી પ્રોડક્ટ્સ, દૂધ, દહીં, માખણ, ઘી, ચીઝ અને પનીર વગેરે પણ પોતાના રોજિંદા ડાયટમાં સામેલ કરતા હોય છે. 

શાકાહારીઓના આ ખોરાકમાંથી તેમને મળતા ન્યુટ્રિશન વિશે વાત કરતાં ડાયેટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘શાકભાજી અને ફળોમાંથી વિટામિન્સ, પોટૅશિયમ, હાઈ ફાઇબર અને ફાઇટો ન્યુટ્રિઅન્સ ભરપૂર માત્રામાં મળે છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી તત્વો છે. આ ઉપરાંત જરૂરી કાર્બોહાઇડ્રેટ્સ અનાજમાંથી અને કૅલ્શિયમ આપણને શાકભાજી, સોયાબીન, દૂધ તથા દહીં જેવી ડેરી પ્રોડક્ટ્સમાંથી મળી રહે છે. ઑમેગા-૩ ફૅટી ઍસિડ અળસીમાંથી મળી રહે છે. ફક્ત વિટામિન બી૧૨ શાકાહારી ખોરાકમાંથી મળી શકતું નથી, જે આપણા ન્યુરોલૉજિકલ ડેવલપમેન્ટ માટે જરૂરી છે, જે શાકાહારીઓએ બહારથી લેવું પડે છે.’

શાકાહારી રહો, ફૅટથી બચો


રિસર્ચ મુજબ મીટ ખાનારાઓ કરતાં શાકાહારી લોકોનું વજન ઍવરેજ ૧૩ કિલો ઓછું મળ્યું હતું અને તેમનો બૉડી માસ ઇન્ડેક્સ ૫ યુનિટ ઓછો મળતો હતો. શાકાહારીઓના ઓછા વજન પાછળનું કારણ દર્શાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘શાકાહારી ભોજનમાં રહેલા ફાઇબર્સને કારણે ખોરાકનું પાચન ધીમે-ધીમે થાય છે, જેથી ખોરાકનાં બધાં જ પોષકતત્વો શરીરને મળે છે અને શર્કરા સીધી લોહીમાં ભળી જતી નથી. વળી, પાચન ધીમું થવાને કારણે જલદી ભૂખ લાગતી નથી.’ મૂળભૂત રીતે શાકાહારી ખોરાકમાં મીટ કરતાં ફૅટ એટલે કે ચરબીનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે જેના ફાયદા વિશે યોગિતા ગોરડિયા કહે છે, ‘શાકાહારીઓમાં કમર અને પેટ પર જામેલો ચરબીનો થર માંસાહારીઓ કરતાં ૩૦ ટકા ઓછો હોય છે. જેથી મોટાપા સાથે જોડાયેલા રોગ જેમ કે ડાયાબિટીસ, હાર્ટ પ્રૉબ્લેમ્સ, બ્લડપ્રેશર વગેરેથી માંસાહારીઓ કરતાં શાકાહારી લોકો વધુ સુરક્ષિત છે.’

રોગોથી બચો


શાકભાજીમાંથી મળતાં તત્વો દ્વારા બીજા કયા-કયા શારીરિક પ્રૉબ્લેમ્સનો સામનો થઈ શકે છે એ વિશે યોગિતા ગોરડિયા કહે છે, ‘શાકભાજી અને ફળોમાંથી મળતાં પોટૅશિયમ હાઇ ફાઇબર અને ફાઇટો ન્યુટ્રિઅન્સ શરીરમાં કૉલેસ્ટરોલ અને ટ્રાયગ્લિસરાઇડનું પ્રમાણ ઘટાડે છે. આમ હાર્ટ માટે એ ઘણું ઉપયોગી સાબિત થાય છે. વેજિટેરિયન ડાયટમાંથી ટાઇપ ટુ ડાયાબિટીસથી મુક્તિ મેળવી શકાય છે. આ ઉપરાંત માંસાહારી ડાયટમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી કિડની માટે એ હાનિકારક છે. શાકાહારી લોકોના ભોજનમાં ફાઇટો ન્યુટ્રિઅન્સ હોવાથી બ્લડ સરક્યુલેશન સારું થાય છે અને એને કારણે તેમના મગજનો વિકાસ ખૂબ સારો હોય છે.’

જવાન રાખે


શાકાહારી ભોજનમાંથી મળતા ઍન્ટિ-ઑક્સિડન્ટના ફાયદા જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ઍન્ટિ-ઑક્સિડન્ટ આપણા શરીરમાંથી ટૉક્સિન અને એક્સ્ટ્રા ફૅટ દૂર કરે છે. આ ઉપરાંત એ બૉડી સેલને લાંબા સમય સુધી ટાઇટ રાખે છે, જેથી ચામડી લચી પડતી નથી અને વ્યક્તિ યંગ દેખાય છે. આ ઉપરાંત શાકાહારી ભોજન આપણી રોગપ્રતિકારક શક્તિને સ્ટ્રૉન્ગ બનાવે છે. વળી, એમાં રેસ્પિરેટરી ઇન્ફેક્શનનું લેવલ પણ ઘણું જ ઓછું હોય છે.’

લાંબું જીવન કે સ્વસ્થ જીવન?

આ રિસર્ચ મુજબ શાકાહારી ભોજન લેનારા લાંબું જીવતા હોય છે એ તારણ ઉપર વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘શાકાહારી ભોજનના અનેકાનેક ફાયદા છે, પરંતુ હું માનું છું ત્યાં સુધી જીવનકાળ તમે શું ખાઓ છો અને શું નથી ખાતા એના પર વધુ અવલંબન રાખતો નથી. જેવું આપણામાં કહેવાય છે કે માણસ પોતાનો જીવનકાળ લખાવીને જ આવે છે. કોઈ શાકાહારી વીસ વર્ષે પણ મૃત્યુ પામે તો કોઈ સો વર્ષ સુધી જીવી જાય. આમ, શાકાહારી ભોજન લેવાથી ઘણા રોગોથી બચી શકાય એમ કહી શકાય, પણ લાંબા જીવન માટેની આગાહી શક્ય નથી. જોકે શાકાહારી ભોજનમાંથી લાંબું જીવન મળે કે ન મળે પણ સ્વસ્થ જીવન મળે છે એની ગૅરન્ટી આપી શકાય છે.’