ટૂથબ્રશ બદલવાની તસ્દી લેજો, નહીં તો...

15 November, 2011 10:11 AM IST  | 

ટૂથબ્રશ બદલવાની તસ્દી લેજો, નહીં તો...



(સેજલ પટેલ)

તમે કેટલા સમયાંતરે ટૂથબ્રશ રિપ્લેસ કરો છો? ૫૬ ટકા ભારતીયો માને છે કે બ્રશ નિયમિત ચેન્જ કરવું જરૂરી નથી. એમ નહીં કરવામાં આવે તોપણ હેલ્થને કંઈ નુકસાન નથી થવાનું.

૬૫ ટકા લોકો બ્રશમાં ડૅમેજ થઈ જાય પછીથી જ બ્રશ બદલે છે. આમાંના ૫૫ ટકા લોકો રૂંછાં વળી જાય એ પછી જ બ્રશ બદલે છે. ૪૩ ટકા લોકો ટૂથબ્રશ ઘસાઈને ગંદું લાગવા લાગે એ પછી જ બદલે છે, જ્યારે ૩૨ ટકા લોકો એનાં રૂંછાં નીકળવા માંડે એ પછી જ બ્રશ બદલે છે.

૫૦ ટકા ભારતીયો જાણે છે કે દર ત્રણ-ચાર મહિને ટૂથબ્રશ બદલવું જરૂરી છે, પરંતુ એમાંથી માત્ર ૧૪ ટકા લોકો દર ૮-૧૦ મહિને જ બ્રશ ચેન્જ કરે છે.

(ઇન્ડિયન માર્કેટ રિસર્ચ બ્યુરોએ કરેલા સર્વેક્ષણ અનુસાર) તમે ઉપરના આંકડાઓમાં ક્યાં સ્થાન ધરાવો છો એ જાતે જ નક્કી કરી લો.

રોજ દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ, એ વિશે ખૂબ જાગૃતિ આણવાની કોશિશ ભારતમાં થઈ છે, પરંતુ એ માટે કેવું બ્રશ વાપરવું એ બાબતે હજી પૂરતી સભાનતા નથી. બધું જ જાણવા છતાં ટૂથબ્રશ નહીં બદલીએ તો ચાલી જશે એવી માન્યતા ખૂબ મોટા પાયે છે.

ટૂથબ્રશ કેમ અગત્યનું?

ઓરલ હાઇજિન એટલે કે દાંત, જીભ અને ગલોફાંમાં અસંખ્ય બૅક્ટેરિયા હોય છે. ખૂણેખાંચરે ખોરાક ભરાઈ રહે તો એ જગ્યાએ બૅક્ટેરિયાનો સતત વધારો થયા કરે છે. ટૂથપેસ્ટ જ્યાં પહોંચે એ ભાગને સાફ કરે છે, પરંતુ ટૂથબ્રશ ખૂણેખાંચરે સુધી ટૂથપેસ્ટ પહોંચી શકે એ માટે મહત્વનું છે. દાંત યોગ્ય રીતે સાફ થાય, છતાં ખૂબ કડક રૂંછાંને કારણે એના ઉપરના આવરણને નુકસાન ન પહોંચે એવું સૉફ્ટ બ્રશ હોવું જરૂરી છે.

બ્રશ કેવું હોવું જોઈએ?

મોંમાં રહેલા બૅક્ટેરિયા માત્ર દાંત અને ખૂણેખાંચરે જ ભરાયેલા નથી હોતા. ગલોફાં, પેઢાં અને જીભ પર પણ હોય છે. એટલે બને ત્યાં સુધી આ બધી જગ્યાઓએ પણ હળવેકથી બ્રશ ફેરવી શકાય એવું સૉફ્ટ બ્રશ હોવું જોઈએ.

દાંતની અંદરની સપાટીને પણ સાફ કરી શકાય એવો બ્રશનો ઍન્ગલ હોય તો બહેતર છે.

ઇલેક્ટ્રિક કે બૅટરી ઑપરેટેડ બ્રશ માર્કેટમાં મળે છે, પરંતુ એની કોઈ જરૂર નથી. પેઢાં પર એનાથી સારો મસાજ થઈ શકે છે એમ કહીને એનું માર્કેટિંગ કરવામાં આવે છે, પરંતુ પેઢાં પરના મસાજ માટે બૅટરીવાળા બ્રશને બદલે આંગળીઓ ઉત્તમ છે. એનાથી  પેઢાંની ઉપરની ત્વચાને પણ નુકસાન નથી થતું. દર ત્રણ મહિને ભૂલ્યા વિના ટૂથબ્રશ બદલવું જોઈએ.

સેન્સિટિવિટી થઈ શકે

શાર્પ અને કડક રૂંછાંવાળા બ્રશથી ઘસી-ઘસીને બ્રશ કરવાની આદત હોય તો એનાથી ઉપરનું આવરણ ઘસાઈ જાય છે અને દાંત સેન્સિટિવ થઈ શકે છે. આવા સંવેદનશીલ દાંતને સાફ રાખવા ખૂબ જ જરૂરી છે, પરંતુ દુખાવા અને કળતરને કારણે લોકો સેન્સિટિવ દાંત પર બ્રશ ફેરવવાનું ટાળે છે ને દાંતને વધુ નુકસાન થાય છે. ખરાબ બ્રશ અને ખોટી બ્રશિંગ સ્ટાઇલને કારણે દાંત સેન્સિટિવ થઈ જાય છે.

બ્રશ સાચવવાની ટિપ્સ

રોજ બ્રશ કરતાં પહેલાં સહેજ હૂંફાળા પાણીમાં બ્રશ બોળી રાખવું અને પછી ઝાટકીને વાપરવું. ઘરના તમામ સભ્યોનાં બ્રશ એક જ ટબલરમાં સાથે બોળી ન રાખવાં. બધા જ લોકોનાં બ્રશ અલગ-અલગ બોળવાં. અતિશય ગરમ પાણી વાપરવાથી રૂંછાં ખૂબ ઝડપથી બટકાઈ જશે એટલે હૂંફાળું ગરમ પાણી હોવું જરૂરી છે.

બ્રશ ક્યારેય વૉશબેઝિન ઉપર ખુલ્લા બૉક્સમાં નહીં, પણ કપબૉર્ડમાં બંધ રહે એ રીતે રાખવું. બધાં જ ફૅમિલી મૅમ્બર્સનાં બ્રશ એક સાથે ચીપકીને રહે એ રીતે નહીં, પણ અલગ રહી શકે એવા બૉક્સમાં રાખવાં.

બ્રશ કર્યા પછી વહેતા પાણીમાં એને સાફ કરવું.

ટ્રાવેલિંગ માટે ખાસ બ્રશનાં રૂંછાં ઢંકાઈ જાય એવી કૅપવાળું ટૂથબ્રશ વાપરવું.