દાદરમાં રહેતાં આ બહેને અનુભવી લીધી છે મુદ્રા-પ્રાણાયામની તાકાત

17 June, 2020 02:05 PM IST  |  Mumbai | Ruchita Shah

દાદરમાં રહેતાં આ બહેને અનુભવી લીધી છે મુદ્રા-પ્રાણાયામની તાકાત

નીલા સંજય લાપસિયા

યોગ સાથે વર્ષોથી જોડાયેલા પણ કેટલીક વાર યોગના જુદા-જુદા પાસાંઓ વિશે જાણ્યા પછી અભિભૂત થઈ જતા હોય છે. દાદરમાં રહેતાં નીલા સંજય લાપસિયા પણ એમાંનાં જ એક છે. લગભગ કૉલેજમાં હતાં ત્યારથી નીલાબહેન યોગની જુદી-જુદી સ્કૂલમાં જઈને શીખ્યાં છે. તેમને મૉનોટોનસ બાબતો ગમે નહીં એટલે યોગમાં પણ તેમણે ઘણી નવી ટેક્નિકો શીખી છે. જોકે ૨૦૧૦માં ચાલીસ વર્ષની ઉંમરે નીલાબહેનને પોતાની હેલ્થ કન્ડિશનથી કંટાળો આવવા માંડ્યો હતો. આખો દિવસ કામ કર્યા વિના પણ સતત થાક લાગ્યા કરે. ભયંકર લેથાર્જિકનેસ. બહુ જ માથા પર ભાર રહ્યા કરે. પ્રેગ્નન્સી બાદ હાઈ બ્લડ-પ્રેશરની દવા શરૂ કરી. દવાનો ડોઝ નિયમિત ચાલુ છતાં શરીર અંદરથી કોઈ જુદા જ મૂડમાં હોય એમ કોઈ બાબતે સપોર્ટ ન કરે. નીલાબહેન કહે છે, ‘દવાઓ ચાલુ હતી પણ છતાં ખૂબ થાકી જતી હતી. ઘરનાં બેઝિક કામોનો પણ ભયંકર થાક લાગતો કે એ સમયે યોગ વગેરેનો તો વિચાર પણ નહોતો આવતો. ૨૦૧૦માં જ અચાનક પેટમાં દુખવાનું શરૂ થયેલું, રિપોર્ટમાં આવ્યું કે કિડની પર અસર થઈ છે. આખો દિવસ બેડ પર હોઉં. ઊભી જ ન થઈ શકું. છેલ્લે કંટાળીને મેં જ નક્કી કર્યું કે હવે જાતે જ પોતાના માટે કંઈક કરવું પડશે. એમાં ફરી યોગ યાદ આવ્યા. જોકે એમાં પણ હેવી આસનો તો શું સામાન્ય આસનો કરવાની પણ સ્ટ્રેંગ્થ નહોતી એટલે પ્રાણાયામ શરૂ કર્યા. સિમ્પલ ડીપ બ્રીધિંગ કરતી. એ દરમ્યાન મારા સસરાએ એક પુસ્તક આપ્યું જેમાં મુદ્રા વિજ્ઞાનની વાત હતી. મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું અને અખતરા ખાતર મેં ડીપ બ્રીધિંગ સાથે પ્રાણ મુદ્રાની પ્રૅક્ટિસ શરૂ કરી. થોડાક દિવસમાં મને થોડુંક સારું લાગવા માંડ્યું. શરીરમાં તાકાત આવી. એ પછી તો એમાં જોઈ-જોઈને જ મુદ્રાઓ મારી સ્થિતિ પ્રમાણે નિયમિત કરતી. આજે પણ રોજ પાંચ મુદ્રા કરું છું દસ-દસ મિનિટ અને સાથે ડીપ બ્રીધિંગ. નાનપણમાં શીખેલા પ્રાણાયામ અત્યારે કામ આવ્યા. હસ્ત મુદ્રાની બહુ ઊંડી અસર મારા પર થઈ. મને સમજાયું કે આપણા ઋષિમુનિઓ ભયંકર ઠંડીમાં પણ રહી શકતા હતા. તમે માત્ર તમારી આંગળીઓનાં ટેરવાંથી પણ ચમત્કાર સર્જી શકો છો. દર વખતે ક્લાઇમેટ ચેન્જ થાય એટલે મને શરદી, ખાંસી અને વાઇરલ ઇન્ફેક્શન થઈ જતું. એ પણ અટકી ગયું. બીપીની દવાઓ ચાલુ છે પણ છતાં કહીશ કે હવે હું ખરેખર વધુ હેલ્ધી છું. જીવનને ઉત્સાહ અને ઊર્જા સાથે જીવું છું. ૨૦૧૬થી મૅરથૉનમાં પણ ભાગ લઉં છું.’

સર્વાઇકલ સ્પૉન્ડિલાઇટિસ તો ગયું પણ હવે બિન્ધાસ્ત શીર્ષાસન કરે છે આ ભાઈ

 

માટુંગામાં રહેતા વિમલ ગડા બિઝનેસમૅન છે. પાંચ વર્ષ પહેલાં તેમને સર્વાઇકલ આવ્યું અને વર્ષો પહેલાં તેમણે છોડી દીધેલા યોગ ક્લાસ વાઇફના કહેવાથી ફરી શરૂ કર્યા. હવે તેમના દુખાવામાં એકદમ આરામ છે. તેમને જોઈને તેમનાં દીકરા અને વાઇફે પણ યોગ કરવાના શરૂ કરી દીધા છે. વિમલભાઈ કહે છે, ‘હું અઢાર વર્ષનો હતો ત્યારે પણ કરતો, પણ પછી એ મૉનોટોનસ થઈ ગયું હતું એટલે છોડી દીધું. હું આયંગર સ્ટાઇલ ફૉલો કરું છું. હું માનું છું કે અમુક દુખાવામાં તમારા ટીચર અને તેમની ટેક્નિક વ્યસ્થિત હોય એ બહુ જરૂરી છે. યોગથી સૌથી પહેલો બેનિફિટ મળે છે એ ફિઝિકલ રિલીફનો. એ પછી તમારું કૉન્સન્ટ્રેશન વધે છે, તમે તમારી શરીની સિસ્ટમને સમજવા માંડો છો. હું દરેકને કહીશ કે તમે કેટલાં આસનો કરો છો એ નહીં, કેવી રીતે કેટલી શાંતિપૂર્વક અને શરીરને ઈઝ આપીને કરો છો એ મહત્ત્વનું છે. યોગાસનો તમને ફ્લેક્સિબિલિટી પણ આપે, સ્ટ્રેંગ્થ પણ આપે અને મગજને શાંતિ પણ આપે. બ્રીધિંગ બહેતર થાય, પૉશ્ચર સુધરી જાય. તમે માનસિક રીતે શાંત થતા જાઓ છો.’