સ્વચ્છ ભારત મિશનમાં તમે જોડાયા કે નહીં?

24 November, 2014 05:46 AM IST  | 

સ્વચ્છ ભારત મિશનમાં તમે જોડાયા કે નહીં?




જિગીષા જૈન

માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હમણાં દેશમાં જે સ્વચ્છ ભારતનું આંદોલન છેડ્યું છે ત્યારથી દરેક વ્યક્તિ સ્વચ્છતા માટે થોડી વધુ જાગ્રત અને થોડી વધુ સક્રિય થયેલી જોવા મળી રહી છે. જોકે વર્ષોથી આપણે ભારતવાસીઓ દુનિયાની નજરમાં અણઘડ અને અસ્વચ્છ હોવા માટે બદનામ થયેલા છીએ. વિદેશથી લાખો લોકો જ્યારે ભારતભ્રમણ માટે આવે છે ત્યારે જેટલાં વખાણ આપણી કલા-સંસ્કૃતિનાં થાય છે એટલી જ બુરાઈ આપણી અસ્વચ્છતાની થતી હોય છે. જોકે એક વાત એ છે કે આપણે દુનિયાને બતાવવા માટે નહીં, પરંતુ આપણી તબિયત દુરસ્ત રાખવા માટે સ્વચ્છતા માટે આગ્રહ સેવવો જોઈએ. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મીનો વાસ હોય એવું વેદોમાં લખ્યું છે. હકીકત એ જ છે કે ગંદકીને કારણે ફેલાતા રોગોનું ઇકૉનૉમિક બર્ડન એટલે કે આ રોગો પર ખર્ચ થતા પૈસાનું ભારણ આપણા દેશ પર કરોડો રૂપિયાનું છે. જો ગંદકી જ હટી જાય તો એ રોગો હટી જાય, અમૂલ્ય જીવન બચી જાય અને દેશ પરથી આ ઇકૉનૉમિક બર્ડન પણ દૂર થાય. સ્વચ્છતા જેવી પ્રારંભિક જરૂરિયાતની અસર ફક્ત શારીરિક જ નહીં, માનસિક સ્વાસ્થ્ય પર પણ ઊંડી રહેલી છે. આજે જાણીએ કે એ કઈ રીતે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે.

તાજેતરમાં જર્નલ ઑર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઍન્ડ હ્યુમન ડિસિઝન પ્રોસેસિસમાં છપાયેલા એક રિસર્ચ અનુસાર સ્વચ્છતા લોકોને પ્રામાણિક બનવામાં મદદરૂપ થાય છે. ૬૦૦ લોકોને લઈને કરેલા આ રિસર્ચ દરમ્યાન જે લોકોની ઑફિસ ખાસ કરીને તે કામ કરે છે એ આખો એરિયા જો સ્વચ્છ હોય તેવા લોકો એકબીજાને વધુ મદદ કરનારા અને ચીટિંગ ન કરનારા કર્મચારી તરીકે સામે આવ્યા. જ્યારે એનાથી વિરુદ્ધ જે ઑફિસ હંમેશાં ગંદી રહેતી હતી ત્યાંના કર્મચારીઓ જૂઠું બોલનારા અને ચીટિંગ કરનારા જોવા મળ્યા. આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે નાની-નાની વાતો અમુક પ્રકારની ચોક્કસ ઇમોશન્સને જન્મ આપે છે જે માણસોને નર્ણિય લેવામાં અસરકર્તા જણાય છે. આ રિસર્ચમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે ગંદકીને લીધે ઘૃણા અનુભવતા લોકો મોટા ભાગે પોતાના ફાયદા વિશે જ વિચારતા હોય છે, જ્યારે સ્વચ્છ જગ્યાએ કામ કરતા લોકો એકબીજાને મદદરૂપ બનતા હોય છે.

માનસિક હેલ્થ

સ્વચ્છતા આપણે જોઈએ તો હંમેશાં મન પ્રસન્ન થાય છે, કામ કરવાનો ઉમળકો જાગે છે અને મનમાં એક સારી ફીલિંગ જન્મે છે. ઑફિસ હોય કે ઘર, બન્ને જગ્યાએ એ ખાસ નોંધવા જેવું છે કે સ્વચ્છતા જોતાંની સાથે અચાનક જ મનમાં સારો ભાવ જાગી ઊઠે છે, પરંતુ એ સિવાય પણ એની કોઈ સાઇકોલૉજિકલ અસર હોય છે ખરી? આ પ્રશ્નનો જવાબ આપતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. આશિત શેઠ કહે છે, ‘સ્વચ્છતાના આગ્રહી લોકોની ખાસિયત એ છે કે તેઓ ખૂબ જ ઑર્ગેનાઇઝ્ડ, અનુશાસનમાં માનનારા, સમયની કદર કરનારા અને પર્ફે‍ક્શનિસ્ટ હોય છે. દરેક કામ માટે થોડા વધુપડતા ચીવટવાળા હોય છે અને તેમના વિચારોમાં ક્લૅરિટી હોય છે. એનાથી ઊંધું વિચારીએ તો જે લોકોને સ્વચ્છ વાતાવરણ મળતું હોય એવા લોકોમાં આ ગુણો ધીમે-ધીમે વિકાસ પામતા જાય છે. ઉદાહરણ તરીકે એક સ્વચ્છ અને સુઘડ જગ્યાએ ક્યારેય ગમે એટલા ગુસ્સામાં પણ માણસ ગંદી ભાષાનો પ્રયોગ નહીં જ કરે અથવા તો નોટિસ કરજો કે જેવા તમે અચાનક કોઈ સાફ જગ્યાએ પહોંચી જાઓ તો સામાન્ય રીતે બોલાતી ભાષા થોડી વધુ સૉફિસ્ટિકેટેડ ઢબથી બોલવા લાગો છો. આ સ્વચ્છતાનો પ્રભાવ હોય છે. એને કારણે અચાનક જ એ જગ્યાના લોકો માટે તમને માનની લાગણી જન્મે છે.’

