૮૨ વર્ષના સ્વામી સચ્ચિદાનંદ તંદુરસ્તી કઈ રીતે જાળવે છે?

03 December, 2012 08:50 AM IST  | 

૮૨ વર્ષના સ્વામી સચ્ચિદાનંદ તંદુરસ્તી કઈ રીતે જાળવે છે?




(ફિટનેસ Funda)

ક્રાન્તિકારી વિચારો અને આધ્યાત્મની વિશિષ્ટ સમજ આપી સમાજમાં સુધારો લાવવા માટે પ્રયત્નો કરી રહેલા ૮૨ વર્ષનાં સ્વામી સચ્ચિદાનંદે ધર્મ, સમાજ અને જીવનને સ્પર્શતાં ૯૦થી વધુ પુસ્તકો લખ્યાં છે. દેશ-વિદેશમાં મળીને તેમણે અઢીહજાર પ્રવચનો કર્યા છે. પેટલાદ નજીક દંતાલીના પોતે સ્થાપેલા આશ્રમ ભક્તિ નિકેતનમાં રહી સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરનારા આ કર્મયોગી સંત માનવધર્મમાં માને છે. અમદાવાદ નજીક કોબામાં અને ઉંઝામાં પાટણ રોડ પર એમ ગુજરાતમાં તેમના ટોટલ ત્રણ આશ્રમ છે. યોગ-ઉપવાસમાં જરાય ન માનતા આ સ્વામીજી ૮૨ વર્ષે પણ એનર્જીથી તરબતર છે જાણીએ શું કહેવું તેમને પોતાની સદાબહાર તંદુરસ્તી વિશે.

કુદરતી જીવન જીવો

હું વીસ-બાવીસ વર્ષનો હતો ત્યારે રામદેવ બાબા કરાવે છે એવી યૌગિક ક્રિયાઓ કરતો હતો, પણ જ્યારે મને સમજાયું કે આમાંનું ઘણું કુદરતવિરોધી છે ત્યારે એ બધું મેં છોડી દીધું. નેતી, ધોતી, બસ્તી, કુંજલ, નૌલી જેવી યૌગીક ક્રિયાઓ અને વધુપડતો પ્રાણાયામ કુદરતવિરોધી છે. આખી જિંદગી યોગ કરતા કેટલાય યોગીઓને મેં ભૂંડી રીતે મરતા જોયા છે. યોગીઓએ બતાવેલી આ બધી ક્રિયાઓ આરોગ્યને બરબાદ કરી દે છે. લોકોને પ્રભાવિત કરવા હોય તો આ બધું બરાબર છે, પણ એ કરાય નહીં. ત્યાગી લોકો મરતાં બહુ રિબાય છે. એક ત્યાગી યોગી એટલું રિબાયા હતા કે મરતાં પહેલાં તેમણે એકરાર કર્યો હતો કે તેમણે જે કર્યું એ નહોતું કરવું જોઈતું. મારી સાથે કનખલમાં રહેતા એક યોગી મર્યા ત્યારે તેમના શરીરમંાથી એટલી દુર્ગંધ આવતી હતી કે સારવાર માટે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા તો અમેરિકન સરકારે પણ તેમને તડીપાર કર્યા હતા. આ બધા અનનૅચરલ જીવન જીવે છે, ગુફાઓમાં બેસે તો શરીરને ઑક્સિજન ન મળે અને પલાંઠી વાળીને બેસી રહે તેથી શરીરની હલનચલન ન થાય તેથી તે ડલ થઈ જાય. મહેનત-મજૂરી કરનારા અને સહજ જીવન જીવતા લોકો જ સ્વસ્થ રહે છે અને તેમને સહજ મૃત્યુ મળે છે. મારી આવી તતૂડી ભલે કોઈ ન સાંભળે, પણ એ હકીકત છે.

કાંઈ નથી કરતો

શરીરને સાચવવા હું કાંઈ નથી કરતો. તે એની મેળે જ સચવાય છે. યોગીઓ જે ધ્યાન કરે છે તે કુદરતી નથી, જીવન માટે જરૂરી પણ નથી. તમે જે કામ કરો એ ધ્યાનથી કરો, એમાં મન પરોવીને કરો તો એ તમારું ધ્યાન જ છે. સોયમાં તમે દોરો પરોવો ત્યારે એ ધ્યાન જ છે. ઘરનું કામ છોડી ધ્યાન કરવા બેસો તો જેવી આંખો બંધ કરો એવું અંદરથી મન કૂદાકૂદ કરવા લાગશે. યોગ અને ધ્યાને લોકોને ઊંધા રસ્તે વાળી દીધા છે. યોગી થવા કરતાં ઉપયોગી થાઓ, લોકોને ઉપયોગી બનો. સેવા પ્રવૃત્તિ કરો. લોકોનું ભલું થાય એવાં કામ કરો એ સૌથી મોટી સાધના છે. ગીતામાં પણ કહ્યું છે કે યોગ: કર્મસુ કૌશલમ.

