નમકની નમકહરામી

04 October, 2012 06:43 AM IST  | 

નમકની નમકહરામી



રક્ષા શાહ


મેંદો, મીઠું અને સાકર આમ તો ધ થ્રી ડેવિલ્સ એટલે કે આપણા આહારના ત્રણ શેતાન તરીકે ઓળખાય છે; પણ  એ છતાંય આ ત્રણ સફેદ ચીજોનો વપરાશ આપણે ઓછો નથી કરી શકતા. ગઈ કાલે શરૂ થયેલી આ થ્રી વાઇટ્સની સિરીઝમાં આપણે વાંચ્યું કે મેંદો બનાવવા માટે વપરાતાં હાનિકારક કેમિકલ્સ કઈ રીતે આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. હવે આજે નમકની નમકહરામી વિશે જાણીએ...

નમક-શમક... વગરની રસોઈ કેવી? સાવ ફિક્કી ફસ્સ, સ્વાદ વિનાની, ગળે ન ઊતરે એવી, ખરુંને?

ખાવાની ચીજમાં જેવું મીઠું ઉમેરવામાં આવે કે તરત એ લહેજતદાર બની જાય છે.

સ્વાદમાં ખારું હોવા છતાં એનું નામ ‘મીઠું’ કેમ પડ્યું હશે? સ્વાદમાં ભલે ખારું હોય, પરંતુ કોઈ પણ ખાવાની વસ્તુમાં એના ઉમેરા વગર મજા, મીઠાશ કે સંતોષ થતો નથી.

મીઠું એટલે કેમિકલી સોડિયમ ક્લોરાઇડ : સોડિયમ ધાતુ અને ક્લોરિનનું એ સંયોજન છે. વનસ્પતિ તેમ જ પ્રાણીઓના શરીરમાં એ સર્વત્ર પથરાયેલું છે.

મીઠાનો પ્રકાર : આખું મીઠું - વડાગરું, ટેબલ સૉલ્ટ; દળેલા મીઠાનો પ્રકાર સિંધાલૂણ, સંચળ વગેરે. આ બધામાં સિંધાલૂણને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જાણીને નવાઈ લાગશે, પરંતુ નિષ્ણાતોના કહેવા પ્રમાણે પ્રાચીનકાળમાં મીઠાનો ઉપયોગ થતો નહોતો. કુદરતી વનસ્પતિ, ફળ, ફૂલમાંથી શરીરને જરૂરી મીઠું મળી રહેતું અને શરીરમાં મીઠાનું સમતોલન જળવાઈ રહેતું.

આજની ફાસ્ટ સ્ટ્રેસફુલ લાઇફમાં આપણે આપણા શરીરમાં શું-શું ઠાલવીએ છીએ એની આપણને ખબર નથી હોતી.

રોજિંદા ખોરાક ઉપરાંત અથાણાં, પાપડ, તળેલા સ્નૅક્સ. જેમ કે ક્રિસ્પિસ, ચિપ્સ-ચટણી, રાયતા, સૉલ્ટેડ નટ્સ ખાવાથી મીઠાનું પ્રમાણ વધી જાય છે અને એની આડઅસરો અનેક પ્રકારે દેખા દે છે. આવા ટિટબિટ્સ ખાવાથી શરીરમાં મીઠાનું પ્રમાણ વધી રહ્યું છે એની આપણને ખબર પણ નથી હોતી.

કેટલું મીઠું ખાવું?

નિષ્ણાતોના મત પ્રમાણે એક તંદુરસ્ત વ્યક્તિએ દિવસનું ૪-૫ ગ્રામ મીઠું વાપરવું જોઈએ, પરંતુ આજે મોટા ભાગે ફાસ્ટ સ્ટ્રેસફુલ લાઇફ જીવતા લોકો સરેરાશ, સ્ટૅટિસ્ટિક્સ મુજબ ૧૦-૧૨ ગ્રામ મીઠાનો ઉપયોગ કરે છે.

કોણે વધારે ખાવું?

જે વ્યક્તિ મહેનત-મજૂરીનું કામ કરે છે અને ખૂબ પરસેવો પાડે છે તેણે થોડા વધારે પ્રમાણમાં મીઠું ખાવું જોઈએ, કારણ કે પરસેવા વાટે પાણી સાથે મીઠું પણ બહાર ફેંકાઈ જાય છે.

જો વધારે પડતું મીઠું ઝાડા-ઊલટી વાટે, વ્યાયામ કર્યો હોય ત્યારે અથવા પરસેવા વાટે નીકળી ગયું હોય તો એનાથી શરીરમાં અશક્તિ આવે છે. સુસ્તી લાગે છે અને શિથિલતાનો અનુભવ થાય છે. ક્યારેક લોહીમાં મીઠાનું અસમતુલન વધી જાય તો એ પ્રાણઘાતક પણ નીવડી શકે છે. આવા સમયે ડૉક્ટર સેલાઇન ચઢાવીને પેશન્ટને રાહત આપે છે. ઘરગથ્થુ ઇલાજ તરીકે સાકર તથા મીઠાનું પાણી આપી શકાય છે.

