બે ડિલિવરી પછી પણ પુષ્કળ બ્લીડિંગ થાય છે, ફાઇબ્રૉઇડ્સ નથી તો શું કરવું?

08 December, 2011 08:04 AM IST  | 

બે ડિલિવરી પછી પણ પુષ્કળ બ્લીડિંગ થાય છે, ફાઇબ્રૉઇડ્સ નથી તો શું કરવું?



ડૉ. જયેશ શેઠ, ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ
ડૉ. કેતકી શેઠ, ઍનેસ્થેટિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ

સવાલ : મારી ઉંમર ૩૪ વર્ષ છે. મને છ અને ત્રણ વરસના બે દીકરાઓ છે. મને પહેલેથી જ માસિક દરમ્યાન ખૂબ બ્લીડિંગ થતું હતું. ડૉક્ટરનું કહેવું હતું કે ડિલિવરી પછી બધું નૉર્મલ થઈ જશે, પણ બે ડિલિવરી પછીયે હજી બ્લીડિંગ એટલું જ વધારે થાય છે. સોનોગ્રાફી અને હૉમોર્ન્સની બધી જ ટેસ્ટ નૉર્મલ આવે છે. ફાઇબ્રૉઇડ્સ જેવું પણ કંઈ નથી છતાં હજી બ્લીડિંગ એટલું જ થાય છે. ચાર દિવસમાં એટલુંબધું લોહી નીકળી જાય છે કે સાવ જ નંખાઈ જવાય છે. હવે મારે બાળક નથી જોઈતું. શું કોઈ ઉપાય ખરો?

જવાબ : લગ્ન પહેલાં અને ડિલિવરી પછી પણ ખૂબબધું બ્લીડિંગ થતું હોય તો એને ડીયુબી એટલે કે ડિસફંક્શનલ યુટ્રાઇન બ્લીડિંગ કહેવાય. તમને કોઈ ફાઇબ્રૉઇડ્સ નથી એ સારી વાત છે; પરંતુ તકલીફનું મૂળ જાણવા માટે CBC, BT, CT, PT, FSH, TSH, Prolactine જેવી ટેસ્ટ કરાવવી. વધુપડતું બ્લીડિંગ થવાની તકલીફમાં ઘણી વાર સોનોગ્રાફી કરવાથી એમાં પણ કોઈ જ ગરબડ ન પરખાય એવું બને છે.

જો તમે અત્યારે બીજું બાળક પ્લાન ન કરતાં હો તો આ તકલીફની ઘણી જ અસરકારક સારવાર શોધાઈ છે. એ છે મિરેના લૂપ. એમાં કૉપરની જગ્યાએ પ્રોજેસ્ટરોન હૉર્મોનનો સ્રાવ થતો હોય છે. જો તમે કોઈ ઓરલ મેડિસિન લો તો એની અસર આખા શરીર અને તમામ પ્રજનનતંત્ર પર પડે છે, પરંતુ આ લૂપમાંથી માત્ર ૧૦-૧૫ માઇક્રોગ્રામ પ્રોજેસ્ટરોન સ્થાનિક જગ્યાએ રિલીઝ થાય છે. એ લૂપમાંથી રોજેરોજ ખૂબ જ સૂક્ષ્મ માત્રામાં પ્રોજેસ્ટરોન ઝરતું હોવાથી માત્ર યુટ્રસ પર જ એની અસર થાય છે. આ લૂપથી ત્રણ-ચાર મહિનામાં જ તમારું માસિક ઓછું થઈ જશે. બે-ત્રણ દિવસ જ બ્લીડિંગ થશે અને એ પણ ખૂબ ઓછું. આ સારવારથી ગર્ભાશયની ત્વચા જાડી થતી અટકે છે અને ઈંડાં બનવાની પ્રક્રિયામાં પણ કોઈ અડચણ નહીં આવે.

આ લૂપ ડૉક્ટરના ક્લિનિકમાં માત્ર પંદર મિનિટની પ્રોસેસમાં બેસાડી શકાય છે. પાંચ વર્ષ સુધી એક લૂપ ચાલે છે. એ પછીના ચારેક મહિનામાં જ બ્લીડિંગ ખૂબ જ ઓછું થઈ જાય છે. આ લૂપ દુનિયાભરમાં લાખો મહિલાઓએ નિશ્ચિંત થઈને અપનાવી છે.