શૉપિંગ કરવા જાઓ ત્યારે ક્રેડિટ કાર્ડ સાથે ન રાખવું

12 October, 2011 07:05 PM IST  | 

શૉપિંગ કરવા જાઓ ત્યારે ક્રેડિટ કાર્ડ સાથે ન રાખવું

 

અર્પણા ચોટલિયા

 

ખરીદી કરવાની શૉખીન ઍક્ટ્રેસ યશશ્રી મસૂરકર ‘મિડ-ડે’ સાથે શૅર કરે છે તેની શૉપિંગની આદતો


‘ચંદ્રગુપ્ત મૌર્ય’ સિરિયલમાં રાજકુમારી મૃગનયનીનું પાત્ર ભજવતી નાનકડી, ક્યુટ યશશ્રી મસૂરકર જ્યારે પણ સમય મળે ત્યારે શૉપિંગ કરવાની ખૂબ શોખીન  છે, પણ જ્યારે સમય મળે ત્યારે તે મહિનાઓ અને વષોર્નું શૉપિંગ એકસાથે કરી લે છે. તે કહે છે કે હું શૉપિંગ કરુ છું, પણ શૉપોહૉલિક નથી. જાણીએ  શૉપિંગમાં શું છે તેનું ફેવરિટ.

બ્રૅન્ડનું ઍડિક્શન નથી

મને બ્રૅન્ડેડ ચીજો પહેરવી ગમે છે ખરી, પણ કોઈ ઍડિક્શન નથી. જે ખરીદું એ બ્રૅન્ડેડ જ હોવું જોઈએ એવું જરૂરી નથી. મને મુંબઈમાં જ શૉપિંગ કરવું ગમે છે. મને છોકરીઓની જેમ જ ખૂબ-ખૂબ શૉપિંગ કરવું ગમે છે અને હું કરું છું  પણ ખરી. કપડાં માટે મૅન્ગો અને શૂઝ માટે ટ્રેમોડ બ્રૅન્ડ મારી ફેવરિટ છે.

મૉલ શૉપિંગ

મને મારા ઘરની આજુબાજુમાં આવેલા મૉલ્સમાં શૉપિંગ કરવું ગમે છે. મને સ્ટ્રીટશૉપિંગનો એટલો શોખ નથી. મૉલમાં ખરીદી કરવાનું કારણ એ છે કે અહીં એક જ છત નીચે બધી જ જોઈતી ચીજો આસાનીથી મળી જાય છે. મૉલમાં ચીજો ઝડપથી પ્લસ સારી ક્વૉલિટીની મળે છે. મારું મોટા ભાગનું શૉપિંગ શૂઝ અને ઍક્સેસરીઝનું હોય છે. કપડાં પ્રમાણમાં હું ઓછાં ખરીદું છું.

ક્રેડિટ પર લાઇફ ન જીવાય

મારી હંમેશાં બધાને અને ખાસ કરીને કૉલેજગર્લ્સને એક સલાહ છે કે શૉપિંગ કરવા ક્યારેય ક્રેડિટ કાર્ડ લઈને ન જવું, કારણ કે એમ કરવાથી આપણે એ બધું જ  ખરીદી લઈએ છીએ જે દેખાવમાં ગમી જાય. હું પણ શૉપિંગ કરવા ક્રેડિટ કાર્ડ નહીં પણ ડેબિટ કાર્ડ કે કૅશ લઈને જ જાઉં છું, કારણ કે મારા હિસાબે ક્રેડિટ કાર્ડ પર  જિંદગી જીવવી સારી વાત નથી.

મમ્મીની ટકોર

હું જ્યારે પણ શૉપિંગ કરીને ઘરે આવું એટલે ત્યારે મારી મમ્મી સૌથી પહેલાં એ પૂછે છે કે ‘આજે કેટલાં જૂતાં લાવી? પહેલાં જેટલાં ઘરમાં છે એટલાં તો પહેરી લે’  એ છતાં હું હંમેશાં શૂઝ જ ઉપાડી લાઉં છું તાજેતરમાં મેં એક ઘેરા પીળા રંગનાં શૂઝ ખરીદ્યાં. એ શૂઝ મેં જ્યારે મૉલમાં જોયાં ત્યારે મને ખૂબ ગમેલાં અને દેખાવમાં  સારાં હતાં એટલે એક વાર પહેરીને જોયાં અને મેં ખરીદી લીધાં, પણ ઘરે આવ્યા પછી એ શૂઝ મને ખૂબ ટાઇટ થયાં. વધારેમાં એ કમ્ફર્ટેબલ પણ નથી. આ કંઈ  પહેલી વાર નથી. આવું મેં અનેક વાર પહેલાં પણ કર્યું છે. મેં કેટલાંય એવાં સૅન્ડલ્સ ખરીદ્યાં હશે, જે મેં એકેય વાર પહેર્યા નથી.

મારા ફેવરિટ શૂઝ

મારી અત્યાર સુધીની સૌથી એક્સપેન્સિવ શૂ શૉપિંગ એટલે ટ્રેમોડના જ એક બ્લુ કલરનાં સ્ટિલેટોઝ. બ્લુ મારો ફેવરિટ કલર છે એટલે એટલે મેં એ સૅન્ડલ્સ તરત જ  ખરીદી લીધાં હતાં. આ શૂઝ મારા ફેવરિટ રંગના હતાં એટલે મેં વગર વિચાર્યે ૧૨,૦૦૦ રૂપિયા ચૂકવી દીધા હતા. હું મોટા ભાગે ફ્લૅટ્સ પહેરવાનું પસંદ કરું છું,  પણ કોઈ એવું ઓકેઝન હોય તો હાઈ હીલ પ્રિફર કરું છું.

શૂઝ પાછળ દીવાની

મને જૂતાંઓનું ગાંડપણ છે એમ કહું તો એમાં ખોટું નથી. મારા વૉર્ડરોબમાં ત્રણ સેક્શન છે, જેમાંથી બે સેક્શનમાં શૂઝ અને ઍક્સેસરીઝ તેમ જ એક જ સેક્શનમાં  કપડાં રાખું છું. મને નવી-નવી ડિઝાઇનનાં શૂઝ પહેરવાનો ખૂબ શોખ છે. મારી પાસે ફ્લૅટ્સ, પ્લૅટફૉર્મ હીલ, સ્ટિલેટોઝ જેવાં બધાં જ પ્રકારનાં શૂઝ મોટી  સંખ્યામાં છે. હું ખરેખર ગણી નહીં શકું કે મારી પાસે કેટલાં શૂઝ છે.