તમારી શુગર વધ-ઘટ તો નથી થઈ રહીને?

23 December, 2014 05:26 AM IST  | 

તમારી શુગર વધ-ઘટ તો નથી થઈ રહીને?



જિગીષા જૈન


બ્લડમાં શુગર અચાનક ઘટી જવાથી નિર્મિત થતી પરિસ્થિતિને હાયપોગ્લાયસેમિયા કહે છે. આ રોગ આમ તો કોઈને પણ થઈ શકે છે, પરંતુ જયારે સામાન્ય વ્યક્તિને થાય તો શરીર એના પર કન્ટ્રોલ કરી શકે છે, પરંતુ ડાયાબિટીઝના દરદી જેમની સામાન્ય રીતે શુગર વધારે જ રહેતી હોય અને શુગર ઘટાડવા માટે તેઓ દવા કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શનનો સહારો લેતા હોય ત્યારે જો તેમની શુગર એકદમ ઘટી જાય એટલે કે તેમને હાયપોગ્લાયસેમિયા થાય તો તેમનું શરીર આ પરિસ્થિતિ પર કન્ટ્રોલ લાવી શકતું નથી. આમ આ રોગ એક ડાયાબિટીઝના દરદી માટે ઘાતક પુરવાર થઈ શકે છે. હાયપોગ્લાયસેમિયા શું છે, કોને થઈ શકે અને એનાં ચિહ્નો શું હોય છે એ વિશે આપણે કાલે જોયું. આજે જાણીએ આ પરિસ્થિતિ સર્જા‍ય ત્યારે ડાયાબિટીઝના દરદીને શું થઈ શકે છે અને એનાથી બચવાના ઉપાયો વિશે.

રિસર્ચ

સામાન્ય રીતે હાયપોગ્લાયસેમિયાની કન્ડિશન ડાયાબિટીઝ ટાઇપ-વનના દરદીઓમાં વધુ જોવા મળે છે. ડાયાબિટીઝ ટાઇપ-ટૂના દરદીઓમાં એ ઓછું જોવા મળે છે, પરંતુ તાજેતરમાં શેફીલ્ડ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા આ રિસર્ચ મુજબ જે ટાઇપ-ટૂ ડાયાબિટીઝના દરદીઓને હાર્ટનો પ્રૉબ્લેમ પહેલેથી હોય તેવા લોકો જ્યારે હાયપોગ્લાયસેમિયા થાય ત્યારે એની અસર સ્વરૂપે કાર્ડિઍક અરીધમિયાનો ભોગ બને છે. કાર્ડિઍક અરીધમિયા એટલે આપણા હૃદયના ધબકારાની જે એક લય છે એ ખોરવાય છે. એક ધબકારાથી બીજા ધબકારા વચ્ચે જે સમય હોય છે એ લંબાઈ જાય છે. ધબકારા ધીમા થઈ જાય છે જેને કારણે હાર્ટમાં લોહી ઓછું પહોંચે છે અને હાર્ટ ફેલ થવાની શક્યતા પણ રહે છે. આ રિસર્ચ માટે ટાઇપ-ટૂ ડાયાબિટીઝના એવા દરદીઓ લેવામાં આવ્યા હતા જેમને પહેલેથી કોઈ હાર્ટ-પ્રૉબ્લેમ હોય. આ દરદીઓનું સતત ગ્લુકોઝ મૉનિટરિંગ કરાયેલું અને તેમના ઇલેક્ટિÿક કાર્ડિયોગ્રામ લેવામાં આવેલા, જેમાં જોવા મળ્યું હતું કે જેવું ગ્લુકોઝ-લેવલ નીચે જાય કે તરત જ તેમના ધબકારા સ્લો થઈ જતા હતા. ઘણી વખત આ પરિસ્થિતિ કલાકો સુધી રહી હોય એવું પણ બન્યું હતું જેમાં સૌથી મહત્વની વાત એ હતી કે મૉનિટરિંગ ન કર્યું હોત તો આ દરદીઓને સામાન્ય રીતે સમજાયું જ ન હોત કે તેમની શુગર નીચે ગઈ છે.

કાર્ડિયો-પ્રૉબ્લેમ્સ

સૌથી મહત્વની વાત એ છે કે ડાયાબિટીઝના દરદીઓને હાયપોગ્લાયસેમિયા થવાની શક્યતા ઘણી વધારે રહે છે અને જો તે દરદીનું હાર્ટ પહેલેથી નબળું હોય કે ભૂતકાળમાં હાર્ટને લગતા કોઈ પ્રૉબ્લેમ થયા હોય તો આ હાયપોગ્લાયસેમિયાની કન્ડિશન તેના હાર્ટને નુકસાન પહોંચાડી શકે છે. ટાઇપ-વન ડાયાબિટીઝના દરદીઓને અચાનક જયારે રાત્રે ઊંઘમાં શુગર ઘટી જાય ત્યારે થતા કાર્ડિઍક અરીધમિયાને કારણે રાત્રે ઊંઘમાં જ મૃત્યુ થઈ જવાનું રિસ્ક ખૂબ વધારે રહે છે. એ વિશે વધુ વાત કરતાં બોરીવલીના શ્રેયા ડાયાબિટીઝ કૅર સેન્ટરના કન્સલ્ટન્ટ ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘આ કન્ડિશનમાં ધબકારાની રિધમ ઍબ્નૉર્મલ થાય એની સાથોસાથ બીજી બે કન્ડિશન થવાની શક્યતા રહે છે. જયારે હાયપોગ્લાયસેમિયા થાય છે ત્યારે શરીર એડ્રિનાલિન અને ર્કોટિઝોલ જેવાં હૉર્મોન્સ રિલીઝ કરે છે અને એને કારણે ધબકારા ખૂબ ઝડપી બની જાય છે. આ પરિસ્થિતિમાં હાર્ટ નબળું હોય તો વધુ પ્રૉબ્લેમ થાય છે. વળી શુગર ઘટી જવાને કારણે શરીરના પ્લેટલેટ્સ વધી જાય છે જેને કારણે લોહીની નળીઓમાં ક્લૉટ્સ થવાની શક્યતા પણ વધી જાય છે જે હાર્ટ-અટૅકના રિસ્કને વધારે છે.’

