પ્રેગ્નન્સી માટે અમુક પ્રકારની બ્લડ-ટેસ્ટ શા માટે જરૂરી છે?

26 October, 2012 06:43 AM IST  | 

પ્રેગ્નન્સી માટે અમુક પ્રકારની બ્લડ-ટેસ્ટ શા માટે જરૂરી છે?


જિગીષા જૈન

પ્રેગનન્સી દરમ્યાન ડૉક્ટરો અમુક પ્રકારની ટેસ્ટ કરાવવાની ભલામણ કરે છે. દર મહિને ચાલતા રૂટીન ચેક-અપ અને વારંવાર થતી બ્લડ-ટેસ્ટ પ્રેગ્નન્ટ સ્ત્રી અને તેના ઘરના લોકોને ઘણી વાર મૂંઝવણમાં નાખી દે છે. આજે જાણીએ કે પ્રેગ્નન્સી માટેની બેસિક બ્લડ-ટેસ્ટ કઈ છે અને એ કરાવવી શા માટે જરૂરી ગણાય છે.

પ્રેગ્નન્ટ થતાં પહેલાં જરૂરી બ્લડ-ટેસ્ટ

રુબેલા : રુબેલાને દેશી ભાષામાં જર્મન ઓરી કહે છે, જે એક ચેપી રોગ છે. બ્લડ-ટેસ્ટ દ્વારા ખબર પડે છે કે સ્ત્રીમાં જર્મન ઓરી સામે લડી શકવાની ક્ષમતા છે કે નહીં. જો આ ક્ષમતા ન હોય તો રુબેલાની રસી મુકાવવી જરૂરી બને છે, જેના બે-ત્રણ મહિના પછી સ્ત્રી પ્રેગ્નન્ટ બને એ હિતાવહ છે. લીલાવતી હોસ્પિટલ સાથે સંકળાયેલા સ્ત્રીરોગના નિષ્ણાત ડૉ. સ્વર્ણા ગોયલ કહે છે, ‘જો ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીને રુબેલા થાય તો બાળકનાં હૃદય, આંખ અને કાનને ગંભીર અસર પહોંચે છે. ગર્ભ ધારણ કર્યા પછી આ રસી આપી શકાતી નથી. આથી ગર્ભાધાન પહેલાં જ આ ટેસ્ટ કરાવવી હિતાવહ છે.’

થૅલેસેમિયા : થૅલેસેમિયા માઇનર ધરાવતાં સ્ત્રી અને પુરુષનું સંતાન થૅલેસેમિયા મૅજર નામના ભયાનક રોગનો ભોગ બને એની શક્યતા ૭૫ ટકા જેટલી હોય છે. માટે મોટા ભાગના ડૉક્ટર્સ લગ્ન પહેલાં જ આ ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપતા હોય છે. જો લગ્ન પહેલાં આ ટેસ્ટ ન કરાવી હોય તો પ્રેગ્નન્ટ થતાં પહેલાં આ ટેસ્ટ કરાવવી જરૂરી છે. ડૉ. સ્વર્ણા ગોયલ કહે છે, ‘થૅલેસેમિયા માઇનર ધરાવતાં સ્ત્રી અને પુરુષના સંતાનને થૅલેસેમિયા મૅજર ન થાય એ માટે કોઈ જ ટ્રીટમેન્ટ નથી. તેથી જ થૅલેસેમિયા માઇનર ધરાવતાં સ્ત્રી અને પુરુષે લગ્ન ન કરવાં જોઈએ. જનરલી બ્લડ-ટેસ્ટમાં હીમોગ્લોબિન સતત ઓછું આવે તો અમે થૅલેસેમિયા ટેસ્ટ રેકમેન્ડ કરતાં હોઈએ છીએ.’

પ્રેગ્નન્સીના નિદાન પછી થતી બ્લડ-ટેસ્ટ

સીબીસી : સીબીસી એટલે કમ્પ્લીટ બ્લડ-કાઉન્ટ, જે ખૂબ જ જરૂરી અને બેસિક ટેસ્ટ છે, જેના દ્વારા મુખ્યત્વે ત્રણ બાબતો જાણી શકાય છે : હીમોગ્લોબિન, વાઇટ બ્લડ-સેલ અને

પ્લેટલેટ કાઉન્ટ.

