વજાઇનલ ફન્ગલ ઇન્ફેક્શન

27 December, 2012 07:12 AM IST  | 

વજાઇનલ ફન્ગલ ઇન્ફેક્શન



ડૉ. જયેશ શેઠ - ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ

મોટાભાગની સ્ત્રીઓ પોતાના ગુપ્તાંગોને લગતી તકલીફો વિશે વાત કરતાં અત્યંત ક્ષોભ અનુભવે છે. તેથી જ કેટલીક વાર આ અવયવોમાં થતાં બળતરા, દુખાવા, તેમાંથી પડતા સફેદ પાણી અને ડિસ્ચાર્જ જેવી સમસ્યાઓ વિશે તે કોઈને જણાવી શકતી નથી. અને કેટલીકવાર માત્ર ઇગ્નોરન્સને કારણે સમસ્યા વકરી જાય છે. સ્ત્રીઓમાં વજાઇનલ ફન્ગલ ઇન્ફેક્શનનાં લક્ષણો ખૂબ સામાન્ય બની રહ્યા છે ત્યારે એને લગતી કેટલીક ચોક્કસ માહિતી આજે મેળવી લઇએ.

ફન્ગલ ઇન્ફેક્શન શું છે

ફન્ગલ ઇન્ફેક્શન એટલે ફન્ગસથી થતું ઇન્ફેક્શન. ફન્ગસ એટલે કે ફૂગ. આમ તો દરેક સ્ત્રીની યોનિમાં અમુક અંશે આ ફૂગ હાજર હોય જ છે, પરંતુ જ્યારે એનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય તો ફન્ગલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. સ્ત્રીઓમાં ફન્ગલ ઇન્ફેક્શન અત્યંત સામાન્ય બાબત છે. એક અંદાજ મુજબ ૭૫ ટકા સ્ત્રીઓ જીવનમાં એકાદ વાર આ પરિસ્થિતિનો ભોગ બને જ છે, જ્યારે ૫૦ ટકા સ્ત્રીઓએ જીવનમાં ૨-૩ વાર આ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે છે. એમ છતાં આધુનિક વિજ્ઞાનની મદદથી એની સારવાર બહુ આસાનીથી થઈ શકતી હોવાથી એનાથી બહુ ડરવાની જરૂર નથી.

ફન્ગલ ઇન્ફેક્શનનાં લક્ષણો

યોનિમાર્ગમાં ખંજવાળ આવવી તથા સોજો આવી જવો, પેશાબ તથા સમાગમ કરતી વખતે બળતરા થવી તથા દુખાવો થવો, સફેદ પાણી પડવું તથા ક્યારેક સફેદ પાણીની સાથે દેખાવમાં અમુક અંશે પનીર જેવો દેખાતો કોઈ પણ પ્રકારની વાસ વિનાનો ડિસ્ચાર્જ થવો એ ફન્ગલ ઇન્ફેક્શનનાં મુખ્ય લક્ષણો છે. અમુક સ્ત્રીઓમાં માસિક પહેલાંના અઠવાડિયામાં આ લક્ષણોનું પ્રમાણ વધી જાય છે, જેની સાથે તેમને કમર તથા પેઢુના ભાગમાં દુખાવો થવાની સમસ્યા પણ સતાવતી હોય છે. ફન્ગલ ઇન્ફેક્શન ધરાવતી સ્ત્રીના પાર્ટનરને પણ સમાગમ પછી તેમના લિંગ પર ખંજવાળ આવી શકે છે.

કારણો અને પ્રકારો

ફન્ગલ ઇન્ફેક્શન મુખ્યત્વે યોનિમાર્ગમાં રહેલાં વિવિધ જમ્ર્સ, બૅક્ટેરિયા, વાઇરસ તથા ફન્ગસને કારણે થતું હોય છે. એ દરેકનાં લક્ષણો પણ જુદાં-જુદાં હોય છે એટલે એમની સારવાર પણ જુદી રહે છે. ફન્ગલ ઇન્ફેક્શનનાં પ્રકારો મુખ્યત્વે નીચે મુજબ હોય છે :

(૧) એચપીવી (હ્યુમન પેપિલોમા વાઇરસ) ઇન્ફેક્શન : આ ઇન્ફેક્શનમાં યોનીની બહાર નાની-નાની ફોડલીઓ થાય છે. જેમાં પાણી ભરાય છે અને પુષ્કળ બળતરા થાય તેમ જ

થોડીક માત્રામાં વાઇટ ડિસ્ચાર્જ થાય.

