31 January, 2024 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ૧.૨ કરોડ લોકો જે રોગ ધરાવે છે એ ઝામરમાં આંખની રક્તવાહિનીઓમાં પ્રેશર વધી જાય છે. દૃષ્ટિની આ તકલીફને કારણે વિઝન જતું રહેવાનું જોખમ તોળાય છે અને કુલ બ્લાઇન્ડનેસમાં ૧૨.૩ ટકા ફાળો આ રોગનો રહ્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને આ રોગ વિશેની કેટલીક ગેરમાન્યતાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. શંકર આઇ હૉસ્પિટલના ગ્લૉકોમા સ્પેશ્યલિસ્ટ ડૉ. કમલા સુબ્રમણ્યમે કૉમન પ્રચલિત ભ્રમણાઓને તોડી સાચું જ્ઞાન પિરસ્યું છે એ જાણીએ.
માન્યતાઃ માત્ર ફૅમિલી હિસ્ટરી હોય તો જ ગ્લૉકોમા થાય
હકીકતઃ ફૅમિલી હિસ્ટરી હોય તો ગ્લૉકોમાનું જોખમ વધે છે, પરંતુ એ સિવાય પણ જો અસ્થમા માટે લાંબા સમય સ્ટેરૉઇડ લેવામાં આવી હોય, રૂમેટૉઇડ આર્થ્રાઇટિસ અને ઑટોઇમ્યુન ડિસીઝ માટેની દવાઓ લાંબો સમય લેવામાં આવી હોય, આંખાં ઇન્જરી થઈ હોય કે ચોક્કસ સ્કિન કન્ડિશન્સ હોય તો પણ ગ્લૉકોમાનું રિસ્ક વધે છે.
માન્યતાઃ દવાઓ ફેઇલ જાય તો બીજો કોઈ વિકલ્પ નથી
હકીકતઃ જ્યારે દવાઓ કામ ન કરે ત્યારે સર્જિકલ અને લેસર પ્રોસિજર પણ હવે અવેલેબલ છે જે વિઝન લૉસને રોકવાનું કે ધીમું પાડવાનું કામ કરે છે.
માન્યતાઃ દૃષ્ટિ સતેજ હોય એ લોકોને ગ્લૉકોમા ન થાય
હકીકતઃ સરસ આઇસાઇટ હોય તેમને પણ ગ્લૉકોમા થઈ શકે છે. પર્ફેક્ટ વિઝન હોય એ પછી પણ ગ્લૉકોમા હોઈ શકે છે.
માન્યતાઃ ડાયટરી હૅબિટ્સથી ગ્લૉકોમા ક્યૉર થઈ શકે છે.
હકીકતઃ તમારા ડાયટમાં ચેન્જ કરવા માત્રથી ઝામર ક્યૉર થઈ જાય એવું નથી, પરંતુ હેલ્ધી લાઇફસ્ટાઇલ, સંતુલિત ડાયટથી ફાયદો થાય છે. પ્રેશર કન્ટ્રોલમાં રાખવાની દવાનું રિપ્લેસમેન્ટ ડાયટ કદી બની શકે નહીં.
માન્યતા : મોટી વયના લોકોને જ ઝામર થાય
હકીકતઃ કોઈ પણ ઉંમરે આ થઈ શકે છે. વડીલોને જ નહીં, વીસથી ૫૦ વર્ષના લોકોને ને ઘણી વાર તો નવજાત શિશુમાં પણ ઑક્યુલર ડેવલપમેન્ટની અનિયમિતતાને કારણે ઝામર થઈ શકે છે. ઝામરના વિવિધ પ્રકાર છે જે ડિફરન્ટ એજ ગ્રુપને અસર કરે છે.
માન્યતાઃ મોતિયાની સારવાર ન કરાવો તો ગ્લૉકોમા થાય અને દૃષ્ટિ જતી રહે
હકીકતઃ ઝામર અને મોતિયો એ બે ખૂબ જ જુદી કન્ડિશન છે. લેન્સ પર ક્લાઉડિંગ થવાને કારણે કૅટરૅક્ટ થાય છે અને જોવામાં તકલીફ પડે છે. બન્નેને કારણે દૃષ્ટિ જોખમાય છે, પરંતુ એકને કારણે બીજું થાય કે બીજાને કારણે પહેલું થાય એવું નથી. મોતિયો ટ્રીટેબલ છે અને મોટા ભાગે ૪૦ વર્ષની વય પછીથી થાય છે. જ્યારે ગ્લૉકોમા કોઈ પણ એજના લોકોને થાય છે. હા, ડાયાબિટીઝ ધરાવતા લોકોમાં ઝામર થવાનું રિસ્ક વધે છે.
માન્યતાઃ વધુપડતા સ્ક્રીન ટાઇમથી ગ્લૉકોમાનું રિસ્ક વધે...
હકીકતઃ સ્ક્રીન ટાઇમને કારણે ઝામર થવાના જોખમનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. એમ છતાં એવું માયોપિયા ધરાવતા લોકો જો લાંબા કલાકો સ્ક્રીન્સ વાપરે તો એનાથી રિસ્ક વધે છે.