હવેથી જૉગિંગ પર જાઓ ત્યારે ફોન ઘરે મૂકીને જજો

28 December, 2012 07:00 AM IST  | 

હવેથી જૉગિંગ પર જાઓ ત્યારે ફોન ઘરે મૂકીને જજો



રુચિતા શાહ

નેક્સ્ટ ટાઇમ જ્યારે પણ તમે ગાર્ડનમાં જૉગિંગ માટે જાઓ કે બે-ત્રણ દિવસની મિની પિકનિક પર જાઓ તો તમારા સ્માર્ટ ફોનને કે લૅપટૉપને ઘરે જ મૂકીને જજો. જો એમ કરશો તો તમારી પ્રૉબ્લેમ સૉલ્વિંગ સ્કિલ સુધરશે અને માઇન્ડનો પાવર વધશે, એવું તાજેતરમાં અમૅરિકન રિસર્ચરોએ એક સંશોધનમાં સ્પષ્ટ કર્યું છે.

રિસર્ચમાં શું હતું?

પબ્લિક લાઇબ્રેરી ઑફ સાયન્સ નામની જર્નલમાં તાજેતરમાં અમેરિકાની યુટાહ યુનિવર્સિટીના રિસર્ચરો દ્વારા એક અભ્યાસ પબ્લિશ થયો, જેમાં ૨૮ વર્ષની ઉપરના ૫૪ અમેરિકનોને છ દિવસ માટે પિકનિક પર મોકલવામાં આવ્યા હતા. આ દરમ્યાન તેમની પાસેથી લેટેસ્ટ ટેક્નૉલૉજીનાં બધાં જ સાધનો લઈ લેવામાં આવ્યાં. કોઈને પણ કોઈ પણ પ્રકારનાં ઇલેક્ટ્રૉનિક સાધનો વાપરવાની પરમિશન નહોતી. તેઓ પિકનિક પર ગયા એ પહેલાં દરેકની ઇન્ડિવિજ્યુઅલી એક ક્રીએટિવ ટેસ્ટ લેવામાં આવી હતી, જેમાં ૧૦ સવાલો પૂછેલા. એમાં બધાનું ઍવરેજ પરિણામ હતું ૪.૧૪. એ પછી તેઓ જ્યારે ફરીને પાછા આવ્યા ત્યારે ફરી આવી જ એક ક્રીએટિવ ટેસ્ટ લેવામાં આવી, જેનું ઍવરેજ પરિણામ હતું ૬.૦૮. એ ઑલમોસ્ટ પહેલાં કરતાં ડબલ હતું. આ સ્ટડીઝમાં સાઇકોલૉજિકલ ટેસ્ટ થકી મળેલા પરિણામ પરથી વૈજ્ઞાનિકોએ તારવ્યું કે અત્યારની ટેક્નૉલૉજીથી થોડો સમય માટે દૂર રહીને કુદરતની સમીપે થોડો સમય પસાર કરવાથી વ્યક્તિના બ્રેઇનની શક્તિ ખીલે છે તેમ જ પ્રૉબ્લેમ સૉલ્વિંગ સ્કિલ પણ ડેવલપ થાય છે.

લૉજિક શું છે?

આ અભ્યાસમાં પહેલી વાર આપણે હૉલિડે પર જઈએ તો શા માટે રિચાર્જ થઈ જઈએ છીએ એનું લૉજિક સ્પષ્ટ થયું છે એમ જણાવતાં રિસર્ચરો આગળ કહે છે, ‘જ્યારે આપણે ડે-ટુ-ડે લાઇફમાંથી બ્રેક લઈને બ્રેઇનને રિલૅક્સ થવાનો ટાઇમ આપીએ છીએ એ પછી સ્વાભાવિક રીતે જ એની કાર્યક્ષમતા વધે છે. એમાં કુદરતના મુક્ત વાતાવરણમાં મગજને પોતાની રીતે રહેવાની મોકળાશ આપવાથી પણ માઇન્ડને બૂસ્ટ મળે છે. આ સિવાય કોઈ પણ જાતના ફૉર્મેટમાં માઇન્ડને પર્ફોમ કરવા માટે મજબૂર કરવાથી એની રચનાત્મકતા પર અસર પડતી હોય એવું શક્ય છે. મૉડર્ન ટેક્નૉલૉજી પણ એક હદ સુધી સારી છે. સતત કમ્પ્યુટર, ટૅબ્લેટ, સ્માર્ટફોન, લૅપટૉપ, ટીવી અને વિડિયો ગેમ્સના ઉપયોગને કારણે માઇન્ડને રિલૅક્સ થવાનો જરાય સમય નથી મળતો. એનાથી ઑપોઝિટ જ્યારે આ બધી વસ્તુઓ ઘરે મૂકીને ગાર્ડનમાં કે કોઈ કુદરતી સ્થળે જઈએ તો બ્રેઇનને બ્રેક મળી જાય છે તો એ પછીથી વધુ ક્રીએટિવલી રિસ્પૉન્ડ કરે છે અને એમાં જ એની પ્રૉબ્લેમ સૉલ્વિંગ સ્કિલ પણ સ્ટ્રૉન્ગ થતી જાય છે.’

બહુ જ સ્વાભાવિક છે

અમેરિકન રિસર્ચરોએ કરેલા આ સંશોધનને યોગ્ય ગણાવતા જાણીતા ન્યુરોસજ્ર્યન ડૉ. દીપુ બૅનરજી કહે છે, ‘આ આખું રિસર્ચ સાઇકોલૉજિક્લ ટેસ્ટ પર અવલંબિત છે અને એ માટે પણ તેમણે જે લૉજિક આપ્યાં છે એ માની શકાય એવાં છે. આ હકીકત છે કે બ્રેઇનને પણ બ્રેકની જરૂર હોય છે. રૂટીન લાઇફ અને પ્રૉબ્લેમ્સથી ડિસકનેક્ટ થવાથી અને હરિયાળી અને ખુલ્લા આકાશ નીચે થોડો થાક લાગે એવી ઍક્ટિવિટી કરવાથી ચોક્કસ મગજ પરનો બોજ હળવો થાય છે, બ્રેઇનની ફ્રેશનેસ અને ઍક્ટિવનેસ વધે છે, જે ઑટોમેટિક એના પાવરને વધારે છે એમાં બેમત નથી.’

જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા આ વિશે કહે છે, ‘આ ખૂબ જ સ્વાભાવિક વાત છે કે જ્યારે તમે તમારી કરન્ટ લાઇફથી હટીને માઇન્ડને રિલૅક્સ કરો એટલે ડેફિનેટલી તમારું કૉન્સન્ટ્રેશન વધવાનું. બ્રેઇન પાવર અને પ્રૉબ્લેમ સૉલ્વિંગ ઍબિલિટી પણ આ એકાગ્રતા વધવાનું જ પરિણામ હોઈ શકે. ગૅજેટ્સ માઇન્ડને સતત ડિસ્ટ્રેક્ટ કરે છે. જૉગિંગ પર જાઓ કે પિકનિક પર જાઓ પછી પણ તમે ગીતો જ સાંભળ્યાં કરો કે ગેમ રમો કે એની સાથે કોઈ પણ રીતે કનેક્ટ રહો તો તમે કુદરત સાથે જોડાઈ જ ન શકો. એટલે અગેઇન એ તમારા બ્રેઇનને ફોકસ ન કરવા દે. માટે ગૅજેટ્સ વિના આઉટિંગ કરવાથી વધુ લાભ થાય એ એકદમ લૉજિકલ અને સાચી વાત છે.’