(૨) વાઇરસ ઇન્ફેક્શન અથવા હર્પીસ ઇન્ફેક્શન: આ ઇન્ફેક્શનમાં સફેદ પાણીની સાથે યોનિની બહારના ભાગમાં નાની-નાની ફોડલીઓ થઈ આવે છે, જેમાં પાણી ભરાતાં તે ફૂટે છે. પરિણામે યોનિની બહારના ભાગમાં ખૂબ ખંજવાળ આવે છે.

(૩) ફન્ગલ ઇન્ફેક્શન : પાણીનો રંગ દૂધ જેવો તદ્દન સફેદ હોય તો એ ફન્ગલ ઇન્ફેક્શનનાં લક્ષણો છે.

(૪) ટ્રાઇકોમોનિયા ઇન્ફેક્શન : ડિસ્ચાર્જનો રંગ શરૂઆતમાં લાલાશ પડતો પીળો હોય, જે સુકાઈ જતાં બ્રાઉન રંગનો થઈ જાય અને પેન્ટીમાં એના ડાઘા રહી જાય તો એ ટ્રાઇકોમોનિયા ઇન્ફેક્શનનાં લક્ષણો છે.

(૫) બૅક્ટેરિયલ ઇન્ફેક્શન : બૅક્ટેરિયલ ઇન્ફેક્શનનો સૌથી સામાન્ય પ્રકાર બૅક્ટેરોઇડ્સ ઇન્ફેક્શન હોય છે, જેમાં સ્ત્રીને સખત વાસ આવતું સફેદ પાણી ઘણી વધારે માત્રામાં પડે છે.

નિદાન કેવી રીતે થાય?

ફન્ગલ ઇન્ફેક્શનના ચોક્કસ નિદાન માટે સૌથી પહેલાં તો ડૉક્ટરો સ્ત્રી સાથે ચર્ચા કરી તેને થતી તકલીફો વિશે ઊંડી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરે છે. એ સાથે શારીરિક તથા પેલ્વિક એક્ઝામિનેશન પણ કરવામાં આવે છે. વધુમાં તેમની બ્લડ-ટેસ્ટ, યુરિન-ટેસ્ટ તથા બ્લડશુગર માટેની કેટલીક ટેસ્ટ પણ કરાવવામાં આવે છે. સ્ત્રીની ઉંમર ૩૫ વર્ષથી વધુ હોય તો ડૉક્ટરો સર્વાઇકલ કૅન્સરની સંભાવના ટાળવા કૅન્સર માટે જરૂરી એવી પેપ ટેસ્ટ કરવાની સલાહ પણ આપે છે. જરૂર લાગે તો ડૉક્ટર તેમના ડિસ્ચાર્જનું સૅમ્પલ લઈ લૅબોરેટરીમાં કલ્ચરલ ટેસ્ટ માટે પણ મોકલાવે છે, જેથી ઇન્ફેક્શન કયા પ્રકારનું છે એનો ચોક્કસ ખ્યાલ આવે.

પ્રમાણ વધુ કેમ?

સ્ત્રીના શરીરનો યોનિમાર્ગ અનેક વળાંકો ધરાવતો અવયવ છે. દરેક સ્ત્રીના ગર્ભાશયના મુખમાંથી થોડું-થોડું ડિસ્ચાર્જ પડ્યા જ કરે છે. ઓવ્યુલેશન એટલે કે સ્ત્રીબીજના ઉત્પાદનના દિવસોમાં આ ડિસ્ચાર્જનું પ્રમાણ વધી જાય છે. અઠવાડિયે બે વાર વજાઇનલ વૉશ ન કરવામાં આવે તો કેટલીક વાર આ ડિસ્ચાર્જ યોનિમાર્ગમાં જ ભેગું થઈ ઇન્ફેક્શન ફેલાવે છે. એ સિવાય માસિકના દિવસો દરમિયાન એમાં રહેલા ઍસિડ (પીએચ)ના પ્રમાણમાં થતી વધઘટને કારણે પણ ક્યારેક ફન્ગસનું ઉત્પાદન વધી જાય છે. ફન્ગલ ઇન્ફેક્શન ધરાવતી સ્ત્રી સાથે સંબંધ બાંધતી વખતે કૉન્ડોમ ન વાપરવામાં આવે તો એના વાઇટ ડિસ્ચાર્જના જમ્ર્સ પુરુષનાં વૃષણોમાં પ્રવેશી શકે છે. સામાન્ય રીતે પુરુષોને એનાથી કોઈ સમસ્યા થતી નથી, પરંતુ આવા પુરુષો જ્યારે સંબંધ બાંધે છે ત્યારે તેમના ર્વીયમાંથી એ ફરી પાછા સ્ત્રીની યોનિમાં પ્રવેશી ત્યાં ઇન્ફેક્શન ફેલાવી શકે છે એટલે જ ફન્ગલ ઇન્ફેક્શનની સારવાર પતિ અને પત્ની બન્નેએ સાથે લેવી જરૂરી છે.

