બે વરસમાં બે વાર મિસકૅરેજ થઈ ગયું, ત્રીજી વારની પ્રેગ્નન્સીમાં પણ તકલીફ છે

10 November, 2011 07:21 PM IST  | 

બે વરસમાં બે વાર મિસકૅરેજ થઈ ગયું, ત્રીજી વારની પ્રેગ્નન્સીમાં પણ તકલીફ છે



ડૉ. જયેશ શેઠ, ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ
ડૉ. કેતકી શેઠ, ઍનેસ્થેટિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ


સવાલ : મારી ઉંમર ૨૮ વર્ષ છે. લગ્નને ત્રણ વરસ થયાં છે. છેલ્લાં બે વરસમાં બે વાર મને પ્રેગ્નન્સી રહી છે, પણ બીજા-ત્રીજા મહિને જ ગર્ભ પડી જાય છે. હમણાં મને ફરીથી બે મહિના ચડ્યા છે. પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવી તો એ પૉઝિટિવ છે, પરંતુ એક વાર મને બ્લડસ્પોટ્સ આવ્યા છે. એ પછી પેટમાં ખૂબ જ ભાર લાગે છે ને ઝીણું દુખ્યા કરે છે. બે-ત્રણ વાર ઊલટી પણ થઈ ગઈ અને અશક્તિ આવી ગઈ છે. આ વખતે મારે મિસકૅરેજ ન થાય એની તકેદારી રાખવી છે. મારાં ડૉક્ટર કહે છે કે હજી તણાવભરી સ્થિતિ ટળી નથી. સાડાત્રણ મહિના સુધી મિસ થવાના ચાન્સિસ છે.

જવાબ : તમને બે વરસમાં બે વાર મિસકૅરેજ થઈ ગયું છે ને કદાચ એને કારણે જ આ વખતે પણ મિસકૅરેજ થવાના ચાન્સિસ વધી ગયા છે. હવે ગર્ભ મિસ ન થાય એ માટે તમે કમ્પ્લીટ બેડ-રેસ્ટ લો એ અતિઆવશ્યક છે. ખાવા-પીવામાં પપૈયું-પાઇનૅપલ અને ગરમ મસાલાની ચીજો સદંતર બંધ કરી દો. સાથે તમે અત્યારથી જ ફોલિક ઍસિડ અને વિટામિન-બી કૉમ્પ્લેક્સની ગોળીઓ લેવાનું શરૂ કરી દો એ હિતાવહ છે.

તમને વારંવાર મિસકૅરેજ કેમ થાય છે એનું નિદાન કરવું પણ જરૂરી છે. એ માટે અહીં જણાવેલી કેટલીક બ્લડ-ટેસ્ટ કરાવી લો. Torch IgM, APL અને ANAની ટેસ્ટ કરાવી લો. સાથે જો બ્લડ-ગ્રુપ ન ખબર હોય તો એ અને TSH લેવલ પણ ચેક કરાવો. આ રિપોર્ટનું જે તારણ આવે એ તમે અમને લખીને મોકલો. જો બધું નૉર્મલ હોય તો આવી પરિસ્થિતિમાં પ્રોજેસ્ટરોન હૉમોર્ન્સનાં ઇન્જેક્શન આપવામાં આવે છે.

મિસકૅરેજ અટકે એ માટે આટલી કાળજી રાખી શકીએ. જોકે એમ છતાં કંઈક અવળું થાય તો અબૉર્શનમાં જે બાળકનો કચરો નીકળે એની કેરિયોટાઇપ ટેસ્ટ કરાવો. મા કે પિતા બેમાંથી કોઈનાય તરફથી જિનેટિકલ પ્રૉબ્લેમ હોય તો યોગ્ય દવાથી જિનેટિકલ ખામીના ઉકેલ આવી શકે છે. ધારો કે આ બાળક પણ મિસ થઈ જાય તો એક વાર લેપ્રોસ્કોપી કરાવીને અંદરના એક પડદાની ગોઠવણ ચેક કરાવી લેવી જરૂરી છે.