હીમોગ્લોબિન : બ્લડ-ટેસ્ટ દ્વારા લોહતત્વ એટલે કે આયર્નનું સ્તર જોવામાં આવે છે, જે હીમોગ્લોબિનની તપાસ દ્વારા જાણી શકાય છે. આ ટેસ્ટ વિશે ડૉ. સ્વર્ણા ગોયલ કહે છે, ‘ઘણી સ્ત્રીઓમાં પ્રેગ્નન્સી દરમ્યાન એનિમિયા થવાથી તેને થાક વધુ લાગે અને શ્વાસ બરાબર ન લઈ શકે, જેની અસર બાળક પર પણ થાય છે. ગર્ભમાં ઑક્સિજન બરાબર માત્રામાં ન પહોંચતાં બાળકનો વિકાસ ધીમો થઈ શકે છે. આ સંજોગોમાં આયર્નની ગોળી દરરોજ લેવી પડે છે, જેથી આયર્નની માત્રા જળવાઈ રહે.’

વાઇટ બ્લડ-સેલ : આપણા લોહીનો એક ટકા ભાગ આ વાઇટ બ્લડ-સેલ એટલે કે સફેદ રક્તકણોનો બનેલો હોય છે. સફેદ રક્તકણો આપણા શરીરમાં રોગ સામે લડવાનું કાર્ય કરતા હોય છે. ખાસ કરીને વાઇરસ બૅક્ટેરિયા આદિ દ્વારા થતા ઇન્ફેક્શનથી શરીરને બચાવવાનું કાર્ય કરતા હોય છે. ડૉ. સ્વર્ણા ગોયલ કહે છે, ‘જો પ્રેગ્નન્ટ સ્ત્રીના શરીરમાં કોઈ ઇન્ફેક્શન હોય તો વાઇટ બ્લડ-સેલના કાઉન્ટ જરૂરત કરતાં વધારે કે ઓછા જણાય છે.’

પ્લેટલેટ કાઉન્ટ : પ્રેગનન્સીમાં પ્લેટલેટ કાઉન્ટની ટેસ્ટ શા માટે કરાવવી એનું કારણ જણાવતા ડૉ. સ્વર્ણા ગોયલ કહે છે, ‘પ્લેટલેટ્સ રક્તમાં રહેલા ખૂબ જ નાના પ્રકારના રક્તકણ છે, જે લોહીના જામી જવા એટલે કે બ્લડ-ક્લોટિંગ માટે જવાબદાર છે. જો આ પ્લેટલેટ કાઉન્ટ વધારે હોય તો પ્રેગ્નન્સી અને ડિલિવરી વખતે થતા બ્લીડિંગને રોકવામાં મદદરૂપ થઈ શકે છે.’

બ્લડ-ગ્રુપ અને આરએચ ફૅક્ટર : જો પ્રેગ્નન્સી દરમ્યાન અથવા ડિલિવરી વખતે તેને લોહી ચઢાવવાની જરૂર પડે તો તાત્કાલિક ધોરણે બ્લડ મગાવી શકાય. ધારો કે તમારું બ્લડ-ગ્રુપ ખ્ પૉઝિટિવ છે તો એમાં ખ્ને તમારું બ્લડ-ગ્રુપ કહેવામાં આવે છે અને પૉઝિટિવ એ તમારું આરએચ ફૅક્ટર છે. એ વિશે ડૉ. સ્વર્ણા ગોયલ કહે છે, ‘આમ પ્રેગ્નન્ટ સ્ત્રીનું આરએચ ફૅક્ટર નેગેટિવ હોય અને તેના પાર્ટનરનું આરએચ ફૅક્ટર પણ નેગેટિવ હોય તો કોઈ તકલીફ થતી નથી, પરંતુ પ્રેગ્નન્ટ સ્ત્રીનું આરએચ નેગેટિવ હોય અને તેના પાર્ટનરનું આરએચ પૉઝિટિવ હોય તો બાળકનું આરએચ પૉઝિટિવ હોવાની શક્યતા રહે છે. જેને લીધે માતાનું આરએચ નેગેટિવ અને બાળકનું આરએચ પૉઝિટિવ હોવાથી તેના શરીરમાં બન્ને વચ્ચેનો તાલમેલ ખોરવાય છે. બાળક જ્યારે માતાનું લોહી વાપરે છે ત્યારે માતાની રોગપ્રતિકારક શક્તિ એનો પ્રતિકાર કરે છે, જેનાથી બાળક માંદું પડી શકે છે. તેને કમળો થઈ શકે છે. આથી શરૂઆતમાં આરએચ ફૅક્ટર જાણી લઈએ તો ગર્ભાવસ્થા દરમ્યાન સારી રીતે સંભાળ રાખી શકાય છે.’

