"એક્સરસાઇઝ પર વધારે ધ્યાન નથી આપી શકતો, પણ ખાવામાં રેગ્યુલર છું"

17 December, 2012 06:08 AM IST  | 

"એક્સરસાઇઝ પર વધારે ધ્યાન નથી આપી શકતો, પણ ખાવામાં રેગ્યુલર છું"



ફિટનેસ Funda

‘કુછ તો લોગ કહેંગે’ સિરિયલનો ડૉ. આશુતોષ એટલે કે શરદ કેળકર ફિટનેસની બાબતમાં જરાય સિરિયસ નથી છતાંય હેલ્ધી છે. ફિટનેસ બાબતે તેની પોતાની અલગ ડેફિનેશન છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ઊછરેલા શરદે સ્પોટ્ર્‍સ ઍન્ડ ફિઝિકલ ટ્રેઇનિંગમાં ગ્રૅજ્યુએશન કર્યું છે. એટલે જ થોડો સમય માટે તેણે જિમ- ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ કામ કર્યું છે. એ પછી થોડું મૉડલિંગ કર્યા પછી ‘સાત ફેરે’ સિરિયલ દ્વારા તેણે ઍક્ટિંગ ફીલ્ડમાં કારકિર્દીની શરૂઆત કરી. એ પછી તેણે ‘બૈરી પિયા’, ‘સિંદુર તેરે નામ કા’ જેવી સિરિયલોમાં ઍક્ટિંગ ઉપરાંત ‘પતિ, પત્ની ઔર વો’ તેમ જ ‘રૉક ઍન્ડ રોલ ફૅમિલી’ જેવા શોમાં ઍન્કરિંગ પણ કર્યું છે. ‘હલચલ’, ‘ઉત્તરાયન’ અને થોડા મહિના પહેલાં રિલીઝ થયેલી ‘૧૯૨૦-ઈવિલ રિટન્ર્સ’ જેવી ફિલ્મોમાં પણ ઍક્ટિંગ કરી છે. એક ખૂબ જ ચાર્મિંગ, ઊંચા, હૅન્ડસમ અને એલિગન્ટ ઍક્ટરની ઇમેજ ધરાવતો શરદ ફિટનેસ માટે શું કરે છે એ જાણીએ તેના જ શબ્દોમાં.

અભી-અભી

આમ તો બાળપણમાં ફિટનેસ વિશે ક્યારેય વિચાર્યું નહોતું. મારું બાળપણ મધ્યપ્રદેશમાં આવેલા ગ્વાલિયરમાં વીત્યું છે. અમારા ઘરમાં બધા ખાઓ, પીઓ, એશ કરોની ફિલોસૉફી પર ચાલવાવાળા હતા એટલે કસરત કે બૉડી બિલ્ડ-અપ કરવા વિશે કોઈ આઇડિયા જ નહોતો. ક્રિકેટનો જબરો શોખ હતો એટલે એ રમવાને કારણે સારી એવી કસરત અજાણતાં થઈ જતી હતી. જોકે ફિટનેસનું ખરું મહત્વ ત્યારે સમજાયું જ્યારે ગ્વાલિયરમાં મારો મિત્ર મળ્યો. પહેલાં તો તે એકદમ દૂબળોપાતળો હતો, પરંતુ એક વાર અચાનક મળ્યો ત્યારે એકદમ વેલ ટોન્ડ બૉડી-શોડી બનેલી હતી. પછી ખબર પડી કે આ ભાઈ તો જિમમાં જાય છે. એ સમયે આખા ગ્વાલિયરમાં એક જ જિમ હતું. ત્યારે વેલમેઇન્ટેઇન્ડ બૉડીનું મહત્વ સમજાયું. એ પછી તો મેં સ્પોટ્ર્‍સ અને ફિઝિકલ ટ્રેઇનિંગમાં ગ્રૅજ્યુએશન અને પોસ્ટ- ગ્રૅજ્યુએશન કર્યું.

જિમ-ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ કામ કર્યું અને એ દિશામાં આગળ વધતો જ ગયો. છેલ્લાં ૧૨ વર્ષથી તો નિયમિત જિમમાં જઈને વર્કઆઉટ કરતો હતો, પરંતુ ગયા વર્ષે થયેલી ઘૂંટણની સર્જરીને કારણે છ મહિના સુધી વર્કઆઉટ તદ્દન બંધ કરી દીધેલો. હવે થોડો-થોડો ફરી ચાલુ કર્યો છે.

ફિટનેસ એટલે...

મારા માટે ફિટનેસ એટલે હેલ્ધી બૉડી ઍન્ડ હૅપીનેસ ઑફ માઇન્ડ. તમે મનથી ખુશ છો. તમારી આસપાસના લોકોને ખુશ રાખો છો. માંદા નથી પડતા. તમારામાં પૂરતાં સ્ટ્રેન્ગ્થ અને સ્ટૅમિના છે. મતલબ કે તમે ફિટ છો. બૉડીની ફ્લેક્સિબિલિટી પણ ફિટનેસ દર્શાવે છે.