સારવારમાં શું?

આમ તો કોઈ પણ વજાઇલ ફન્ગલ ઇન્ફેક્શન ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ દવાની દુકાને સરળતાથી મળી જતી દવાઓથી આસાનીથી મટી જાય છે, છતાં આવી કોઈ પણ દવા ખરીદતાં પહેલાં એનું ચોક્કસ નિદાન કરવું જરૂરી છે. આ દવાઓ ઓરલ મેડિસિન્સ, વજાઇનલ ટૅબ્લેટ્સ તથા ક્રીમના સ્વરૂપે ઉપલબ્ધ હોય છે. ઓરલ મેડિસિન્સ ગળી જવાની રહે છે, જ્યારે વજાઇનલ ટેબલેસ્ટ યોનિમાર્ગમાં મૂકી દેતાં જાતે જ ઓગળી જઈ પોતાનું કામ કરવા માંડે છે અને ક્રીમ યોનિમાર્ગ તથા એની આસપાસના વિસ્તારમાં લગાવવાનું રહે છે. સામાન્ય રીતે આ દવાઓના ઉપયોગથી ઇન્ફેક્શન અઠવાડિયાની અંદર દૂર થઈ જાય છે, પરંતુ જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને ક્યારેક લાંબી સારવારની આવશ્યકતા પણ પડી શકે છે. આ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

આટલી સાવચેતી જરૂરી

(૧) દરેક સ્ત્રીએ અઠવાડિયે બે વાર વજાઇનલ વૉશ કરવું જ જોઈએ. એ માટે અઠવાડિયામાં બે વાર નાહ્યા પછી સેવલોન નાખેલા હૂંફાળા પાણીથી યોનિ તથા એની આસપાસનો વિસ્તાર યોગ્ય રીતે સાફ કરવો જોઈએ.

(૨) રોજ દિવસમાં એક વાટકી દહીં અથવા એક ગ્લાસ છાશ પીવી જોઈએ, કારણ દહીંમાં રહેલો લૅક્ટોબેસિલસ નામનો પદાર્થ યોનિમાં ફન્ગસનું ઉત્પાદન કાબૂમાં રાખવામાં મદદ કરે છે.

(૩) સ્ત્રી હોય કે પુરુષ, બન્નેએ નાહ્યા પછી માઇકોડર્મ નામનો ડસ્ટિંગ પાઉડર પોતાનાં ગુપ્તાંગોની આસપાસ ચોક્કસ લગાડવો જોઈએ.

(૪) બને ત્યાં સુધી કોટનનાં આંતરવસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ.

(૫) માસિક દરમિયાન સૅનિટરી પૅડ્સ તથા ટેમ્પુન્સ યોગ્ય સમયાંતરે બદલી નાખવા જોઈએ.

(૬) વારંવાર થતા વજાઇનલ ઇન્ફેક્શન પાછળ કેટલીક વાર ડાયાબિટીઝ પણ જવાબદાર હોઈ શકે છે એટલે તમને આવી કોઈ સમસ્યા સતાવતી હોય તો ડાયાબિટીઝ માટે જરૂરી ટેસ્ટ કરાવી ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.

(૭) સાથે જ શરીરના વજન પર કાબૂ રાખવો અત્યંત આવશ્યક છે, કારણ વધુ પડતું વજન ધરાવતા લોકોના સાથળ ચાલતી વખતે સતત એકબીજા સાથે ઘસાયા કરે છે, જે ક્યારેક વજાઇનલ ઇન્ફેક્શનમાં પરિણમવાની શક્યતા રહે છે.

- શબ્દાંકન: ફાલ્ગુની જડિયા-ભટ્ટ