મારો નિત્યક્રમ

હું રોજ સવારે ૪ વાગ્યે ઊઠી જાઉં છું. નહાઈ-ધોઈ જાપ તથા પ્રાર્થના કરું. સાંજે સાડાછ વાગ્યે મંદિરમાં આરતી વગેરે પતે પછી મારી રૂમમાં જઈ થોડી વાર ટીવી જોઉં, જેમાં સમાચાર ખાસ જોઉં અને રાત્રે સાડાઆઠ વાગ્યે સૂઈ જાઉં છું. રોજ સવારે ૧૦ વાગ્યે અને સાંજે ૪ વાગ્યે જમી લઉં છું. હવે ઉંમરના હિસાબે ઊંઘ જલદી ઊડી જાય છે તેથી રાત્રે ૧૨ વાગે

જાગીને લખવા બેસી જાઉં ને પાછું મન થાકે ત્યારે સૂઈ જાઉં. ૧૯૯૪માં મદ્રાસમાં મારુ બાયપાસનું ઑપરેશન થયું હતું. જોકે એ કર્યા પછી મને સમજાયું કે એની જરૂર નહોતી. ડૉક્ટરોના દબાણને કારણે વળી એ થયું. હાર્ટ માટે ડૉક્ટરે આપેલી એક ગોળી સિવાયની અત્યારે હું કોઈ દવા નથી લેતો. કોઈ વાર તાવ જેવું લાગે તો સુદર્શનની ગોળી લઈ લઉં. શરીરને કોઈ તકલીફ થાય તો આયુર્વેદિક દવા લઈ શકાય. બાકી શરીર આપમેળે સારું થઈ જતું હોય છે.

સ્વાદિષ્ટ ખાઓ

હું પહેલાં ખાવામાં ગાંધીજીના અસ્વાદના રવાડે ચઢ્યો હતો. અસ્વાદ એટલે મીઠું, મરચું, ખાંડ, તેલ, મસાલા વગેરે ન ખાવા. એમાં મારું શરીર બગડી ગયું તેથી મેં એ બધું છોડી દીધું. લગભગ ૩૦-૩૫ વર્ષથી બધું ખાઉં છું તો શરીર સારું રહે છે. મસાલા દવાઓ છે. પિમના દેશોના રવાડે ચઢી આપણે મસાલાનો ત્યાગ કરવા લાગ્યા એ ખોટી વાત છે. આપણા મસાલા લેવા માટે તો વાસ્કો દી ગામા ભારત આવ્યો હતો.

ખાવાનું હંમેશાં સ્વાદિષ્ટ ખાઓ તો એ પચશે. કોળિયો મોઢામાં આવે ત્યારે ભરપૂર લાળ છૂટવી જોઈએ, એવું એ સ્વાદિષ્ટ હોવું જોઈએ. હું રોજ બે જ ચીજો ખાઉં છું. દાળ-રોટલી અથવા તો શાક-રોટલી. થાળી ભરેલી હોય એવું મને ન જોઈએ, પણ જે હોય એ સ્વાદિષ્ટ હોવું જોઈએ. રોટલી બરાબર શેકાયેલી અને દાળ કે શાક સ્વાદમાં સરસ હોવાં જોઈએ. રસોઈ ખાવાની પ્રેરણા થાય એવી સરસ એ બનેલી હોવી જોઈએ. હું બધું જ ખાઉં છું, કોઈ વસ્તુની ઍલર્જી નથી. કાંદા-લસણ પણ ખાઉં છું. એટલું જ નહીં, આશ્રમમાં બધાને એ ભરપૂર ખાવા કહું છું. ખાવાનું પ્રમાણસર ખાવું જોઈએ. મસાલામાં કે ખાવામાં અતિરેક ન થવો જોઈએ એમ હું માનું છું.

મનની પ્રસન્નતા

હસો, રમો, ટોન્ટ-ટૂચકા કરો, ખાઓ, જૉબ કરો, હરો-ફરો, જેનાથી મન પ્રસન્ન થાય એ બધું જ કરો, બસ મન મુકીને જિંદગી જીવો. મનની પ્રસન્નતા જ સૌથી મોટો યોગ છે. જે કામ કરો એ મન પરોવીને અને ખુશીથી કરો. જે કરવાથી મન ખુશ રહે એવાં કામ કરો. મને જૂનાં ફિલ્મી ગીતો સાંભળવાં બહુ ગમે છે. એ હું જ્યારે મન

થાય ત્યારે સાંભળું છું. સંગીતકાર

શંકર-જયકિશનવાળા જયકિશને જે ધૂનો બનાવી છે... લાજવાબ...થોડા સમય પહેલાં દસ લાખ રૂપિયાના ખર્ચે મેં વાંસદા ગામમાં જયકિશનનું સ્ટૅચ્યુ મુકાવ્યું છે, જે પહેલી વાર બન્યું છે કે કોઈ ફિલ્મ સંગીતકારનું સ્ટૅચ્યુ મુકાયું હોય! જયકિશન વાંસદાનો મિસ્ત્રી હતો એની એના ગામના લોકોને પણ નહોતી ખબર!