હેપેટાઇટિસ-બી : પ્રેગ્નન્ટ સ્ત્રીને હેપેટાઇટિસ-બી હશે તો એવું જરૂરી નથી કે તે તેનાથી અવગત હોય. બ્લડ-ટેસ્ટ દ્વારા જ એ જાણી શકાય છે. જો માતાની અંદર હેપેટાઇટિસ-બીનો વાયરસ હોય તો બાળકમાં પણ એ આવી શકે એની પૂરી શક્યતા છે. બાળકને ગર્ભમાં જ અથવા ક્યારેક જન્મ પછી પણ હેપેટાઇટિસ-બીના વાયરસને કારણે તેના લિવરને ગંભીર નુકસાન પહોંચે છે, જેના બચાવ માટે બાળકના જન્મતાંની સાથે જ તેને ઇન્જેક્શન આપવામાં આવે છે.

થાઇરૉઇડ : પ્રેગ્નન્ટ સ્ત્રીમાં જો થાઇરૉઇડ ડિટેક્ટ થાય તો પ્રેગ્નન્સી દરમ્યાન સતત એને કન્ટ્રોલમાં રાખવા દવાઓ લેવી જરૂરી છે એમ જણાવીને ડૉ. સ્વર્ણા ગોયલ કહે છે, ‘જો ધ્યાન રાખવામાં ન આવે તો બાળક પર એની ખરાબ અસર પડે છે. થાઇરૉઇડને કારણે ક્યારેક અસ્થિર મગજનું બાળક જન્મ લે છે અથવા તો તેનો શારીરિક વિકાસ ખૂબ નબળો હોવાથી ખૂબ નાનું બાળક જન્મે છે.’

શુગર ટેસ્ટ : પ્રેગ્નન્સીના નિદાન પછી તરત જ શુગર ટેસ્ટ કરવી પણ ખૂબ જરૂરી છે. આ ઉપરાંત પ્રેગ્નન્સીના નવ મહિના સુધી માતાએ તેની શુગર કન્ટ્રોલમાં રાખવી પણ એટલી જરૂરી છે. આથી સમયે-સમયે શુગર ટેસ્ટ કરાવવામાં આવે છે. ડૉ. સ્વર્ણા ગોયલ વધુ સમજાવતા કહે છે, ‘પ્રેગ્નન્સી વખતે શુગર જો હાઈ હોય તો મિસકૅરેજની શક્યતાઓ વધી જાય છે. બાળકને જન્મથી જ હૃદયમાં કાણું અથવા હૃદયની બીમારી હોવાની શક્યતા રહે છે. વળી જન્મ વખતે બાળક ખૂબ જ ફૂલેલું અને મોટા કદનું પણ હોઈ શકે છે.’

પ્રેગ્નન્સીનાં ૨૮ અઠવાડિયાં પછી એક પોસ્ટ-ગ્લુકોઝ બ્લડશુગર (પીજીબીએસ) નામની ખાસ ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં ૫૦ ગ્રામ ગ્લુકોઝ પીધા પછી એક કલાક પછી બ્લડ-ટેસ્ટ કરાવવાની હોય છે.

વીડીઆરએલ અને એચઆઇવી : વીડીઆરએલ એટલે કે વેનરીઅલ ડિસીઝ રિસર્ચ લૅબોરેટરી ટેસ્ટ, જે સિફિલિસ નામના રોગની તપાસ માટે કરવામાં આવે છે. સિફિલિસ અને એચઆઇવી સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ છે. પ્રેગ્નન્સી દરમ્યાન સંભાળ ન લેવામાં આવે તો સિફિલિસ કે એચઆઇવી ધરાવતી માતાનું બાળક પણ એ રોગ સાથે જન્મી શકે છે.

બીજી મહત્વની ટેસ્ટ

કેટલાક સ્પેસિફિક ટેસ્ટ ઉપરાંત પ્રેગ્નન્સીમાં સતત થોડા-થોડા સમયે ખાસ પ્રકારની યુરિન ટેસ્ટ પણ ખૂબ જરૂરી છે, જેને કારણે ઇન્ફેક્શન છે કે નહીં એ જાણી શકાય છે. પ્રેગ્નન્સીનાં ૧૨ અઠવાડિયાં પછી ડ્યુઅલ માર્કર ટેસ્ટ અને ૨૦ અઠવાડિયાં પછી ટ્રિપલ માર્કર ટેસ્ટ પણ કરવામાં આવે છે, જેમાં બ્લડ-ટેસ્ટ અને સોનોગ્રાફીના કમ્બાઇન રિપોર્ટ દ્વારા ગર્ભનું સ્વાસ્થ્ય તપાસવામાં આવે છે. વળી, જો પ્રેગ્નન્સીમાં કોઈ પણ પ્રકારનાં કૉમ્પ્લિકેશન ન હોય તો પણ સમગ્ર નવ મહિના દરમ્યાન ઓછામાં ઓછી પાંચ વાર સોનોગ્રાફી જરૂરી બને છે.