બપોર થતાં સુધીમાં થાકી જાઓ છો?

23 November, 2011 09:07 AM IST  | 

બપોર થતાં સુધીમાં થાકી જાઓ છો?



ઘરમાં હો કે ઑફિસમાં, લંચ પછી આપમેળે બગાસાં આવવા લાગે છે. જાણે અડધો દિવસ પતી ગયાનો થાક વર્તાય છે. ઘરમાં હો તો જરા આડે પડખે થઈ જવાય અને ઑફિસમાં ડેસ્ક પર બેઠાં-બેઠાં જ એક નાનું ઝોકું આવી જાય. થોડેક અંશે આવું થાય એ ખૂબ જ સ્વાભાવિક છે, કેમ કે આપણું શરીર એ શરીર છે, રોબો નહીં.

બપોરની સુસ્તીનું કારણ

વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો બપોરે થાક લાગે અને બગાસાં આવે એ કુદરતી છે. ચોવીસ કલાકના સમયમાં આપણા શરીરમાં બે સમય છે જ્યારે નૅચરલ અલાર્મ વાગે છે શરીરને આરામ આપવાનો. એ સમય છે બપોરે બે વાગ્યે અને રાતે બે વાગ્યે. વ્યક્તિ મોડી રાત સુધી જાગવા ટેવાયેલી હોય છતાં રાતે બે વાગ્યે તેને સુસ્તી અને ઊંઘ અનુભવાય છે જ. દિવસે સૂઈને રાતે કામ કરનારાઓને પણ રાતના બે વાગ્યાના સમયે મૅક્સિમમ ઊંઘ આવે છે. બેઝિકલી આપણી કરોડરજ્જુ થાકે છે અને એને થોડાક આરામની જરૂરિયાત ઊભી થાય છે. જો કુદરતી રીતે જ તમને બપોરે સુસ્તી અનુભવાતી હોય તો થોડાક સમય માટે ટૂંકું ઝોકું ખાઈ લેવું જોઈએ. બપોરે લાંબું સૂવાની જરૂર નથી, માત્ર પાંચથી દસ મિનિટનું ઝોકું પણ પૂરતું છે.

વધુ પડતી ઊંઘ અને થાક

જો તમારી લાઇફસ્ટાઇલ ખૂબ જ સ્ટ્રેસફુલ અને હેક્ટિક હોય તો આફ્ટરનૂનમાં ટાળી ન શકાય એટલી ઊંઘ કે સુસ્તી અનુભવાય છે. જે વ્યક્તિ નિયમિત બપોરે થોડોક સમય ઝોકું ખાઈ લે છે તે વધુ હેલ્ધી ફીલ કરે છે ને સવારથી મોડી રાત સુધી સતત દોડધામ અને ફટાફટ કામો આટોપવામાં જ રચીપચી રહેતી વ્યક્તિને ત્રીસ વર્ષ પછી વધુ થાક વર્તાય છે અને ફ્રેશ ફીલ નથી થતું.

વધુપડતી સુસ્તીનાં મુખ્ય કારણો

૧. અપૂરતી ઊંઘ : મોડી રાતના ઉજાગરા, ઓવરટાઇમ કામ કરવું, લેટનાઇટ શિફ્ટમાં કામ કરવું, મોડી રાત સુધી ટીવી કે ફિલ્મો જોવી અથવા વાતો કરવી જેવી આદતોને કારણે શરીરને પૂરતો આરામ નથી મળતો. રાતના બે વાગ્યાનો સમય જાગવામાં કાઢવાથી નૅચરલ અલાર્મ ક્લૉકની બપોરની બે વાગ્યાની સાઇકલ દરમ્યાન વધુ સુસ્તી અનુભવાય છે.

૨. ઑલ વર્ક, નો પ્લે : આખા દિવસ દરમ્યાન બસ કામ, કામ અને કામ જ કરતા રહેતા લોકોને પણ બપોરના સમયે થોડીક સુસ્તી લાગે છે. જો આવા સમયે બૉડીને થોડુંક પણ રિલૅક્સ ન કરવામાં આવે તો સ્ટ્રેસ વધી જાય છે. સતત ચિંતા, સવાલો અને વિચારો ઘૂમરાયા કરતા હોવાને કારણે મગજ થાકી જાય છે.

૩. બ્રેકફાસ્ટ પ્રૉપર ન કરવો: સવારે ઊઠીને એટલાં બધાં કામો પતાવવાનાં હોય છે કે સૌથી પહેલો કાપ બ્રેકફાસ્ટ કરવા પર જ આવે છે. હજારો એક્સપર્ટ્સે કહ્યું છે કે સવારનો નાસ્તો કદી ચૂકવો નહીં, પણ અમુક ચોક્કસ સમયની ટ્રેન કે બસ પકડવાની લાયમાં એ શક્ય બનતું નથી. જે લોકો સવારના આ સૌથી અગત્યના મીલને મિસ કરી દે છે તેમને બપોરે ખૂબ જ થાક લાગે છે. સવારની ભૂખને કારણે વ્યક્તિ લંચમાં એકસામટું ખૂબબધું ખાઈ લે છે. અચાનક જ જઠરમાં ખાવાનું પડતાં એને પચાવવા માટે પેટના ભાગમાં વધુ બ્લડ-સક્યુર્લેશનની જરૂર પડે છે અને બ્રેઇનમાં ઓછું સક્યુર્લેશન થાય છે એટલે બૉડીની નૅચરલ અલાર્મ ક્લૉક મુજબ શરીરને વધુ સુસ્તી અનુભવાય છે.

૪. શારીરિક પ્રવૃત્તિનો અભાવ: આખો દિવસ ડેસ્ક પર બેસી રહેવાને કારણે વધુ આળસ અને થાક અનુભવાય છે.

ઉકેલ શું?

સવારે જિમ, યોગાસન, પ્રાણાયામ કે વૉકિંગ જેવી હળવી કસરતો કરવી અને રિલૅક્સ થવું.

સવારનો બ્રેકફાસ્ટ હેવી લો અને લંચમાં હળવી ચીજો લો. બપોરના ભોજનમાં ચીઝ, મીઠાઈ કે પચવામાં ભારે ચીજો ન લેવી.

સવારથી બપોર સુધીમાં એક કપથી વધુ કૉફી કે ચા પીવાનું ટાળવું.

રાતે સમયસર સૂવું અને ઓછામાં ઓછી છથી સાત કલાકની ઊંઘ લેવી.