ભારતમાં દર વર્ષે એક લાખ લોકો પૅસિવ સ્મોકિંગથી મૃત્યુ પામે છે

28 November, 2014 05:31 AM IST  | 

ભારતમાં દર વર્ષે એક લાખ લોકો પૅસિવ સ્મોકિંગથી મૃત્યુ પામે છે




જિગીષા જૈન

વ્યક્તિ જ્યારે સિગારેટ ફૂંકતી હોય છે ત્યારે એનો ધુમાડો તેની આસપાસના લોકોનાં ફેફસાંમાં તેમના શ્વાસ મારફત જાય છે. આ પ્રકારનું સ્મોકિંગ પૅસિવ સ્મોકિંગ છે જેમાં વ્યક્તિ પોતે સ્મોકિંગ કરતી નથી પરંતુ બીજી વ્યક્તિ જે સ્મોકિંગ કરે છે તેના ધુમાડાનો ભોગ બનતી હોય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ સમગ્ર દુનિયામાં તમાકુથી થતાં મૃત્યુમાં ૧૦ ટકા મૃત્યુ પૅસિવ સ્મોકિંગ જેને સેકન્ડહૅન્ડ સ્મોકિંગ પણ કહેવાય છે એને કારણે થાય છે. દર વર્ષે દુનિયાભરમાં છ લાખ લોકો અને ભારતમાં લગભગ એક લાખ લોકો પૅસિવ સ્મોકિંગથી મરે છે. જેમનાં મમ્મી-પપ્પા બન્નેમાંથી ઓછામાં ઓછું એક જણ સ્મોકિંગ કરતું હોય એવાં બાળકોની સંખ્યા ૪૦ ટકાથી પણ વધુ છે. પૅસિવ સ્મોકિંગથી એક વયસ્ક માણસને ફેફસાં અને હાર્ટની બીમારી થઈ શકે છે. એનાથી એક નવજાત બાળકનું મૃત્યુ થઈ શકે છે. ગર્ભવતી મહિલા જો પૅસિવ સ્મોકિંગનો ભોગ બને તો તેનું બાળક ઓછા વજનનું દુર્બળ જન્મી શકે છે. બાળકોના માનસિક વિકાસમાં પૅસિવ સ્મોકિંગ બાધા ઊભી કરી શકે છે.

કેમિકલ્સની અસર

પૅસિવ સ્મોકિંગ અને ઍક્ટિવ સ્મોકિંગ વચ્ચેનો મહત્વનો ભેદ સમજાવતાં મુંબઈમાં પોતાનું ક્વિટ સ્મોકિંગ ક્લિનિક ચલાવતા સર્ટિફાઇડ ટબૅકો ઇન્ટરવેન્શન કન્સલ્ટન્ટ ડૉ. પ્રશાંત શર્કિ કહે છે, ‘માણસ સ્મોકિંગ પોતાના પ્લેઝર માટે કરતો હોય છે, કારણ કે એમાં રહેલા નિકોટિનથી વ્યક્તિને એક કિક મળતી હોય છે. એ કિકની સાથે-સાથે એના ધુમાડામાં ૪૦૦૦થી પણ વધુ કેમિકલ્સ હોય છે જેમાં ૨૫૦ જેટલાં જાણીતાં ખતરનાક કેમિકલ્સ છે અને ૫૦ જેટલાં કેમિકલ્સ એવાં છે જે કૅન્સરના કારક બને છે. આ કેમિકલ્સ ફેફસાંમાં જઈને ફેફસાંને લગતા અનેક રોગો પાછળ જવાબદાર હોય છે. પૅસિવ સ્મોકિંગમાં વ્યક્તિ પોતે સ્મોકિંગ કરતી નથી માટે તેને એ નિકોટિનની કિક મળતી નથી, પરંતુ એ ધુમાડા દ્વારા કેમિકલ્સ એના શરીરમાં જાય છે. આમ સિગારેટની મજા અને સજા બન્ને સિગારેટ પીવાવાળાને મળે છે, પરંતુ પૅસિવ સ્મોકિંગ કરનારા લોકોને વગર વાંકની ફક્ત સજા જ મળે છે.’

