08 January, 2024 08:28 AM IST | Mumbai | Yogita Goradia
પ્રતીકાત્મક તસવીર
હું ૩૪ વર્ષનો છું. નાનપણમાં ચૉકલેટ ખાવાની છૂટ અમને હતી નહીં. ભાગ્યે જ મેં ચૉકલેટ ખાધી હશે. જોકે તકલીફ એ છે કે છેલ્લા ૬ મહિનાથી મને ચૉકલેટ અતિ ભાવવા લાગી છે. એક સમયે રાત્રે જઈને કામ કરવા માટે મેં ચૉકલેટ ખાવાનું શરૂ કર્યું હતું, પણ હવે એની આદત પડી ગઈ છે. મને લાગે છે કે ચૉકલેટ ખાવાથી જ મને ક્રીએટિવ આઇડિયા આવે છે. જ્યારે મગજ ન ચાલતું હોય ત્યારે ચૉકલેટ ખાઉં છું અને બધું સારું થઈ જાય છે. શું ખરેખર એ નુકસાનકારક છે?
હંમેશાં ખોટી વસ્તુઓની આદત આ રીતે જ પડે છે. આ છોડવા માટે પહેલાં તો તમારે એની સાથેનો માનસિક સંબંધ છોડવો પડશે. જેમ ધીમે-ધીમે આદત પડી એમ ધીમે-ધીમે છોડશો તો છૂટી જશે. એકદમ સાવ મૂકી દેશો તો આદત પાછી ફરે ખરી. સજાગ રહીને આ કામ થઈ શકે છે. ચૉકલેટની આદત બાળકોમાં જ હોય, એવું નથી. મોટેરાંઓમાં પણ હોય છે, જે તેમને અલગ રીતે નુકસાન કરતી હોય છે. જો ચૉકલેટ તમને આ હદે અસર કરે છે તો પછી એની આદત છોડવી જરૂરી છે. બાકી થોડી માત્રામાં ચૉકલેટ નુકસાનકારક નથી.
ચૉકલેટની આદત જે વ્યક્તિને હોય તે વ્યક્તિ હાઇપર ઍક્ટિવ હોઈ શકે છે, કારણ કે એમાંથી મળતી કૅલરી તેમને હાઇપર બનવા મજબૂર કરે છે. આ કૅલરી વાપરવી જરૂરી બની જાય છે ત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જેવી એ એનર્જી વપરાય એટલે તમે થાકીને સાવ ઠૂસ. ફરીથી એનર્જી માટે ફરી ચૉકલેટ ખાવી પડે એવી હાલત થઈ જાય છે. બીજું, વધુ ચૉકલેટ ખાવાથી જે સૉલ્ટ, શુગર અને કૅફીન વ્યક્તિના પેટમાં જાય છે એનાથી વ્યક્તિ ફૂલેલી લાગે છે તથા સોજા આવી ગયા હોય અને શરીરમાં પાણી ભરાઈ ગયું હોય એવી હાલત થઈ જાય છે. એનાથી પણ વધુ અલાર્મિંગ એ છે કે વ્યક્તિ ઓબીસ થઈ જાય છે. આજકાલ લોકોમાં વધતી ઓબેસિટી પાછળનાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ ચૉકલેટ્સ પણ છે. ચૉકલેટ ખાધા પછી બે-ત્રણ કલાક કંઈ પણ ખાવાની જરૂર પડતી નથી એટલે કંઈ ખાવું નહીં. જમ્યા પહેલાં કે જમ્યા પછી ક્યારેય ચૉકલેટ ખાવી નહીં. શુગર કૅન્ડીઝ ખાવા કરતાં કોકોવાળી ચૉકલેટ્સ હેલ્ધી ગણાય અને ડાર્ક ચૉકલેટ સૌથી હેલ્ધી. એટલે પસંદ કરતી વખતે વધુ હેલ્ધી ચૉકલેટ પસંદ કરો.