સ્કિઝોફ્રેનિયાને કારણે દીકરો વિચિત્ર વર્તન કરે છે, શું કરું?

12 August, 2022 05:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ લક્ષણ જાણીને લાગે છે કે તમારા દીકરાને કૅટટોનિક ડિપ્રેશન હોઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારા ૨૫ વર્ષના દીકરાને સ્કિઝોફ્રેનિયા છે. તેનો ઇલાજ ૩ વર્ષથી ચાલે છે, પરંતુ તે આજકાલ માનસિક ઘેનમાં રહે છે અને સાવ ચૂપ થઈ ગયો છે, ભયંકર નકારાત્મક બની ગયો છે; જક્કી વલણ ધરાવતો થઈ ગયો છે. અચાનક જ વગર કારણે વધારે ઉત્સાહમાં આવી જાય, અત્યંત વિચિત્ર પોશ્ચરમાં બેસે કે સૂએ છે. રાતે સૂતી વખતે તેની આંખો ખુલ્લી હોય અને છતને એકીટસે તાકતો રહે છે. આ સમયે તમે કાંઈ બોલો તો તે સાંભળતો હોવા છતાં પ્રતિભાવ આપતો જ નથી. શું કરીએ?

આ લક્ષણ જાણીને લાગે છે કે તમારા દીકરાને કૅટટોનિક ડિપ્રેશન હોઈ શકે છે. તમને ડીટેલમાં લક્ષણો કહું તો આવી વ્યક્તિ સૂતી હોય ત્યારે બિલકુલ હલે જ નહીં. બેઠી હોય તો બેઠી જ રહે અને સૂતી હોય તો કલાકો સુધી એક જ પોશ્ચરમાં રહે. આવી વ્યક્તિ અંદરથી ખૂબ જ ડરેલી હોય અથવા કહી શકીએ કે ઍન્ગ્ઝાયટી મનમાં ભરાયેલી હોવાથી તે સાવ ચૂપ થઈ જાય છે. આવા સમયે જ્યારે સૂતી હોય ત્યારે તેના માથા નીચેથી તકિયો હટાવી લો તો પણ તે હવામાં અધ્ધર કલાકો સુધી પોતાના માથાને જકડી રાખી શકે. એ જ રીતે તેનો હાથ એકદમ વિચિત્ર રીતે વાળીને રાખો તો પણ તે એ જ પોઝિશનમાં પડ્યો રહેવા દે, એને સરખો નહીં કરે. આવા લોકો પોતાનું ધ્યાન રાખી શકવા માટે સમર્થ હોતા નથી, કારણ કે તેઓ કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરિત થતા જ નથી, જેમ કે યુરિનને દિવસો સુધી રોકી રાખી શકે છે. કોઈ તેમને ટૉઇલેટ સુધી લઈ જાય તો તે યુરિન પાસ કરે, બાકી જાતે ટૉઇલેટ જાય નહીં આ લોકો ઑટોમૅટિક ઓબીડિયન્સમાં માને છે, જેમ કે જાતે જમે નહીં, પરંતુ તેમના મોઢામાં જમવાનું આપો તો તે ખાઈ લે. ઘણી વખત વગર કારણે ખૂબ ઉત્સાહમાં આવી જાય. એ ઉત્સાહ એટલો વધારે હોય કે તે શાંતિથી પગ વાળીને બેસે જ નહીં. આવાં લક્ષણો એક ઇમર્જન્સી છે. તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવાની જરૂર છે. કૅટટોનિક ડિપ્રેશન યુવાન લોકોમાં વધુ જોવા મળે છે અને એ એક સ્કિઝોફ્રેનિયાનો પ્રકાર છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર નહીં મળે તો ગંભીર પરિણામ આવી શકે છે, માટે તરત તમારા ડૉક્ટરનો સંપર્ક કરીને તેને હૉસ્પિટલ લઈ જાઓ.

columnists health tips