"મમ્મીના હાથનું ખાવાની વાત આવે ત્યારે મારું ડાયટ બાજુ પર મૂકી દઉં"

03 September, 2012 06:20 AM IST  | 

"મમ્મીના હાથનું ખાવાની વાત આવે ત્યારે મારું ડાયટ બાજુ પર મૂકી દઉં"

ફિટનેસ Funda

અઢી વર્ષ પહેલાં ઍક્ટિંગમાં કરીઅર બનાવવા દુબઈથી મુંબઈ આવેલો રિત્વિક નાનો હતો ત્યારે તેનું વજન૧૧૩ કિલો હતું. ત્યાર બાદ તેણે વજન ઉતાર્યું અને હવે તે ૭૫ કિલોના વજન સાથે ફિટનેસની બાબતમાં ખૂબ જ સ્ટિÿક્ટ બની ગયો છે. જાણીએ શું છે તેની આ ફિટનેસનું રહસ્ય તેના જ શબ્દોમાં.

હું ફિટનેસ ફ્રીક છું. મારા માટે ફિટનેસ સર્વસ્વ છે, કારણ કે જો હું ફિટ નહીં હોઉં તો સારો નહી દેખાઉં અને સારા દેખાવું મારા ફીલ્ડ માટે જરૂરી છે એટલે હું ફિટનેસ જાળવવા માટે પૂરી મહેનત કરું છું. હું અઠવાડિયામાં ચાર દિવસ એકથી દોઢ કલાક માટે જિમમાં એક્સરસાઇઝ કરું. એમાં કોઈ બાંધછોડ ન ચાલે. મને વજન ઉપાડવું પડે એવી એક્સરસાઇઝ કરવી નથી ગમતી એટલે ક્રૉસ સેટ કરું છું. આ એક્સરસાઇઝનો એક એવો પ્રકાર છે જેમાં મારા જ શરીરના વજનનો ઉપયોગ થાય જેથી મારે શરીર પર બીજું વજન ન નાખવું પડે. આ સિવાય હું કાર્ડિયો કરું છું જે બેસ્ટ એક્સરસાઇઝ છે.

હું થોડું-થોડું ખાવાનું પસંદ કરું છું. મારા દિવસની શરૂઆત એક બાઉલ સિરિયલ્સથી થાય; જેમાં ઓટ્સ, કૉર્નફ્લેક્સ જેવી વરાઇટીઓ લઉં. સિરિયલ્સમાં મિક્સ ઍન્ડ મૅચ લેવાનું પસંદ કરું. એના બે-ત્રણ કલાક બાદ હું એક કપ કૉફી અથવા બીજો કોઈ ખૂબ હલકો બ્રેકફાસ્ટ લઉં. એના બે-ત્રણ કલાક બાદ હું લંચ લઉં, જેમાં રોટલી અને શાક હોય. લીલાં શાકભાજી ખાવાનું મને પસંદ છે. શાકમાં તેલ અને મસાલા ઓછા હોય એનું ખાસ ધ્યાન રાખું. ત્યાર બાદ સાંજે હેવી સ્નૅક્સ લઉં અને જો એમાં વધુ પેટ ભરાઈ જાય તો સાંજે ડિનર લેવાનું અવૉઇડ કરું. હું સાંજે સાત વાગ્યા બાદ કોઈ પણ હેવી કાબોર્હાઇડ્રેટ્સ લેવાનું અવૉઇડ કરું છું.

હું ભાત ખાતો જ નથી. ભાતમાં જરૂરી એવાં તત્વો હશે, પણ બિનજરૂરી એવાં પણ ઘણાં તત્વો હોય છે એટલે રાઇસ ખાવાનું મેં સ્ટિÿક્ટ્લી બંધ કરી દીધું છે. રાઇસમાં ખૂબ સ્ટાર્ચ પણ હોય છે. મને કેટલાક લોકોએ કહ્યું છે કે બ્રાઉન રાઇસ ખાવામાં હેલ્ધી હોય છે, પણ મેં એ પણ હજી સુધી ક્યારેય ટ્રાય નથી કર્યા. એના કરતાં મને રોટલી વધુ હેલ્ધી લાગે છે.

મને મારી મમ્મીના હાથનું બનાવેલું બધું જ ભાવે છે એટલે જ્યારે તેણે રસોઈ બનાવી હોય ત્યારે હું બધા જ ડાયટ-પ્લાનને બાજુ પર મૂકી પેટ ભરીને ખાવાનું પસંદ કરું છું. મારી મમ્મીના હાથની બનેલી પનીર-ભુરજી તો મારી ફેવરિટ છે. આ સિવાય મને સ્વીટ્સ ખાવી પણ ગમે છે એટલે એક્સરસાઇઝ એ જ રીતે કરું કે ક્યારેક મન થાય તો મીઠાઈ અને ચૉકલેટ પણ ખાઈ શકાય. મને ઘરનું ખાવાનું જ પસંદ છે, પરંતુ મુંબઈમાં એકલા રહેવાને કારણે એ શક્ય નથી બનતું.

હું મેડિટેશન નથી કરતો, પણ યોગ કરું છું. બલકે જ્યારે હું ખૂબ સ્થૂળ હતો ત્યારે હૉટ યોગની મદદથી જ મેં વજન ઘટાડ્યું છે. હું ૧૧મા ધોરણમાં આવ્યો ત્યારે ફિટનેસનું ઘેલું લાગ્યું અને ફક્ત ત્રણ જ વર્ષમાં મેં મારા ૧૧૩ કિલોના સ્થૂળ શરીરથી છુટકારો મેળવ્યો હતો.

મને લિનિયર બૉડી ગમે છે, જ્યારે કેટલાકને બલ્કી બૉડી ગમતું હોય છે. સલમાન ખાનની બૉડી ટાઇપ બલ્કી છે, પરંતુ એ તેને સૂટ થાય છે, જ્યારે મને આવું શરીર સૂટ નહીં થાય. મને સલમાન કરતાં અક્ષયકુમારનું ફિઝિક વધુ પસંદ છે. ફિટનેસની બાબતમાં હું હૉલિવુડના એક ટેલિવિઝન ઍક્ટરને મારો આઇડલ માનું છું, કારણ કે તેની અને મારી ફિટનેસ ફૉલો કરવાની ટેક્નિક ઑલમોસ્ટ સેમ છે.  

- વાતચીત અને શબ્દાંકન: અર્પણા ચોટલિયા