રિસર્ચ

તાજેતરમાં અમેરિકન અસોસિએશન ફૉર કૅન્સર રિસર્ચની એક જર્નલમાં એક રિસર્ચ પ્રકાશિત થયું હતું જે પૅસિવ સ્મોકિંગની હેલ્થ પર થતી ખરાબ અસર પર થયેલું આ પ્રકારનું પહેલું રિસર્ચ હતું. એમાં જાણવા મળ્યું કે ફક્ત એક કલાક પૅસિવ સ્મોકિંગની અસર હેઠળ વ્યક્તિની હેલ્થ કેટલી ડૅમેજ થઈ શકે છે. એ અનુસાર તેમણે ૧૪ લોકોને એક કારમાં સ્મોકિંગ કરતી વ્યક્તિની સાથે બેસાડ્યા અને કારની બન્ને બાજુની બારી ચાર ઇંચ જેટલી ખુલ્લી રાખી હતી. એક કલાકમાં તે સ્મોકર્સે ત્રણ સિગારેટ પીધી હતી. આ ૧૪ લોકોની જ્યારે એક કલાક પછી યુરિન-ટેસ્ટ કરવામાં આવી ત્યારે તેમના યુરિનમાં ખતરનાક માત્રામાં કાર્સિનોજીન પ્રાપ્ત થયું. કાર્સિનોજીન નામનું કેમિકલ કૅન્સરનું કારક છે. એટલું જ નહીં, યુરિનમાંથી બ્યુટાડીન, એક્રિલોનાઇટ્રાઇલ, બેન્ઝિન, મિથાઇલેટિંગ એજન્ટ્સ અને ઇથિલિન ઑક્સાઇડ જેવાં ઝેરી ટૉક્સિન્સની માત્રામાં પણ વધારો થયેલો જોવા મળ્યો હતો. સંશોધકોએ વૉર્નિંગ આપતાં જણાવ્યું હતું કે ફક્ત ત્રણ સિગારેટ અને એક કલાકના સમયગાળામાં પણ જો વ્યક્તિને આટલું નુકસાન થતું હોય તો પૅસિવ સ્મોકિંગથી બચવું ખૂબ જ અનિવાર્ય છે.

બંધ જગ્યામાં સ્મોકિંગ

ભારતમાં આમ તો પબ્લિક સ્મોકિંગ પર રોક છે, પરંતુ આ નિયમનું પાલન કેટલું કડક રીતે થાય છે એ આપણે બધા જાણીએ જ છીએ. આ ઉપરાંત સમજવા જેવી વાત એ છે કે જ્યારે સ્મોકિંગ બંધ જગ્યાએ કરવામાં આવે જ્યાં એના ધુમાડાને બહાર જવાનો કોઈ માર્ગ ન હોય ત્યાં એ ઝેરી ધુમાડો વધુ નુકસાનકર્તા છે. જે લોકો ઍરોપ્લેનથી ટ્રાવેલિંગ કરતા હશે તેમણે નોંધ્યું હશે કે ફ્લાઇટમાં સિગારેટ પીવા પર પ્રતિબંધ હોય છે. ફ્લાઇટમાં દરેક સીટની ઉપર નો સ્મોકિંગની સાઇન ચમકતી રહે છે. એ નિયમ પાછળની વાત કરતાં ડૉ. પ્રશાંત શર્કિ કહે છે, ‘પહેલાં ઍરલાઇન્સવાળા ફ્લાઇટમાં સ્મોકિંગ કરવા દેતા હતા. આ સમયે ખાસ કરીને ઍરહોસ્ટેસ અને કૅબિન ક્રૂના કર્મચારીઓને લાંબા ગાળાના શ્વાસના પ્રૉબ્લેમ અને ફેફસાંની તકલીફો થવા લાગી. જ્યારે એકસાથે ઘણા લોકોને આ પ્રૉબ્લેમ થવા લાગ્યો ત્યારે રિસર્ચ કરતાં જણાયું કે બંધ પ્લેનમાં થતું સ્મોકિંગ આની પાછળ જવાબદાર છે. આથી એ સદંતર બંધ કરવામાં આવ્યું. બંધ જગ્યામાં જે લોકો સ્મોકિંગ કરે છે તેઓ પોતે જ નહીં, પરંતુ બીજા લોકો જેમને અનિચ્છાથી પણ એ ધુમાડો પોતાના શ્વાસમાં લેવો પડે છે તેમનું સ્વાસ્થ્ય પણ બગડે છે.’

