૯૦ ટકા જેટલા સ્મોકરો ફેફસાના રોગ ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝનો ભોગ બને છે

19 November, 2014 05:26 AM IST  | 

૯૦ ટકા જેટલા સ્મોકરો ફેફસાના રોગ ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝનો ભોગ બને છે




જિગીષા જૈન

ભારતમાં મૃત્યુ માટે જવાબદાર રોગોના લિસ્ટમાં ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ જેને ટૂંકમાં COPD કહે છે એ રોગનું નામ સાતમા-આઠમા નંબરે લઈ શકાય. વિશ્વમાં એનું સ્થાન પાંચમા નંબરે છે. આ ફેફસાને લગતો એક રોગ છે જેના વિશે જાગૃતિનો અભાવ આપણે ત્યાં જોવા મળે છે. નિષ્ણાતોના મત મુજબ ભારતમાં ૨૦૨૦ સુધીમાં આ રોગ મૃત્યુ માટે જવાબદાર રોગોના લિસ્ટમાં ચોથા નંબર સુધી પહોંચવાની શક્યતા છે. ૪૦ વર્ષની ઉંમર પહેલાં કોઈ પણ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય તો તેને મોટા ભાગે અસ્થમા નીકળતો હોય છે. જ્યારે ૪૦ વર્ષ પછી કોઈ પણ વ્યક્તિને શ્વાસમાં તકલીફ થાય અને વારંવાર કફની સમસ્યા રહ્યા કરે તો સમજવું કે તેને COPD હોઈ શકે છે. આવી વ્યક્તિઓને શ્વાસ લેવા કરતાં શ્વાસ કાઢવામાં વધુ સમય લાગતો હોય છે. આ ઉપરાંત સિસોટી જેવો અવાજ શ્વાસમાં આવતો હોય છે. તેમની છાતીનો આકાર ધીમે-ધીમે એક બૅરલ એટલે કે પીપડા જેવો લાગવા માંડે છે. આજે સમગ્ર દુનિયામાં COPD વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્લ્ડ COPD ડે ઊજવવામાં આવે છે. આ રોગ શું છે એ વિશે જાણીએ. એની સાથે-સાથે મહત્વની વાત એ છે કે COPDને કારણે ફેફસાં જ નહીં, શરીરનાં બીજાં અંગો પણ અસર પામે છે અને એને કારણે મૃત્યુની શક્યતા બેવડાય છે. આ બીજાં અંગો કયાં છે અને COPD એને કઈ રીતે અસર કરે છે એ પણ જાણીએ.

રોગ અને એનાં કારણો

ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝને ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ ઍરવેઝ ડિસીઝ પણ કહે છે, કારણ કે આ રોગમાં સૌથી વધુ અસર શ્વાસનળીઓ પર થાય છે જે નાક વાટે ફેફસામાં ઑક્સિજન લઈ જવાનું અને કાર્બન ડાયોક્સાઇડને પાછો કાઢવાનું કામ કરતી હોય છે. આ સંપૂર્ણ રોગ પાછળનું કારણ એ છે કે જ્યારે સ્મોકિંગના, પૉલ્યુશનના કે બીજા કણો નાક વાટે ફેફસામાં જાય છે ત્યારે મોટા ભાગે નાકની અંદર રહેલા વાળ એને રોકી લે છે. છતાં અમુક કણો અંદર જતા જ રહે છે. આવા કેટલાય કણો શ્વાસનળીમાં જમા થતા જાય છે અને લાંબા ગાળે કફ પેદા કરે છે. આ કારણોસર શ્વાસનળી સાંકડી થઈ જાય છે. એથી શ્વાસ લેવામાં અને છોડવામાં તકલીફ ઊભી થાય છે. આ રોગ થવાનાં બીજાં કારણો સ્પક્ટ કરતાં બોરીવલીના જીવન જ્યોતિ મેડિકલ સેન્ટરના પલ્મનોલૉજિસ્ટ ડૉ. વિપુલ મારુ કહે છે, ‘આમ તો સ્મોકિંગ આ રોગ માટેનું મહત્વનું કારણ છે, પરંતુ આ સિવાય જે લોકો સોનાની ખાણ કે શણ બનાવવાના કારખાનામાં કામ કરતા હોય તેમને પણ એની ડસ્ટને કારણે આ રોગ થઈ શકે છે. આ ઉપરાંત ગામડામાં ચૂલા પર સતત કામ કરતી સ્ત્રી પર પણ આ રોગનું રિસ્ક વધારે રહે છે. ભારતમાં હવાનું પ્રદૂષણ પણ ખૂબ વધી રહ્યું છે. આ કારણો પણ છે જેને કારણે આ રોગની માત્રા વધુ જોવા મળી રહી છે.’

