ટ્રાઇગ્લિસરાઇડ દર વર્ષે વધી રહ્યું છે...

04 July, 2022 05:53 PM IST  |  Mumbai | Dr. Yogita Goradia

ટ્રાઇગ્લિસરાઇડ એ લોહીમાં રહેલી ફૅટ્સનો એક ભાગ છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૪૩ વર્ષનો છું. હું છેલ્લાં ત્રણ વર્ષથી નિયમિત ચેક-અપ કરું છું, જેમાં મારા લિપિડ પ્રોફાઇલના ટેસ્ટ રિઝલ્ટમાં ટ્રાઇગ્લિસરાઇડ થોડું વધેલું જ આવતું હતું. કૉલસ્ટરોલ ઠીક હતું એટલે ખાસ ચિંતા નહોતી, પરંતુ ટ્રાઇગ્લિસરાઇડ છેલ્લાં ત્રણ વર્ષથી ૧.૯, ૨.૨ અને ૨.૩ એમ ઉત્તરોત્તર વધતું જ જાય છે. શું આ બાબતે ગંભીર થવાની જરૂર છે?     

ટ્રાઇગ્લિસરાઇડ એ લોહીમાં રહેલી ફૅટ્સનો એક ભાગ છે. આપણાં ઘી-તેલ-બટરમાંથી આપણને જે મળે છે એ ટ્રાઇગ્લિસરાઇડ હોય છે. આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી આ ફૅટ લોહી દ્વારા શોષાય છે, પરંતુ એવું નથી કે ટ્રાઇગ્લિસરાઇડ મેળવવા માટેનો એકમાત્ર સોર્સ ઘી-તેલ કે બટર જ છે. આપણે ખોરાકમાં જે સિમ્પલ કાર્બ્સ ખાઈએ છીએ, જેમ કે કેક, પેસ્ટ્રી, મેંદાની બનાવટો, કૅન્ડી, સુગર, આલ્કોહોલ વગેરેમાં ઘણી એક્સ્ટ્રા કૅલરીઝ હોય છે જે બચી જાય છે. આ કૅલરીને શરીર ટ્રાઇગ્લિસરાઇડમાં ફેરવી કાઢે છે અને ફૅટના કોષો તરીકે એને સાચવે છે. આ કોષો યોગ્ય માત્રામાં હોય એ જરૂરી છે. તમારું શરીર એને ત્યારે વાપરે છે જ્યારે એને એનર્જીની અછત વર્તાય, જેમ કે વ્યક્તિ માંદી પડે કે પછી વધુ એનર્જીની એને એકદમ જરૂરત પડે જ્યારે એની પાસે એનર્જીનો સોર્સ એટલે કે ખોરાક ન હોય અથવા ઓછો હોય ત્યારે, પરંતુ જો એની માત્રા વધે તો એ નુકસાન કરે છે.
એ પણ શક્ય છે કે વ્યક્તિને કૉલસ્ટરોલની તકલીફ ન હોય, પરંતુ ટ્રાઇગ્લિસરાઇડ વધુ હોય એમ બને. ઊલટું ભારતીયોમાં આવું વધુ જોવા મળે છે, જેનું કારણ આપણું કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ડાયટ છે. બીજા દેશો કરતાં આપણા દેશમાં પ્રોટીન ઓછું અને કાર્બ્સ વધુ ખવાય છે. એને કારણે આ પ્રમાણ વધે છે. જો બૅડ કૉલસ્ટરોલ તમારા શરીરમાં વધુ હોય અને ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ પણ વધુ હોય તો તમને કાર્ડિયોવેસ્ક્યુલર પ્રૉબ્લેમ થવાની શક્યતા વધે છે. એમનેમ પણ ટ્રાઇગ્લિસરાઇડની વધુ માત્રા હાર્ટ માટે હાનિકારક છે. એને ઓછું કરવા માટે ખાંડ ખાવાનું સાવ બંધ કરી દો. ફાઇબર્સ વધુ ખાવ, તળેલો ખોરાક ઓછો કરો. આલ્કોહોલ પીતા હો તો એ પણ બંધ કરી દો. વજન ઓછું કરવાના પૂરા પ્રયાસ કરો. સારી ફૅટ્સ, જેમ કે નટ્સ ખાઓ. આપોઆપ એનું લેવલ ઘટશે. વર્ષમાં બે વાર લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવો જ. લાઇફસ્ટાઇલમાં બદલાવ તમને સારાં રિઝલ્ટ આપશે. 

columnists health tips