શું તમારો સ્લિપ્ડ ડિસ્કનો પ્રૉબ્લેમ સૉલ્વ થતો નથી?

26 December, 2014 05:14 AM IST  | 

શું તમારો સ્લિપ્ડ ડિસ્કનો પ્રૉબ્લેમ સૉલ્વ થતો નથી?




જિગીષા જૈન

તાજેતરમાં મુંબઈમાં સ્પાઇન અને લિવર બન્નેની સર્જરીનો એક અનોખો કેસ નોંધાયો હતો. ક્રૉનિક લિવર ફેલ્યરનો કેસ લઈને કમલ કપૂર નામના એક ભાઈ મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલમાં દાખલ થયા. તેમનું લિવર ફેલ થઈ ગયું હોવાને કારણે તેમને લોહીની ઊલટીઓ થતી હતી. સામાન્ય રીતે જેમનું લિવર ફેલ થઈ જાય તેમને લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઉપાય હોતો નથી. પરંતુ આ ભાઈ ૧૩૦ કિલો વજન ધરાવતા હતા. આ ઓવરવેઇટને કારણે તેમનું લાઇવ ડોનર સહિતનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય નહોતું. વળી તેમને સતત કમરમાં દુખાવો રહેતો હતો. ટેસ્ટ કરતાં જણાયું કે તેમને સ્પાઇન એટલે કે કરોડરજ્જુનું કમ્પ્રેશન ફ્રૅક્ચર અને સ્લિપ્ડ ડિસ્કનો પ્રૉબ્લેમ હતો. કમ્પ્રેશન ફ્રૅક્ચરને ઠીક કરવા માટે વર્ટિબ્રોપ્લાસ્ટી નામની સર્જરી કરવામાં આવી, પણ એનાથી તેમના દુખાવામાં ફરક પડ્યો નહીં. ફરી MRI અને બાયોપ્સી કરાવવામાં આવ્યાં ત્યારે જાણ થઈ કે તેમને કરોડરજ્જુનો ટ્યુબરક્યુલૉસિસ એટલે કે TB થયો છે. સામાન્ય TBની દવાઓ તેમના લિવર માટે હાનિકર્તા સાબિત થાય એમ હતી માટે તેમને થોડી ઍડ્વાન્સ દવાઓ આપવામાં આવી. આ સમયમાં તેમનો કમરનો દુખાવો એટલો વધી ગયો કે તે પાંચ મહિના બેડ-રેસ્ટ પર હતા. બીમારીને કારણે કે પછી દવાઓને કારણે પથારીવશ કમલ કપૂરનું વજન જાતે ૪૦ કિલો જેટલું ઓછું થઈ ગયું.

વજન ઓછું થવાને કારણે હવે તેમનું લાઇવ ડોનર સાથેનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું. તેમનો દીકરો લિવર ડોનેટ કરવા તૈયાર થયો. પરંતુ લિવર ઠીક કરતાં પહેલાં સ્પાઇનનો પ્રૉબ્લેમ સૉલ્વ કરવો જરૂરી હતો, કારણ કે એને કારણે તે પથારીવશ થઈ ગયા હતા. લિવર ખરાબ હોવાને કારણે જો ઓપન સર્જરી કરે તો વ્યક્તિ બચે જ નહીં. એટલે ઓપન સર્જરીનો ઑપ્શન હતો જ નહીં. આથી તેમની કન્ડિશનમાં ડૉક્ટરોની ટીમે નિર્ણય લીધો મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરી કરવાનો. એ સર્જરીથી પાંચ મહિનાથી નહીં ચાલી શકનારા કમલ કપૂર સર્જરીના બે દિવસમાં જ ચાલવા લાગેલા. સ્પાઇન સર્જરીનાં ૬ અઠવાડિયાં પછી તેમનું લિવર ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન થયું. નવાઈની વાત એ છે કે કમલ કપૂરનાં કૉમ્પ્લીકેશન્સને કારણે ડૉક્ટરોને પણ તેમની બચવાની શક્યતા ખૂબ જ ઓછી લાગતી હતી તે વ્યક્તિ આજે બન્ને અલગ-અલગ ઑપરેશન બાદ જીવતી છે અને સ્વસ્થ છે. આ કેસમાં તેમના પર કરવામાં આવેલી મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરી શું છે અને એ કોને ઉપયોગમાં આવી શકે એ વિશે આજે વિસ્તારમાં જાણીશું.

કોને જરૂર?

સ્પાઇનમાં કોઈ પણ પ્રૉબ્લેમ હોય જેમ કે ડિસ્ક ખસી ગઈ હોય જેને આપણે સ્લિપ્ડ ડિસ્ક, હર્નિયેટેડ ડિસ્ક કે રપ્ચર્ડ ડિસ્ક પણ કહીએ છીએ એ પ્રૉબ્લેમને કારણે પગનો દુખાવો ખૂબ જ વધી જાય અથવા પગમાં વારંવાર ખાલી ચડી જાય કે ખૂબ જ વીકનેસ લાગે તો સમજવું કે આ પ્રૉબ્લેમ સિવિયર થઈ ગયો છે. એ વિશે વાત કરતાં ગ્લોબલ હૉસ્પિટલ, પરેલના સ્પાઇન સજ્ર્યન ડૉ. વિશાલ પેશત્તીવાર કહે છે, ‘સ્લિપ્ડ ડિસ્કનો પ્રૉબ્લેમ એવો છે જેમાં ૯૬ ટકા દરદીઓને ફક્ત દવા અને ફિઝયોથેરપી વડે ફરક પડી જતો હોય છે. પરંતુ અમુક દરદીઓ એવા છે જેમને ફરક પડતો નથી. તેમના માટે ઑપરેશનની જરૂર પડે છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિને સ્પાઇનમાં ફ્રૅક્ચર થયું હોય, ઇન્ફેક્શન થયું હોય અથવા અમુક પ્રકારનાં સ્પાઇનનાં ટ્યુમરમાં પણ ઑપરેશન કરવાની જરૂર પડે છે. આ એવા કેસ છે જે કેસમાં ડૉક્ટર દરદીને સ્પાઇનનું ઑપરેશન કરવાનું સૂચન કરે છે.