મીઠું ચાટવું

આમ જોઈએ તો પ્રાણીમાત્રમાં મીઠું ખાવાની કુદરતી તૃષ્ણા હોય જ છે. જંગલનાં પ્રાણીઓ પણ મીઠાનો સ્વાદ મેળવવા એને ચાટવા ખૂબ લાંબું અંતર કાપતાં હોય છે. હરણ જેવાં પ્રાણીઓ જ્યારે લીલું ઘાસ વગેરે ઉપલબ્ધ હોય ત્યારે ક્લોરોફિલમાંથી મળતા ક્ષારથી સંતુષ્ટ હોય છે, પરંતુ જ્યારે ગ્રીષ્મ વાતાવરણમાં માત્ર સૂકું ઘાસ પડ્યું હોય ત્યારે એ મીઠું ચાટવા નીકળી પડે છે.

મીઠાનો ઉપયોગ

(૧) શરીરમાં પાણી તથા પ્રવાહીના દબાણનું નિયમન કરવા (૨) ખોરાકમાં લહેજત વધારવા, (૩) સાબુ, ગ્લિસરીન, બ્રેડ, પેસ્ટ્રી બનાવવામાં (૪) પ્રિઝર્વેટિવ તરીકે (૫) સિન્થેટિક રબર બનાવવામાં (૬) આર્ટિફિશ્યલ રેફ્રિજરેશનમાં (૭) અથાણાં બનાવવામાં.

મીઠાની આડઅસર

જરૂર કરતાં વધારે પડતું મીઠું ખાવાથી ઘણી માઠી અસર થઈ શકે છે : (૧) બ્લડપ્રેશર વધે છે (હૃદય તેમ જ કિડનીને નુકસાન) (૨) હાડકાં નબળાં પડે છે (૩) થાક, સુસ્તી, બેચેની લાગે છે (૪) શરીરમાં પાણીના ભરાવાને લીધે વજન વધે છે. (૫) કિડની પર બોજો પડતાં એની કામગીરીમાં રુકાવટ આવે છે (૬) સોજો આવે છે. રૂમૅટિઝમ થાય છે (૭) યુરિક ઍસિડ વધે છે, જેને લીધે ગાઉટ થઈ શકે છે. (૮) અર્જીણ અને ત્વચાના રોગો થાય છે.

થ્રી વાઇટ્સમાં શરીર માટે ખતરનાક ત્રીજી સફેદ વસ્તુ સાકર છે. એના વિશે આવતી કાલે જોઈશું

તો શું મીઠાની ખોરાકમાંથી બાદબાકી કરવી?

જી ના. મીઠાનો ઉપયોગ બંધ કરવાની જરૂર નથી, પરંતુ એનો ઉપયોગ વિવેકપૂર્વક થવો જોઈએ. દેખાદેખીને લીધે બાળકો જાતજાતના પૅક્ડ સ્નૅક્સની જીદ કરતાં થઈ ગયાં  છે. ટૉર્ટીલા ચિપ્સ, ટમેટો ડિસ્ક્સ, ચીઝ બૉલ્સ, ટૅન્ગી વેફર્સ, ખાવાની તેમને ટેવ પડી ગઈ છે. એક વાર જીભને અમુક પ્રકારના ખોરાક ખાવાની ટેવ પડે પછી એ છૂટતી નથી...

બધાને સ્વાદિષ્ટ લાગતું પનીર-મટરનું શાક બનીને સ્વાદ વગરનું લાગ્યું. જ્યારે એમાં ચાટ મસાલો, લીંબુ નાખીને આપ્યું ત્યારે તેમને એ સ્વાદિષ્ટ લાગ્યું. અરે ફ્રૂટ ડિશ અને પ્લેન સૅલડ તો હવે તે ખાતાં જ નથી. એમાં પણ અમુક બ્રૅન્ડના મસાલા નાખ્યા પછી જ તેમને મજા પડે છે.

આમ બન્ટીના ટેસ્ટ બડ્સમાં પણ ઘણું પરિવર્તન આવી ગયું હતું. જે વસ્તુ વારંવાર કરવામાં આવે એની ધીરે-ધીરે ટેવ પડી જાય છે અને પછી એને છોડવામાં ખૂબ મુશ્કેલી પડે છે. મીઠા ઉપરાંત પણ અનેક પ્રકારના ઍડિટિવ્સ, પ્રિઝર્વેટિવ્સ આવાં પૅક્ડ ફૂડ્સમાં હોય છે, જે નુકસાનકારક નીવડે છે. આપણે શું ખાઈએ છીએ, કેવું ખાઈએ છીએ, કેટલું ખાવું એ બધાનું ધ્યાન રાખવું જરૂરી છે.

બાળકની જીદને ન પોષતાં, તેને શું, કેટલું, ક્યારે આપવું એ આપણે નક્કી કરવાનું છે. માત્ર બાળક જ શા માટે, આપણે પણ અથાણાં, પાપડ, રાયતા, ચટણી, ખાતાં પહેલાં વિચાર કરીને ખાવું જરૂરી નથી લાગતું?