"બધું જ ખાઉં છું પણ લિમિટમાં"

20 August, 2012 06:14 AM IST  | 

"બધું જ ખાઉં છું પણ લિમિટમાં"

ફિટનેસ Funda

હું ઑસ્ટ્રેલિયામાં હતી ત્યારે કિક-બૉક્સિંગ કરતી, પણ હવે એ મિસ કરું છું અને માટે જ હવે હું ફિટનેસ માટે ડાન્સ તરફ વળી છું. હું પિલાટેઝની ખૂબ મોટી ફૅન છું અને બૉડીને મેઇન્ટેઇન કરવા પિલાટેઝ કરું છું. એ સિવાય રેગ્યુલરલી જિમ જાઉં છું અને યોગ પણ કરું છું. મારા હિસાબે ફિટનેસ માટે એ બધું જ કરવું જોઈએ જે શરીરને સૂટ થાય, પરંતુ આગળ વધતાં પહેલાં ટ્રેઇનરની ઍડવાઇઝ જરૂર લેવી.

મારા દિવસની શરૂઆત થાય રિચ બ્રેકફાસ્ટથી. હું માનું છું કે બ્રેકફાસ્ટ પેટ ભરાય એ પ્રકારનો હોવો જોઈએ. મારા બ્રેકફાસ્ટમાં ડ્રાયફ્રૂટ્સ, ફ્રૂટ્સ, એગ્સ અને સિરિયલ્સનો સમાવેશ થાય. આ ચારેય ચીજોથી પેટ ભરાયાની અનુભૂતિ થાય છે. બ્રેકફાસ્ટરૂપે શરીરને સવારના સમયે જરૂરી એવો ન્યુટ્રિશન્સનો કવોટા મળી જવો જોઈએ. બ્રેકફાસ્ટ પતે એટલે પછી હું વર્કઆઉટ કરું, જે એકથી બે કલાક ચાલે. જો ડાન્સની પ્રૅક્ટિસ હોય તો વર્કઆઉટ કરવાનો સમય ન મળે. ડાન્સ કરવાનો હોય ત્યારે ઍડિશનલ વર્કઆઉટ કરવાની જરૂર આમ પણ રહેતી નથી, કારણ કે એ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે.

લંચમાં હું સૅલડ, ગ્રિલ્ડ ચિકન અને દાળ વગેરે લઉં. મને બહારનું ખાવું પસંદ નથી એટલે લંચ તો ઘરનું બનેલું જ પસંદ કરું. ડિનર લંચ કરતાં લાઇટ હોય અને શક્ય હોય ત્યાં સુધી ઘરે જ. હું ત્રણ ટાઇમ ભરપૂર ખાવાને બદલે દર કલાકે-કલાકે ખાવાના કૉન્સેપ્ટમાં માનું છું. જ્યારે ડાન્સની પ્રૅક્ટિસ ચાલતી હોય ત્યારે તો દર અડધા કલાકે એકાદ ફ્રૂટ કે બીજી કોઈ હેલ્ધી ચીજ ખાઉં.

હું યોગ કરું છું, પરંતુ મેડિટેશન નથી કરતી. હું કોઈ એક ચીજ પર વધુ સમય માટે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતી એટલે જ્યારે ધ્યાન કરવા બેસું ત્યારે મગજમાં બીજા વિચારો આવવાના શરૂ થઈ જાય છે.

હું પોતાની હેલ્થનું ધ્યાન રાખવામાં ફેવરિટ વાનગીઓનો ત્યાગ કરવામાં નથી માનતી. ચૉકલેટ મારી ફેવરિટ છે, જેનું બલિદાન હું ક્યારેય નહીં આપું. મહિનામાં એક જ વાર કોઈ સ્વીટ ડિશ ખાવી કે અઠવાડિયામાં એક જ વાર ભાવતું ખાવું આ કૉન્સેપ્ટ મારો નથી. હું બધું જ ખાઉં છું, પણ લિમિટમાં. એ પછી વર્કઆઉટ કરું જેથી ખરાબ ફૅટ્સ હોય એ બળી જાય. આ સિવાય હું સી-ફૂડની પણ ફૅન છું એટલે મન થાય ત્યારે એ પણ ખાઈ લઉં, પછી ભલે એમાં તેલ-મસાલા વધુ હોય.

મને ઝીરો સાઇઝ કરતાં કર્વી ફિગરવાળો કૉન્સેપ્ટ વધુ પસંદ છે અને માટે જ હું સારી રીતે ખાઉં છું, જેથી થોડું વજન વધે અને જોઈતા કર્વ મેળવી શકું. મારું વજન ખૂબ ઝડપથી વધે છે પણ ઝડપથી ઊતરતું નથી એટલે જે ખાઉં એમાં મને મારી લિમિટ ખબર હોય. બધું જ ખાઉં પણ લિમિટમાં. કેટલીક ચીજો એવી છે કે સામે હોય તો હું મારી જાતને રોકી નથી શકતી. મારી મમ્મી ચીઝની એક વાનગી બનાવે છે, જેમાં ભરપૂર પ્રમાણમાં ચીઝ હોય છે પણ હું એ ખાઉં જ. ખાવાથી શરીરને એનર્જી મળે છે એટલે એના ત્યાગે ફિટનેસનું ધ્યાન તો ન જ રાખી શકાય, જે પણ ખાઉં એમાંથી પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન્સ મળી રહે એ પણ જરૂરી છે.

યંગ યુવતીઓ સેલિબ્રિટીઝ જેવું ફિગર પામવા પાછળ ઘેલી થઈને ભૂખી રહે છે અને શરીરને ડૅમેજ કરે છે, જેમાં હું નથી માનતી. હું તો જે દિવસે કંટાળો આવે એ દિવસે એક્સરસાઇઝ પણ કરવાનું ટાળું છું. જ્યારે તમારું મન ના પાડે કે શરીર તૈયાર ન હોય ત્યારે વર્કઆઉટ કરવાનું ટાળો, કારણ કે આ રીતે તમે શરીરને ત્રાસ આપશો. દરેક વ્યક્તિનો બાંધો અને શરીરરચના જુદી-જુદી હોય છે અને માટે જ જરૂરી નથી કે મારા પર જે વર્કઆઉટની ટેક્નિક અસરદાર સાબિત થઈ એ તમારા પર પણ થાય. જો વર્કઆઉટ કરવાનું પૂરું જ્ઞાન હોય તો સારું અથવા પહેલી વાર કરતા હો તો ફિટનેસ એક્સપર્ટની સલાહ લઈને પછી જ પોતાને માટે કોઈ એક્સરસાઇઝ સિલેક્ટ કરવી.

- વાતચીત અને શબ્દાંકન : અર્પણા ચોટલિયા