એક વાર પ્રેગ્નન્સી રહી, પણ હવે રિપોર્ટમાં ફેલોપિયન ટ્યુબ બ્લૉક આવે છે

17 November, 2011 09:03 AM IST  | 

એક વાર પ્રેગ્નન્સી રહી, પણ હવે રિપોર્ટમાં ફેલોપિયન ટ્યુબ બ્લૉક આવે છે


ડૉ. જયેશ શેઠ, ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ
ડૉ. કેતકી શેઠ, ઍનેસ્થેટિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ


સવાલ : હું ૩૦ વર્ષની છું. લગ્નને ચાર વર્ષ થયાં છે. મારા અને હસબન્ડના બધા જ રિપોર્ટ્સ કરાવ્યા છે. હસબન્ડના શુક્રાણુઓ ઓછા હોવાથી ર્વીયને બહારથી અંદર પહોંચાડવાની ટ્રીટમેન્ટ કરાવવી પડી. એક વાર એવી ટ્રીટમેન્ટ કરાવી અને સફળતા મળી. પ્રેગ્નન્સી રહી, પણ એ પછી બાળકનો વિકાસ બરાબર નહોતો થયો. અઢી-ત્રણ મહિને હાર્ટબીટ ન આવ્યા હોવાથી અબૉર્શન કરાવવું પડ્યું. એ પછી એક વરસ રાહ જોઈને ફરી એવી જ ટ્રીટમેન્ટ કરાવી, પણ કંઈ ન થયું. એ માટે રિપોર્ટ્સ કરાવ્યા તો નિદાન થયું કે હવે મારી બન્ને ટ્યુબ બ્લૉક થઈ ગઈ છે. પહેલી વાર પ્રેગ્નન્સી રહી અને હવે અચાનક જ ટ્યુબ બ્લૉક થઈ જાય એવું બને? ડૉક્ટર ટેસ્ટટ્યુબ બેબી કરવાનું કહે છે, પણ એ અમને પોસાય એમ નથી.

જવાબ : તમને એક વાર આઇયુઆઇથી પ્રેગ્નન્સી રહી હોય અને જો પિરિયડ્સ નૉર્મલ હોય તો તમારું ગર્ભાશય બરાબર છે એવું કહી શકાય. પહેલી વાર પ્રેગ્નન્સી રહી એ બતાવે છે કે એ વખતે ટ્યુબમાં બ્લૉક પણ નહીં જ હોય. હવે સમજવાની વાત એ છે કે ઘણી વાર અબૉર્શન કરાવ્યા પછી બરાબર સફાઈ ન થઈ હોય તો ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહે છે. તમારા કિસ્સામાં લાંબા સમય સુધી ઇન્ફેક્શન અંદર રહીને ફેલાવાને કારણે ટ્યુબમાં બ્લૉકેજ થયું હોવાના ચાન્સિસ લાગે છે.

એનાથી ગભરાવાની જરૂર નથી. લેસર લેપ્રોસ્કોપી દ્વારા આ બ્લૉકેજ ખોલી શકાય છે. એમાં નાભિ પાસે નાનકડું કાણું પાડીને અંદર એક કૅથેટર દાખલ કરવામાં આવે છે અને જેમ ઍન્જિયોપ્લાસ્ટીમાં બ્લૉકેજ ખોલવામાં આવે છે એના જેવી જ ટેક્નિકથી લેસર વડે ફેલોપિયન ટ્યુબનું બ્લૉકેજ દૂર કરવામાં આવે છે. જોકે આ સારવાર કોઈ સારા અને અનુભવી લેપ્રોસ્કોપિક સર્જન પાસે કરાવવી. જો વહેલી તકે આ પ્રકારની ફર્ટિલિટી એન્હેન્સિંગ ટ્રીટમેન્ટ લેસર સર્જરી કરાવી લેશો તો ચોક્કસ પરિણામ મળશે. આ ટ્રીટમેન્ટનો ખર્ચ થશે, પણ સાથે એ પછી તમારે ટેસ્ટટ્યુબ બેબીની સારવારની જરૂર ટળી જશે.