COPD અને હાર્ટ

આ રોગનાં અલગ-અલગ ચાર સ્ટેજ માનવામાં આવે છે, જે લક્ષણોને આધારે નક્કી થાય છે. પહેલાં બે સ્ટેજમાં આ રોગ ફેફસાં સુધી જ સીમિત રહે છે, પરંતુ જેમ-જેમ એની ગંભીરતા વધતી જાય તેમ-તેમ એનો વ્યાપ વધતો જાય છે અને એ બીજાં અંગોને પણ અસર કરતો થઈ જાય છે. ખાસ કરીને એમાં હાર્ટ મુખ્ય છે. એ વિશે માહિતી આપતાં ડૉ. વિપુલ મારુ કહે છે,  ‘COPDને કારણે ફેફસાં નબળાં પડવાથી હાર્ટના સ્નાયુઓને ઑક્સિજન પૂરતો મળતો નથી. જ્યારે હાર્ટને પૂરતો ઑક્સિજન ન મળે ત્યારે હાર્ટ-અટૅક આવી શકે છે. વળી હૃદયની જમણી બાજુએથી જે લોહીની નળીઓ લોહીને ફેફસામાં લઈ જવાનું કામ કરે છે એ નળીઓ COPDને કારણે કડક બની જાય છે અથવા કહીએ તો સાંકડી બની જાય છે જેને લીધે એ નળીઓ પર લોહીનું દબાણ વધે છે જેને પ્લમનરી હાઇપરટેન્શન કહે છે જે હૃદયના જમણા ભાગને અસર પહોચાડે છે. એને કારણે હાર્ટ ફેલ થઈ શકે છે.’

એનીમિયા અને થાઇરૉઇડ


COPDને કારણે ફેફસાં નબળાં પડી જાય છે જેને લીધે શ્વાસમાં તકલીફ થવાથી શરીરને પૂરતો ઑક્સિજન મળતો નથી. શરીરમાં ઑક્સિજન લેવલ ઘટે એ અવસ્થાને હાઇપોક્સિયા કહે છે. આ ઑક્સિજન ઘટવાને લીધે પણ ઘણા રોગો થવાની શક્યતા વધી જાય છે જે વિશે જણાવતાં ડૉ. વિપુલ મારુ કહે છે, ‘COPDના દરદીઓને એનીમિયા થવાની શક્યતા વધુ રહે છે. એટલે કે હીમોગ્લોબિન ઘટી જાય છે. આ અવસ્થામાં લોહીમાંથી લાલ રક્તકણો પણ ઘટી જાય છે જેની કમી પૂરી કરવા માટે બોન મૅરો લાલ રક્તકણોનું ઉત્પાદન એકદમ વધારી દે છે જેને લીધે બોન મૅરો ઍબ્નૉર્માલિટીઝ થાય છે એટલે કે બોન મૅરોનું સ્ટ્રક્ચર વધી જાય છે. આ રોગને કારણે હૉર્મોન્સ પર પણ અસર થાય છે જેને લીધે થાઇરૉઇડ ગ્રંથિ પર પણ અસર થાય છે. COPDના દરદીઓને હાઇપોથાઇરૉડિઝમ થવાની શક્યતા પણ ખૂબ વધુ રહે છે.’

COPD સાથે જોડાયેલા પ્રૉબ્લેમ્સ

૧. આ રોગમાં વ્યક્તિનું વજન ખૂબ જ ઓછું થઈ જાય છે. વજન ઓછું થવું મોટા ભાગે હેલ્ધી ગણાય છે, પણ આ વેઇટ લૉસ હેલ્ધી નથી; કારણ કે એની પાછળનું કારણ મસલ લૉસ છે.

૨. મસલ લૉસ થવાની સીધી અસર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. એ ઓછી થઈ જાય છે.

૩. ખાલી મસલ લૉસ જ નહીં, આ રોગને કારણે બોન લૉસ એટલે કે હાડકાં પણ ઘસાતાં જાય છે જેને કારણે ઑસ્ટિયોપૉરોસિસ જેવા હાડકાના રોગ થવાની શક્યતા વધી જાય છે.

૪. COPDના દરદીઓને પાચનને લગતા કોઈ પ્રૉબ્લેમ પણ ઉદ્ભવી શકે છે, કારણ કે આ રોગ મેટાબોલિઝમને અસર કરે છે.

સાથે-સાથે ક્યારેક એને કારણે કિડની પણ અસર પામે છે.

૫. COPD મગજને પણ અસર કરે છે. એને લીધે મેમરી લૉસ થઈ શકે છે. સાથે-સાથે ઊંઘને લગતા રોગો જેમ કે સ્લીપ ઍપ્નિયા થવાની પણ પૂરી શક્યતા રહે છે.

ઇલાજ ઉપયોગી

COPD જ્યારે ત્રીજા-ચોથા સ્ટેજ પર પહોંચે ત્યારે જ એ બીજાં અંગોને અસર કરે છે. COPDને કોઈ પણ ઇલાજ દ્વારા નિવારી શકાતો નથી, પરંતુ એને કન્ટ્રોલમાં રાખી શકાય છે જેને લીધે એ ઝડપથી આગળ વધતો અટકે છે. જો ખૂબ શરૂઆતથી ઇલાજ ચાલુ થઈ જાય તો એવું પણ બની શકે છે કે દરદી મરે ત્યાં સુધી પહેલા-બીજા સ્ટેજથી આગળ વધ્યો ન હોય. એ માટે શ્વાસની થોડી પણ તકલીફ જણાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.