બાળકનો આઇક્યુ ઘટાડી શકે ટ્રાફિક અને એનો ધુમાડો

08 November, 2011 07:57 PM IST  | 

બાળકનો આઇક્યુ ઘટાડી શકે ટ્રાફિક અને એનો ધુમાડો



(સેજલ પટેલ)

શું તમે મુંબઈ શહેરમાં વાહન ચલાવો છો? એનું નિયમિત પોલ્યુશન કન્ટ્રોલ સર્ટિફિકેટ નથી મેળવતા? એમાંથી કાળો ધુમાડો નીકળ્યા કરતો હોવા છતાં ચલાવ્યે રાખો છો? તો તમારા બાળકનો આઇક્યુ ઓછો થઈ શકે છે. સૉરી, આ વાંચીને તમે વાહન ચલાવવાનું છોડી દો અને માત્ર મુંબઈ શહેરના ટ્રાફિકનો ધુમાડો શ્વાસમાં લેતા હો તો પણ આ જોખમ તો માથે તોળાયેલું રહેવાનું જ છે.

તાજેતરમાં કૅલિફૉર્નિયાના સાયન્ટિસ્ટોએ હવામાં પ્રદૂષિત વાયુઓનું પ્રમાણ અને એનાથી થતા નુકસાન વિશે પ્રયોગ કર્યો હતો. એમાં જાણવા મળ્યું છે કે બેન્ઝિન નામનો વાયુ કૅન્સરનું પ્રમાણ વધારે છે અને સાથે જ અવિકસિત મગજને ડૅમેજ કરી શકે છે. બેન્ઝિનને કારણે બ્રેઇનના બુદ્ધિ અને તર્ક સાથે સંકળાયેલા કોષો ડૅમેજ થઈ શકે છે અને એને કારણે બુદ્ધિઆંક ઉંમરની સાથે વધવાને બદલે ઘટી શકે છે.  એનો મતલબ એ થયો કે હવાનું પ્રદૂષણ તાજા જન્મતા બાળકના આઇક્યુ (ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ) એટલે કે બુદ્ધિઆંક માટે ખતરારૂપ છે.

હવાનું પ્રદૂષણ

પેટ્રોલ કે ડીઝલમાં બેન્ઝિનનું પ્રમાણ પણ નિãશ્ચત માત્રામાં હોય છે. ઈંધણ બળ્યા પછીથી એ હવામાં ભળે છે અને એવી ધુમાડાવાળી પ્રદૂષિત હવા નુકસાનકારક છે.

સ્મોકિંગની આદત, શહેરોમાં ગાડીઓથી ભરચક રસ્તાઓ અને ઝેરી રાસાયણિક દ્રવ્યો ઓકતી ઇન્ડસ્ટ્રીઝ વધી રહી છે. માત્ર ગાડીઓના ધુમાડામાં પણ બ્રેઇનને ડૅમેજ કરવાની ક્ષમતા છે, પરંતુ એને કાબૂમાં લેવા માટે ભારતમાં કોઈ જ વ્યવસ્થા નથી. બૅન્ગલોરની એક પર્યાવરણપ્રેમી સંસ્થાએ ભારતનાં પાંચ મુખ્ય શહેરો મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નઈ અને બૅન્ગલોરમાં પ્રદૂષણની માત્રા તપાસવાની પહેલ કરી હતી અને એમાં ચોંકાવનારી વિગતો બહાર પડી છે. ભારતનાં પાંચેય શહેરોની હવામાં કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઑક્સાઇડ, હાઇડ્રોકાર્બન્સ, ઍસિટાલ્ડિહાઇડ, પૉલિસાઇક્લિક ઍરોમેટિક હાઇડ્રોકાર્બન, બેન્ઝિન જેવાં ઝેરી દ્રવ્યો મળી આવ્યાં છે અને આ બધામાં દિલ્હીને બાદ કરતાં બેન્ઝિનની માત્રા પ્રમાણિત માત્રા કરતાં ઘણી વધુ જોવા મળી હતી.

પ્રદૂષિત હવાનાં પ્રાથમિક લક્ષણો

હવામાં જો ઝેરી પદાથોર્ રહેલા હોય તો એનાથી આંખમાં બળતરા, નાકમાંથી પાણી વહેવું, ગળામાં ખૂંચવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવાં લક્ષણો જોવા મળે છે. વાહનોના ધુમાડામાંથી નીકળતા ઝેરી વાયુઓને કારણે શ્વાસનળી, ફેફસાં અને ગળાને વધુ નુકસાન થાય છે. એ ઉપરાંત હાઇવે પાસે રહેતા પરિવારોમાં કૅન્સર અને ફેફસાંની બીમારીઓનું પ્રમાણ વધારે નોંધાયા હોવા વિશેના અનેક અભ્યાસો થયા છે.

વિવિધ વાયુઓની માઠી અસર

બેન્ઝિન નામનો ઝેરી વાયુ હાડકામાંનાં બોન મૅરોની કાર્યક્ષમતા ખોરવી નાખે છે અને એને કારણે રક્તકણો ઓછા પેદા થાય છે તથા એનીમિયા થાય છે. બોન મૅરોની ખામીને કારણે કૅન્સર પણ થાય છે. સાથે જ અવિકસિત મગજના કોષોને ડૅમેજ કરીને બુદ્ધિઆંક સંકુચિત કરી નાખવા માટે જવાબદાર ગણાયો છે.

તમાકુના ધુમાડાથી ગળામાં ઇરિટેશન, કૅન્સર, બ્રોન્કાઇટિસ, ગંભીર અસ્થમા અને ફેફસાંની કાર્યક્ષમતા ઘટવાની તકલીફો થાય છે.

ઊડ્ડનશીલ રાસાયણિક કમ્પાઉન્ડથી માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઊબકા, એકાગ્રતાના અભાવ જેવી તકલીફો થાય છે. લાંબા ગાળે આવી ચીજો લિવર અને કિડનીને અસર કરી શકે છે. સલ્ફર ડાયોક્સાઇડ એ ઈંધણમાંથી નીકળતો વાયુ છે.

કાર્બન મોનોક્સાઇડ શરીરમાંનાં હીમોગ્લોબિન સાથે સંકળાઈને એમાંથી ઑક્સિજન મેળવે છે અને લોહીમાં ભળીને એમાંના ખાસ પ્રોટીન્સના મૂળભૂત બંધારણને ચેન્જ કરી દે છે. આવું ચેન્જ થયેલું લોહી બ્રેઇન, કિડની, લિવર, ફેફસાં જેવા શરીરના વાઇટલ અવયવોને ડૅમેજ કરે છે.

પર્સનલ કૅર

પ્રદૂષણને નિયંત્રણમાં લેવું કદાચ એકલદોકલ વ્યક્તિનું કામ નથી. એને કન્ટ્રોલ કરવા માટે ખાસ વ્યવસ્થા વિકસવી જરૂરી છે. જોકે વ્યક્તિ પોતાના તરફથી વધુ પ્રદૂષણ ન થાય એની કાળજી રાખી શકે છે. અંગત ધોરણે વાહનનો ઉપયોગ બને એટલો મિનિમમ કરવો. બને એટલો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો.

પોતાના જ નહીં, બીજાના સ્વાસ્થ્યનો વિચાર કરીને સ્મોકિંગ બંધ કરવું.  જાહેર જગ્યાઓએ કે વાહન ધુમાડો છોડીને જાય એ પછી ઊંડો શ્વાસ ન લેવો.