વજન અને હાઇટ ઓછાં છે

01 December, 2023 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય વાત એ છે કે બાળકને તમે વ્યવસ્થિત સ્તનપાન કરાવ્યું છે કે નહીં. અત્યારે પણ જો બાળક સ્તનપાન કરતું હોય તો તમે ચાલુ રાખી શકો છો. એનાથી ઘણી મદદ મળશે. બીજું એ કે એને બહારનો ખોરાક ન આપો.

પ્રતીકાત્મક તસવીર

મારી દીકરી ૧ વર્ષની છે. એનું વજન ૮ કિલો છે અને હાઇટ ૬૦ સેમી જેટલી છે. તેનો જન્મ થયો ત્યારે તે ફક્ત ૧ કિલોની હતી. શરૂઆતમાં તેને ૧૫ દિવસ ‘એનઆઇસીયુ’માં રાખવામાં આવી હતી. એના પછી તેણે ધીમે-ધીમે ગ્રોથ કર્યો. ડૉક્ટરે કહ્યું હતું કે ધીમે-ધીમે તેનો ગ્રોથ થઈ જશે. એ થયો, પણ આજે જ્યારે તેને બીજાં બાળકો સાથે જોઉં છું ત્યારે લાગે છે કે એ બાળકોની અપેક્ષાએ મારું બાળક હજી પણ નાનું જ છે. ગાર્ડનમાં બધા તેને જોઈને પૂછે છે કે આ કેટલા મહિનાની છે? હું શું કરું કે એનો ગ્રોથ વધે.

દરેક માતા-પિતા જેમનું બાળક જન્મ સમયે દુર્બળ હતું કે ઓછા વજનનું હતું તેઓ સતત એ જ વિચારમાં રહે છે કે ક્યારે બાળકનો ગ્રોથ પ્રૉપર થશે? હકીકત એ છે કે બાળકનો ગ્રોથ તો થયો જ છે. તમે જ વિચારો કે ૧ કિલોના બાળકમાંથી ૮ કિલોનું બાળક થયું એ કેટલી મોટી અચીવમેન્ટ છે. જે બાળકો અત્યારે ૧૦-૧૧ કિલોનાં છે તેઓ જન્મ્યાં જ હતાં અઢી-ત્રણ કિલોનાં. આમ, ગ્રોથ રેટ બન્નેનો સરખો જ ગણાય. મોટા ભાગે માતા-પિતા ફરિયાદ કરતાં હોય છે કે એક નૉર્મલ બાળક જેવડું મારા બાળકનું માથું નથી તો શું તેના મગજનો વિકાસ થતો નથી? તેના જેટલી તેની હાઇટ નથી, વજન નથી વગેરે ફરિયાદો યોગ્ય નથી. તમે તમારા બાળકને નૉર્મલ બનાવવા માગો છો એ સારું છે, પણ એ માટે નૉર્મલ બાળકો સાથે સરખામણી ન કરો. એની મેળે એ એક લેવલ પર આવી જશે. ચિંતા નહીં કરો. 

મુખ્ય વાત એ છે કે બાળકને તમે વ્યવસ્થિત સ્તનપાન કરાવ્યું છે કે નહીં. અત્યારે પણ જો બાળક સ્તનપાન કરતું હોય તો તમે ચાલુ રાખી શકો છો. એનાથી ઘણી મદદ મળશે. બીજું એ કે એને બહારનો ખોરાક ન આપો. ઘરે બનાવેલો, જાતે તૈયાર કરેલો ખોરાક આપો. બહારના ફૉર્મ્યુલા મિલ્કથી એનો વિકાસ નહીં થાય. બીજું એ કે બાળક વારંવાર માંદું તો નથી પડી રહ્યુંને? તેની રોગપ્રતીકારક શક્તિ સારી હોવી જરૂરી છે. ચિંતા કરવી હોય તો એની કરો. એ માટે પણ યોગ્ય સૂર્યપ્રકાશ, ઊંઘ, માનું દૂધ અને પોષણયુક્ત આહાર મદદરૂપ થશે. મોટા ભાગનાં ઓછાં વજનનાં બાળકો પર ધ્યાન આપવામાં આવે તો તે વ્યવસ્થિત મોટાં થાય છે. એમનો ગ્રોથ માની કૂખમાં નહીં, બહાર થઈ જાય છે. માટે ચિંતા કરો નહીં. 

ડૉ. ઝીનલ ઉનડકટ    

health tips columnists