મગજ પર અસર

જ્યારે વ્યક્તિની શુગર એકદમ ઘટી જાય ત્યારે એની સીધી અસર મગજ પર થાય છે, કારણ કે મગજને સતત એનર્જીની જરૂર પડે છે જેને માટે શુગર જરૂરી છે. ડાયાબિટીઝના દરદીને હાયપોગ્લાયસેમિયા થાય ત્યારે તેના મગજ પર શું અસર થઈ શકે છે એ સમજાવતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે કે જ્યારે ડાયાબિટીઝ હોય અને શુગર ઘટી જાય તો વ્યક્તિને આંચકી આવી શકે, તે બેભાન થઈ શકે, વધુ અસર થાય તો તે કોમામાં જતો રહે, પૅરૅલિસિસની અસર આવી જાય અથવા કોઈ કેસમાં એવું પણ બને કે મગજ ડેડ થઈ જાય.

તાત્કાલિક સારવાર

જ્યારે હાયપોગ્લાયસેમિયા થાય ત્યારે દરદીને અમુક ચિહ્નો વર્તાય છે જેમ કે એકદમ રેસ્ટલેસ થઈ જાય કે પરસેવો વળી જાય ત્યારે જો તરત જ ગળ્યું પીણું પીવડાવવામાં આવે કે ગ્લુકોઝનું ઇન્જેક્શન આપવામાં આવે તો દરદીને તરત સારું થઈ શકે છે, પરંતુ શરત એ છે કે એમાં વાર ન લાગવી જોઈએ. આ બાબતે કેટલીક ચોકસાઈ જણાવતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘આવા સમયે મોટા ભાગે લોકો કૅડબરી ચૉકલેટ ખાય છે. ચૉકલેટ શરીરમાં જઈને ધીમો ગ્લુકોઝ રિલીઝ કરે છે એટલે શુગર વધતાં વાર લાગે છે એના કરતાં કોઈ પણ ગળ્યું પીણું જેમ કે પાણીમાં ભેળવીને ગ્લુકોઝ, શરબત, કોલ્ડ ડ્રિન્ક કે જૂસ આપવાથી જલદી ફાયદો થાય છે. આવી પરિસ્થિતિમાં એ વાતનું ધ્યાન રાખવું જરૂરી હોય છે કે દરદી બેભાન થયો હોય ત્યારે તેને પરાણે મોઢા વડે ગ્લુકોઝ આપવાની કોશિશ ન કરવી,

કારણ કે જો એ ફેફસાંમાં જતું રહે તો તેનું તાત્કાલિક મૃત્યુ થઈ શકે છે.’

સાવચેતી


જે વ્યક્તિની શુગર એકદમ ઓછી થઈ જાય તો મગજ તરત અમુક ચિહ્નો મોકલે છે, પરંતુ જ્યારે આ પ્રકારના કિસ્સા વારંવાર બનવા લાગે ત્યારે મગજ એનાથી ટેવાઈ જાય છે અને હાયપોગ્લાયસેમિયાની કન્ડિશનને સ્વીકારી લે છે જેને કારણે ચિહ્નો મોકલવાનું બંધ કરી દે છે. આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. ઘણા દરદીઓમાં શુગર ૨૫-૩૦ સુધી નીચે પહોંચી જાય તો પણ ક્યારેક કોઈ પણ ચિહ્ન દેખાતાં નથી અને એને લીધે ખબર જ પડતી નથી કે શુગર ઘટી ગઈ છે અને વ્યક્તિ સીધી બેભાન થઈ જાય પછી જ ખ્યાલ આવે છે કે કશું થયું હતું? આ પરિસ્થિતિથી બચવા માટે આટલું ધ્યાન રાખો.

જો તમને ડાયાબિટીઝ હોય તો તમારી પાસે ગ્લુકોમીટર હોવું જ જોઈએ જેનાથી સતત તમે તમારી શુગર માપી શકો. ઍટલીસ્ટ દિવસમાં ૨-૩ વાર માપી લેવું યોગ્ય રહેશે.

જો તમને ક્યારેય ખૂબ જ થાક લાગે, ગભરામણ થાય, પરસેવો વળી જાય કે એવું કાંઈ પણ થાય તો તરત ગ્લુકોઝ પી લેવો અને આ બાબતે ડૉક્ટરને જાણ કરવી.

CGMS - કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મૉનિટરિંગ સિસ્ટમ નામે એક ટેસ્ટ આવે છે જેમાં ૭૨ કલાકની એકધારી તમારી શુગરમાં શું ફેરફાર આવે છે એ નોંધી શકાય છે એ એક વખત ચોક્કસ કરાવી લેવી જેથી કોઈ ખાસ ફ્લક્ચ્યુએશન આવતાં હોય તો ખબર પડી જાય.