એક્સરસાઇઝ

હું નિયમિત એક્સરસાઇઝ નથી કરતો. વીકમાં ત્રણ વાર જિમમાં જાઉં છું. અઠવાડિયામાં એક દિવસ ક્રિકેટ, બૅડમિન્ટન જેવી આઉટડોર સ્પોટ્ર્‍સ પણ રમું છું. એમાં મને ખૂબ મજા આવે છે. હું જે કોઈ કસરત કરું છું કે કરી શકું છું એનું શ્રેય પણ મારા ઇન્સ્ટ્રક્ટરને જ આપીશ. શૂટિંગના આટલા ટાઇટ શેડ્યુલમાં મારા જિમના સમયપત્રકને તે જ મૅનેજ કરે છે અને હું થાકી જાઉં તો મને મોટિવેટ પણ તે જ કરે છે.

ડાયટ-શેડ્યુલ

કદાચ હું કસરત કરતાં પણ ખાવામાં વધુ રેગ્યુલર છું અને હું માનું છું કે ફિટ રહેવા માટે તમારું ફૂડ શેડ્યુલ બરાબર મેઇન્ટેઇન કરો. સમયસર જમવું ખૂબ જરૂરી છે. હું સવારે ઊઠીને સૌથી પહેલાં એક ઍપલ ખાઉં. એ પછી કલાક પછી કાર્બ હોય એવો હેવી નાસ્તો કરવાનો જેમાં મુખ્યત્વે પૌંઆ, ઉપમા, ઇડલી કે બૉઇલ્ડ એગ હોય. એ પછી ફરી કલાક પછી કોઈ પણ ફ્રૂટ કે ફ્રૂટ જૂસ લઉં. એ પછી વચ્ચે-વચ્ચે લેમન વૉટર કે જૂસ લેતો રહું. શાર્પ દોઢથી બે વચ્ચે મારુ લંચ હોય. જેમાં મોટેભાગે એક નૉનવેજ આઇટમ, ચપાતી, શાક, દાળ અને સૅલડ હોય. દાળ હું ખૂબ ખાઉં છું. બપોરે સાડાચાર-પાંચ વાગ્યે ફ્રૂટ્સ. અને સાડાછથી સાતમાં ડિનર પણ કરી લઉં. મોટે ભાગે ડિનર હું ખૂબ લાઇટ લઉં છું. મુખ્યત્વે સૂપ, આમન્ડ કે ચીઝ બ્રેડ જેવું જ કંઈક હોય. હું ઘર કા ખાના સૌથી વધુ પ્રિફર કરું છું.

ઍક્ટર કી મજબૂરી

હું ખાવાનો શોખીન છું, પરંતુ વધારે ખાઈ શકતો નથી; કારણ કે ઍક્ટર છું. અમારા પર સતત વેલ-મેઇન્ટેઇન્ડ અને સારા દેખાવાનું અનઅવૉઇડેબલ પ્રેશર હોય છે. એટલે મન મારીને પણ ખાવા પર કન્ટ્રોલ રાખું છું. જોકે તેમ છતાં ૧૫ દિવસે એક વાર ચીટિંગ કરવાની છૂટ છે. આ દિવસે હું મીઠીબાઈની બહાર મળતાં મારાં ફેવરિટ વડાંપાંઉથી લઈને પાણીપૂરી, ઉસળ-મિસળ એમ બધું જ ખાઉં છું. કેરી પણ મારી ફેવરિટ છે. માટે જ્યારે પણ મૅન્ગોની સીઝન હોય ત્યારે મારા ડાયટની ઐસી કી તૈસી થઈ જાય છે. કેરી સામે હોય તો પેટ ભરેલું હોય તો પણ હું મારી જાતને રેઝિસ્ટ ન કરી શકું.

માઇન્ડ ફ્રેશ રાખવા

મારી એક બહુ મોટી ખૂબી છે કે હું નેગેટિવ વિચારોને ક્યારેય ભાવ ન આપું. એવું નથી કે મારી લાઇફમાં ક્યારેય પ્રૉબ્લેમ્સ નથી આવ્યા. ક્યારેક જોરદાર ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ અનુભવ્યા છે તો ક્યારેક ફૅમિલી ઇશ્યુઝ આવ્યા છે, પરંતુ એ ક્યારેય મારા પર હાવી નથી થયા; કારણ કે જ્યારે પણ કોઈ નેગેટિવ વિચાર આવે તો હું મારા માઇન્ડને બીજે ડાઇવર્ટ કરી દઉં. મારો અનુભવ છે કે આપણે નકારાત્મક વિચારોને જેટલું મહત્વ આપીએ એટલા એ વધુ વકરે. એના કરતાં એને નજરઅંદાજ કરવામાં જ મજા છે. મેડિટેશન તો નથી કરતો, પણ જ્યારે પણ એકલો પડું છું ત્યારે મિત્રોને મળવા જતો રહું છું. એ જ મારું ધ્યાન છે. લોકોને ખુશ રાખવાથી આપણે પણ ખુશ રહીએ છીએ. હું ભાગ્યે જ ચૅટ કે મેસેજ કરું, સીધો મળવા જ જતો રહું કે તેમને મારે ત્યાં બોલાવી લઉં. આ સિવાય વિડિયો ગેમ રમવી, મોબાઇલ પર ગેમ રમવી, ક્રિકેટ વગેરે મને ફેવરિટ છે. 

- વાતચીત અને શબ્દાંકન : રુચિતા શાહ