ચશ્માંની ફ્રેમ તો પસંદ કરી, પણ લેન્સ કયા લેશો?

04 October, 2011 07:10 PM IST  | 

ચશ્માંની ફ્રેમ તો પસંદ કરી, પણ લેન્સ કયા લેશો?

 

 

- સેજલ પટેલ

ઑપ્ટિકલ્સની દુકાનો ખરેખર ચશ્માંની ફ્રેમ વેચવા માટે છે, પરંતુ હવે તો ત્યાં કમ્પ્યુટરાઇઝ્ડ નંબર તપાસવાથી માંડીને નાની-મોટી તકલીફ હોય તો એનું પણ નિરાકરણ મળી જાય છે. ચશ્માંના નંબરની મફત તપાસની સગવડ કદાચ બધાને વહાલી લાગે છે, પણ ખરેખર એનાથી ક્યારેક આંખની ઝીણી તકલીફોને પ્રિવેન્શન કરવાનો મોકો ચૂકી જવાય છે. કમ્પ્યુટરાઇઝ્ડ પ્રોગ્રામથી આંખોનું ચેકિંગ નથી થતું, માત્ર તમારા નંબરનું ચેકિંગ જ થાય છે. ઘણી વાર ચશ્માંના નંબરની ફરિયાદ લઈને આવતા લોકોને ઝામર, મોતિયો, રૂમૅટૉઇડ આથ્રાર્ઇટિસ જેવી તકલીફો પણ હોય છે. કમ્પ્યુટરથી નંબર ચેક કરવામાં ઘણી વાર થાકથી અથવા તો અન્ય કારણોસર નબળી પડેલી આંખો હોય તો પણ નંબર વધારે દેખાય છે.

નંબર નક્કી કર્યા પછીની અગત્યની બાબત હોય તો એ છે ચશ્માંના કાચ કયા વાપરવા એ. સામાન્ય રીતે ચહેરા પર કઈ ફ્રેમ સારી લાગશે એ તપાસવામાં જેટલો સમય જાય છે એનાથી અડધો સમય પણ ગ્લાસ માટે નથી આપતા. મોટા ભાગે લેન્સની ચૉઇસ માટે ખાસ સમજણ પડતી ન હોવાથી દુકાનદાર જેનાં વખાણ કરે એ જ માની લઈએ છીએ. જો આંખની યોગ્ય જાળવણી કરવી હોય તો ફ્રેમની સાથે અંદરના લેન્સ કેવા હોવા જોઈએ એ વિચારવું પણ જરૂરી છે.

ગ્લાસ, પ્લાસ્ટિક, સ્ટાન્ડર્ડ મિડ ઇન્ડેક્સ અને હાઈ ઇન્ડેક્સ એમ આજકાલ લેન્સમાં અનેક વરાઇટી ઉપલબ્ધ છે. મોટા ભાગના લોકો ખાસ કરીને પ્લાસ્ટિકના હળવા લેન્સ પસંદ કરે છે જે પાતળા, વજનમાં હલકા અને પહેરવામાં ખૂબ અનુકૂળ હોય છે. જોકે તમારું કામ કેવા પ્રકારનું છે એના આધારે આંખના નિષ્ણાતની મદદ લઈને કેવા લેન્સ વાપરવા એ નક્કી કરવું જોઈએ.

લેન્સના પ્રકાર

પૉલિકાબોર્નેટ અને ટ્રાઇવેક્સ લેન્સ : વધુપડતાં સૂર્યનાં કિરણો આંખ પર પડવાને કારણે મોતિયો આવે છે, કીકીને નુકસાન થઈ શકે છે અને આંખની દૃષ્ટિ વધુ ઝાંખી થાય છે. એ સુરક્ષાકવચનું કામ આપે છે. સ્પોટ્ર્સમાં ઍક્ટિવ બાળકો માટે સ્પોટ્ર્સવેઅર તરીકે આદર્શ છે. આંખોને સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપે એવું મૂવી પ્રોટેક્શન લેન્સથી મળે છે.

