17 January, 2024 08:28 AM IST | Mumbai | Dr. Ravi Kothari
પ્રતીકાત્મક તસવીર
આમ તો શિયાળાની સીઝન ચાલે છે, પણ મુંબઈગરાઓને જાણે ઠંડી અડતી નથી. ઠંડી ન હોવા છતાં ખાંસી-ઉધરસ તો જાણે અટકવાનું નામ જ નથી લેતી. ખાંસી રોકવા માટે તમે મેન્થોલવાળી કે કફ કાઢવા માટેની પેપરમિન્ટની ગોળીઓ ચૂસ્યા કરતા હો તો આ વાંચી જવું બહુ જરૂરી છે. જિંજર કે મિન્ટની કફસિરપ જેવી ફીલ આપતી ગોળીઓમાં ભારોભાર શુગર હોય છે જે થોડીક વાર માટે ગળામાં તીખાશ અને ભીનાશ પેદા કરે છે, પણ સાથે જ ઓવરઑલ કફ પણ વધારે છે. એવામાં ગળામાં ભરાયેલા કફને બહાર કાઢી નાખી શકે એ માટે જેઠીમધનો શીરો મોંમાં રાખવો વધુ હિતકર છે.
આ સીઝનના કફનાં લક્ષણો કંઈક આવાં છે. ગળામાં કફ ખૂંચ્યા કરે, નાક અને માથું ભારે લાગે, જાડો, ચીકણો અને લીલો-પીળો કફ નીકળે, ક્યારેક ખાંસીમાં કફ ખખડે, પણ નીકળે નહીં. તો ક્યારેક જરીક અમથું ખાંસવાથી પણ જાડો કફ મોંમાં આવી જાય, સૂકી ખાંસી કેમેય રોકી રોકાય નહીં. આ લક્ષણો લાંબો સમય ચાલે તો ગળામાં સોજો આવે છે અને ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહે છે. સોજો અને ઇન્ફેક્શનને કારણે આજકાલ અવાજ બેસી ગયાની ફરિયાદ પણ વધુ જાવા મળે છે. મોટા ભાગે ગરમીમાં પિત્તની શરદી અને કફ થાય ત્યારે જેઠીમધ આપવામાં આવે છે, પણ અત્યારે જે કન્ફ્યુઝિંગ સીઝન મુંબઈગરાઓ માટે ચાલી રહી છે એમાં કફના લેખન માટે બેસ્ટ છે. ખાંસી આવતી હોય ત્યારે જેઠીમધનું મૂળ અથવા તો એના અર્કમાંથી બનાવેલો શીરો મોંમાં રાખીને ચૂસતા રહેવાથી ખાંસી અટકે છે, કફ છૂટીને બહાર નીકળે છે.
બીજા પણ અનેક ગુણ | જેઠીમધ કેવળ ઠંડું ઔષધ છે એટલું જ નહીં, એ અજોડ અને અનેકવિધ ગુણોવાળું ઔષધ છે. એ સ્વાદમાં મધુર, તૂરું અને સહેજ કડવું હોવાથી પિત્તશામક છે. શીતળ અને શીતવીર્યાત્મક હોવાથી ગરમીનો પ્રતિકાર કરે છે અને ગરમીને દૂર કરે છે. એ ત્રિદોષશમન ગુણવાળું હોવાથી વાયુ-પિત્ત-કફ એ ત્રણેયને શાંત કરે છે. એનામાં જીવનીય નામનો એક મહત્ત્વનો ગુણ હોવાથી એનું સેવન કરવાથી જીવનભર સ્વસ્થ રહી શકાય છે. એ ચક્ષુષ્ય હોવાથી આંખનું તેજ વધારે છે અને આંખોના રોગને દૂર કરે છે. કેશ્ય હોવાથી વાળને કાળા, સુંવાળા, લાંબા અને સ્વસ્થ રાખે છે. એ વર્ણ્ય પણ છે એટલે કે જેઠીમધ ખાનારાની ત્વચા તેજસ્વી, મુલાયમ, કરચલીરહિત અને સ્વસ્થ રહે છે. ચામડીના રોગો જેઠીમધ સેવન કરનારાઓને સતાવતા નથી. જેઠીમધ સ્વર્ય હોવાથી એનાથી અવાજ સારો રહે છે. ગાયકો માટે એ અમૃતતુલ્ય છે. ઉધરસ-ખાંસી-સ્વરભેદ-કફ વગેરેની ઔષધ છે. જેઠીમધ બળપ્રદ હોવાથી શક્તિ-સ્ફૂર્તિ-ઉત્સાહ અને પ્રસન્નતા આપનાર છે. શારીરિક-માનસિક અને જાતીય બળની એ પુરવણી કરતું રહે છે. એનો બૃહણ ગુણ શરીરનું વજન વધારતું હોવાથી પાતળા લોકોને એ સપ્રમાણ શરીરવાળા કરી આપે છે. વૃષ્ય હોવાથી શુક્રધાતુમાં એ વધારો કરી જાતીય શક્તિ અને સ્તંભન શક્તિ વધારે છે.
કઈ રીતે લેવાય? | દુકાનમાંથી બને એટલાં તાજાં, સૂકાં જેઠીમધનાં મૂળ લાવી ઘરે વ્યવસ્થિત રીતે સાફ કરી એને ખાંડી એનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી કાચની બાટલીમાં ભરી રાખવું. આ શક્ય ન બને તો ફાર્મસીમાંથી તૈયાર ચૂર્ણ ખરીદવું. નિર્દોષ હોવાથી થોડી માત્રામાં વધ-ઘટ હોવાથી કશું જ નુકસાન નથી કરતું. એ છતાં એક ગ્રામથી લઈને પાંચ ગ્રામ સુધીની માત્રા લઈ શકાય. જેઠીમધ એકલું પણ ફાકી શકાય છે અને એ પાણી, દૂધ કે મધ અથવા/અને ઘીમાં પણ લઈ શકાય છે. ખાલી કૅપ્સ્યુલમાં ભરીને પણ લેવાય. દૂધમાં પકાવીને અથવા પાણીમાં ઉકાળીને પણ લઈ શકાય. એકલું જેઠીમધ ન લેવું. ફાવે તો એ અશ્વગંધા, શતાવરી જેવાં ઔષધોમાં મેળવીને પણ લઈ શકાય.
અત્યારે જે ખાંસી-ઉધરસનો વાવર જોવા મળ્યો છે એમાં કેટલાય લોકોમાં ઍસિડિક ઊબકા પણ કારણભૂત છે. કફની સાથે પિત્તવિકાર પણ વધી ગયો હોય ત્યારે જેઠીમધનો ક્વાથ પીવો જાઈએ. ઍસિડિટી થઈ હોય અથવા તો છાતીમાં કફ ખખડતો હોય ત્યારે જેઠીમધનું પાણી પીધા કરવાથી ઊલટી થઈ જાય છે. આને કારણે ગળામાં ભરાઈ રહેલો કફ અને જઠરમાં રહેલું પિત્ત ઊલટી વાટે નીકળી જાય છે.
જેઠીમધ સ્વર સુધારે છે. અવાજ ઘોઘરો થઈ ગયો હોય, બેસી ગયો હોય કે સ્વરભેદ હોય ત્યારે જેઠીમધ, સૂંઠ, ભોરિંગણી અને ભારંગમૂળનો ઉકાળો કરીને આપવો. ખૂબ બોલવાનું કે ઊંચા સ્વરે ગાવાનું હોય ત્યારે પણ જેઠીમધનું મૂળ અથવા તો એનો શીરો ખૂબ કામમાં આવે છે.