કૅન્સરને આમંત્રણ

શું ખરેખર પૅસિવ સ્મોકિંગથી ફેફસાંનું કૅન્સર થઈ શકે છે? એનો જવાબ આપતાં હોલી સ્પિરિટ હૉસ્પિટલ, અંધેરીના કન્સલ્ટન્ટ મેડિકલ ઑન્કોલૉજિસ્ટ ડૉ. નર્મિલ રાઉત કહે છે, ‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે વ્યક્તિને ફેફસાંનું કૅન્સર થાય છે એવા દરદીઓમાં નૉન-સ્મોકર્સ એટલે કે જેમણે ક્યારેય સિગારેટને હાથ પણ ન લગાડ્યો હોય એવા લોકોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ એક ગહેરી ચિંતાનું કારણ છે. આ નૉન-સ્મોકર્સને કૅન્સર થવા પાછળનાં કારણોમાં પૅસિવ સ્મોકિંગ મુખ્ય છે. પ્રૉબ્લેમ એ છે કે વ્યક્તિ પૅસિવ સ્મોકિંગ વર્ષો સુધી કર્યા કરે તો પણ તેને અંદાજ આવતો નથી કે તે પૅસિવ સ્મોકિંગનો શિકાર બની રહ્યો છે. એટલે આપણી પાસે એવા કોઈ આંકડા કે એવું નિદાન ન હોઈ શકે કે આ માણસને પૅસિવ સ્મોકિંગને કારણે કૅન્સર થયું છે, પરંતુ નૉન-સ્મોકર્સમાં વધી રહેલા ફેફસાંના કૅન્સરનું રિસ્ક જણાવે છે કે પૅસિવ સ્મોકિંગને કારણે ઘણા લોકો કૅન્સરનો ભોગ બને છે.’

બચાવ

બને ત્યાં સુધી જે લોકો સ્મોકિંગ કરે છે એવા લોકોથી દૂર રહો.

કોઈ પણ વ્યક્તિને પબ્લિક પ્લેસમાં સિગારેટ ફૂંકતા જુઓ તો તેને રોકવી એ તમારી નૈતિક જવાબદારી છે એમ સમજો.

સ્મોકની અસર ફેફસાંની ક્ષમતા અને વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર આધારિત છે. યોગ્ય ડાયટ અને એક્સરસાઇઝ વડે રોગપ્રતિકારક શક્તિને પ્રબળ બનાવો.

સ્મોકર્સની હેલ્થનો બધો મદાર એના પર રહેલો છે કે કેટલો ધુમાડો, કેટલી માત્રામાં તેનાં ફેફસાં સુધી પહોંચે છે. ઘણા લોકો શ્વાસ લે એના કરતાં છોડે છે વધુ. આવા લોકોના શરીરમાં એ ધુમાડો વધુ માત્રામાં અંદર નથી રહેતો એટલે તેમને ડૅમેજ ઓછું થાય છે.

ખાસ કરીને એક્સરસાઇઝ, યોગ અને પ્રાણાયામ કરતા લોકોને આ પૅસિવ સ્મોકિંગની અસર બીજા લોકો કરતાં ઓછી થાય છે.