પર્સનલ હાઇજીન

સ્વચ્છતાની વાત આવે ત્યાં પહેલી વાત સીધી પર્સનલ હાઇજીનની આવે છે. બાળકોને આપણે નહાતાં, હાથ ધોતાં, સ્વચ્છ કપડાં પહેરતાં, નખ કાપતાં, સ્વચ્છ રીતે બનેલો ખોરાક ખાતાં શીખવાડીએ છીએ. આ બધી જ નાની-નાની આદતો તેમને અનેક બીમારીઓથી બચાવે છે. આ બધી આદતોમાંથી એક મહkવની આદત વિશે વાત કરતાં દહિસરનાં ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જો દરેક વ્યક્તિ જમતાં પહેલાં અને હાજતે ગયા પછી ફક્ત હાથ સાબુથી ધોવાની આદત રાખે તો પોતાની જાતને અનેક જાતનાં બૅક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવી શકે છે. આ ઉપરાંત ઘરમાં કે બહાર જે વ્યક્તિ રસોઈ બનાવે છે તેણે આ હાઇજીનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.’

બાહ્ય સ્વચ્છતા

રસ્તા પર, સોસાયટીમાં, ગલી, નુક્કડ કે એરિયામાં જ્યાં ગંદવાડ એકઠો થાય છે, લોકો ગમે ત્યાં થૂંકે છે, કોઈ પણ વસ્તુ આવતા-જતા રસ્તા પર ફેંકે છે, ઠેર-ઠેર પાણી ભરાઈ જાય છે, ગટરોનાં ઢાંકણાં ખુલ્લાં રહી જાય કે રહેણાક વિસ્તાર પાસેથી જ ગંદા પાણીનું નાળું વહેતું હોય તો આ ગંદકી સમાજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એમાંથી એક હાનિ તો આપણે અત્યારે ભોગવી જ રહ્યા છીએ અને એ છે ડેન્ગીની સમસ્યા. ચોમાસું જતું રહ્યું છતાં પણ આ વર્ષે ડેન્ગીનો પ્રતાપ ઓછો નથી થયો. મુંબઈમાં ઠેર-ઠેર ભરાયેલા પાણીમાં જન્મતા ડેન્ગીના મચ્છરો મુંબઈગરાઓના મોતનું કારણ બની રહ્યા છે. ત્યારે ખાસ જરૂર છે કે આપણે આપણી સ્વચ્છતા પ્રત્યેની સભાનતા વધારીએ. ડેન્ગી સિવાયના એવા કયા રોગો છે જે અસ્વચ્છતાને કારણે આપણા દેશમાં વધુ ફેલાયેલા છે એ વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘ખાસ કરીને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી અથવા ક્ષયરોગ, મલેરિયા, કૉલેરા, ગૅસ્ટ્રોએન્ટરાઇટિસ એટલે કે પેટ સંબંધિત થતાં ઇન્ફેક્શન, ઘણા ચામડીના રોગો, ફંગલ ઇન્ફેક્શન જેવું કે દાદર કે કેટલાંક વાઇરલ ઇન્ફેક્શન પણ અસ્વચ્છતાને લીધે થાય છે એટલું જ નહીં, ગંદકીને લીધે જ એ ખૂબ જલદી ફેલાય છે.’

થૂંકવાની આદત

આપણે ત્યાં મોટા ભાગના લોકોને ગમે ત્યાં થૂંકવાની આદત હોય છે. પાનની પિચકારી મારતા કે કફના ગળફા કાઢતા લોકો આપણને દરરોજ રોડ પર જોવા મળે છે. આ આદતો સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ખરાબ છે. ફક્ત આ થૂંકવાની આદતને કારણે આખી દુનિયામાં સૌથી વધુ ટીબીના દરદીઓ આપણા દેશમાં જોવા મળે છે. ટીબીનો દરદી જ્યારે થૂંકે છે ત્યારે તેના કફમાં એના જીવાણુ હોય છે જે ધૂળમાં પણ એક મહિના સુધી જીવી શકે છે. હવે જ્યારે સફાઈવાળા આ થૂંકવાળી ધૂળને સાફ કરે ત્યારે એ ધૂળ જો કોઈ વ્યક્તિના શ્વાસમાં જાય તો તેને પણ ટીબી થઈ શકે છે. આમ આ આદતને છોડવી ખૂબ જ જરૂરી છે. ગમે ત્યાં થૂકતાં પહેલાં એક વિચાર બીજા લોકોની હેલ્થનો કરવો ખૂબ જ જરૂરી છે.