ફિક્સ્ડ ટિન્ટ લેન્સ : એ સાદા સનગ્લાસ જેવું કામ આપે છે. થોડાક સમય માટે નૉર્મલી તડકામાં નીકળવાનું થતું હોય તો આ લેન્સ ચાલી જાય. અલ્ટ્રાવાયોલેટ કિરણોને એ અવરોધે છે, અટકાવે છે.

ફોટોક્રોમિક લેન્સ : એ ફિક્સ્ડ ટિન્ટ લેન્સથી એક ડગલું આગળ છે, જે પ્રકાશનાં કિરણોને ડાયરેક્ટ આંખ પર પડતાં અટકાવીને રક્ષણ આપે છે. જે લોકોને તડકામાં ફરવાનું રહેતું હોય તેમના માટે આ ઉત્તમ છે. આ ગ્લાસ સૂર્યના વધતા-ઘટતા પ્રકાશ સામે આંખોને આરામ અને અનુકૂળતા આપે છે.

પોલરાઇઝ્ડ લેન્સ :
સ્કીઇંગ, ફિશિંગ જેવી આઉટડોર ઍક્ટિવિટી સમયે આ લેન્સ વાપરવાનું હિતાવહ છે. આનાથી બરફ કે પાણીની સપાટી પરથી પરાવર્તિત થઈને આવતાં સૂર્યનાં કિરણોથી આંખને રક્ષણ મળે છે.

કોટિંગ ટ્રીટમેન્ટ : લેન્સ કોટિંગ ટ્રીટમેન્ટથી આંખ પર આવતું દબાણ ઘટે છે અને આંખો ઓછી થાકે છે. ઍન્ટિરિફ્લેક્ટિવ કોટિંગ લેન્સ પ્રકાશના રિફ્લેક્શનને દૂર કરે છે. ડ્રાઇવિંગ કરવાનું હોય કે કમ્પ્યુટર પર લાંબો સમય કામ કરવાનું હોય એવા લોકોએ આવું કોટિંગ વાપરવું જોઈએ. સ્ક્રૅચ રેઝિસ્ટન્ટ હાર્ડ કોટિંગથી લેન્સની આવરદા વધે છે, જ્યારે હાઇડ્રોફોબિક કોટિંગ વરસાદી, બર્ફીલા કે ધુમ્મસવાળા વાતાવરણમાં આંખને રક્ષણ આપે છે.

ચશ્માંથી નંબર વધે કે ઘટે?

કેટલાક દુકાનદારો ગ્રાહકોને એવું કહીને ભરમાવતા હોય છે કે અમુક-તમુક લેન્સવાળાં ચશ્માં પહેરવાથી નંબર ઘટે છે. બીજી એક એવી માન્યતા છે કે નંબર હોય એ વ્યક્તિ હંમેશાં ચશ્માં પહેરી જ રાખે તો પણ નંબર ઘટી જાય છે. એનાથી અલગ મંતવ્ય એ પણ છે કે ચશ્માં પહેરવાથી દૃષ્ટિ સુધરતી નથી એટલે ચશ્માં પર ડિપેન્ડન્ટ ન થવું. જોકે એ બધી જ વાત ખોટી છે.

ચશ્માં પહેરવા કે ન પહેરવાને આંખોના નંબર ઘટવા-વધવા સાથે કોઈ સંબંધ નથી હોતો. ચશ્માં પહેરવાથી વ્યક્તિ ચોખ્ખું જોઈ શકે છે એટલા માટે ડૉક્ટરો દ્વારા ચશ્માં પહેરવાનું સજેસ્ટ કરવામાં આવે છે. તમે ચશ્માં વગર પણ જો અમુક કામ કોઈ જ અગવડ વગર કરી શકતા હો તો એ કામ માટે ચશ્માં પહેરવાની કોઈ જરૂર નથી. હા, જો તમને ન દેખાતું હોય છતાં આંખો ખેંચી-ખેંચીને દૂરની ઝીણી-ઝીણી ચીજો વાંચવાનો કે જોવાનો પ્રયત્ન કરો તો આંખોના સ્નાયુઓ ખેંચાય છે અને વધુ સમય એમ કરવાથી ચશ્માંના નંબર વધે છે.