શું કરવામાં આવે છે?

મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરી મોટા ભાગે બે પ્રકારની પ્રક્રિયા માટે વપરાય છે, જેને મેડિકલ ભાષામાં ડીકમ્પ્રેશન અને સ્પાઇનલ ફ્યુઝન કહે છે. ડીકમ્પ્રેશનમાં ડિસ્ક કે હાડકાને હટાવી કરોડરજ્જુ પરની નળીઓ પરનું પ્રેશર ઓછું કરવામાં આવે છે, જ્યારે સ્પાઇનલ ફ્યુઝનમાં નાનાં હાડકાંઓના પ્રૉબ્લેમને દૂર કરવામાં આવે છે જેમાં બે દુખતાં હાડકાંઓને એક કરી દેવામાં આવે છે જે સાથે હીલ થઈને એક સૉલિડ હાડકું બની જાય છે. આ બન્ને પ્રોસીજર કઈ રીતે કરવામાં આવે છે એ સમજાવતાં ડૉ. વિશાલ પેશત્તીવાર કહે છે, ‘આ સર્જરીમાં એક નાનો કાપ મૂકીને એમાંથી એક સક્યુર્લર ટ્યુબ અંદર દાખલ કરવામાં આવે છે, જેને ટ્યુબુલર રીટ્રેક્ટર્સ પણ કહે છે. મસલ્સને દબાવીને એ પોતાની જગ્યા કરી અંદર હાડકા સુધી પહોંચી જાય છે. આ ટ્યુબના મધ્ય ભાગમાં આવેલા મશીન દ્વારા સજ્ર્યન અંદરના ભાગોનું નિરીક્ષણ કરી શકે છે. અંદરથી જે હાડકાને હટાવવું હોય કે સ્ક્રૂનો ઉપયોગ કરી જોડવું હોય એ કાર્ય પતાવી આ ટ્યુબને બહાર કાઢી લે છે.’

તફાવત

પહેલાં સ્પાઇનની ઓપન સર્જરી કરવામાં આવતી, જેમાં સ્પાઇન ઉપર લગભગ ૫-૬ ઇંચનો એક લાંબો ચીરો લગાવવામાં આવતો જેને કારણે સજ્ર્યન અંદર વ્યવસ્થિત જોઈ શકે. ત્યાર બાદ એમાં ઉપરના મસલ્સને હટાવવામાં આવતા, જેથી અંદર હાડકાથી બનેલી કરોડરજ્જુ જોઈ શકાય અને પછી સર્જરી કરતાં એ મસલ્સ હટાવવામાં ઘણા સારા મસલ્સના ટિશ્યુને પણ હાનિ પહોંચતી. કોઈ ખાસ સ્નાયુમાં ઇન્જરી થવાની શક્યતા પણ ઓપન સર્જરીમાં વધુ રહેતી, જેને કારણે સર્જરી પછી દરદીને દુખાવો રહેતો એમ જણાવતાં ડૉ. વિશાલ પેશત્તીવાર કહે છે, ‘મિનિમલ ઇન્વેસિવ સ્પાઇન સર્જરી એક એવી સર્જરી છે જેમાં ઓપન સર્જરીની જેમ લાંબો ચીરો કરવામાં આવતો નથી. બે સેન્ટિમીટર જેટલો નાનો કટ કરવામાં આવે છે અને ઓપન સર્જરીની જેમ મસલ્સને હટાવવા પડતા નથી, જેને લીધે એ ડૅમેજ થવાની શક્યતા રહેતી નથી. એમાં મસલ્સ દબાય છે અને સર્જરી પતી ગયા બાદ ફરીથી જેવા હતા એ સ્થિતિમાં આવી જાય છે. એથી દરદીને કોઈ ખાસ તકલીફ થતી નથી.’               

ફાયદા

૧. આ સર્જરીને કારણે સર્જરી પતી ગયા પછી પેઇન ઘણું ઘટી જાય છે.

૨. એમાં કટ ઘણો જ નાનો લગાવવામાં આવે છે, જેને કારણે બ્લડ-લૉસ થવાની શક્યતા પણ ઘટી જાય છે.

૩. મસલ્સ ડૅમેજ થવાની શક્યતા સાવ ઘટી જાય છે, કારણ કે આ સર્જરીમાં મસલ્સ કટ કરવાની જરૂર ઓછી પડે છે અથવા પડતી જ નથી.

૪. આ સર્જરીમાં ખૂબ ઓછો ભાગ ખૂલે છે જેને કારણે ઇન્ફેક્શન લાગવાની શક્યતા પણ ઘણી ઘટી જાય છે.

૫. રિકવરી ખૂબ ઝડપી આવે છે, જેથી હૉસ્પિટલમાં વધુ દિવસો રોકાવાની જરૂર પડતી નથી.