ડ્રેસ માટે સ્ટ્રેસ લેવું પસંદ નથી

28 December, 2011 07:16 AM IST  | 

ડ્રેસ માટે સ્ટ્રેસ લેવું પસંદ નથી



મુગ્ધા ગોડસેની સ્ટાઇલ હંમેશાં લાજવાબ હોય છે, પછી એ રૅમ્પ પર કૅટવૉક કરવાનું હોય કે રેડ કાર્પેટ પર ચાલવાનું હોય. હવે પાર્ટીની સીઝન આવી ગઈ છે ત્યારે આ મૉડલ ટન્ર્ડ ઍક્ટ્રેસ પાર્ટીઓમાં શું પહેરવું એના પ્લાનિંગમાં સતત બિઝી છે, કારણ કે જો સ્ટાઇલિશ લાગવું હોય તો પ્લાનિંગની જરૂર પડે જ છે. આજે તે જણાવે છે પાર્ટીની સીઝનમાં બરાબર ડ્રેસિંગ કઈ રીતે કરવું.

બ્રન્ચ બેઝિક

સવારના નાસ્તા કે ફક્ત લન્ચની ઇવેન્ટ હોય તો તમે લાઇટ, વાઇબ્રન્ટ અને ફ્લોઇ ડ્રેસિંગ કરો એ સારું રહેશે. સવારના સમયે ડાર્ક કલર અવૉઇડ કરો. ટાઇટ ફિટ્સ, શરીરને એક્સપોઝ કરતા કટ અને હાઈ હીલ્સ સવારના સમય માટે છે જ નહીં. ફ્લૅટ ચંપલ સાથે વાઇબ્રન્ટ કલરનો ડ્રેસ બ્રન્ચ-ટાઇમિંગ માટે બેસ્ટ ડ્રેસિંગ છે. મને પોતાને સ્ટ્રૅપવાળા શૂઝ સાથે એક સુંદર મજાનો ફ્લોરલ પ્રિન્ટવાળો ડ્રેસ પહેરવો ગમે છે. મેક-અપમાં ખૂબ ઓછો મેક-અપ અને સૉફ્ટ કલર્સ સારા લાગશે.

ટી-પાર્ટીમાં લાગો સ્ટાઇલિશ

બિઝનેસ કે વર્ક રિલેટેડ ઇવેન્ટ્સમાં મોટી ટી-પાર્ટીઓ થતી હોય છે એટલે આવા પ્રસંગોએ સારી રીતે ડ્રેસિંગ કરવું જરૂરી છે. જીન્સ સાથે વાઇટ શર્ટ કે ટી-શર્ટ બેસ્ટ ચૉઇસ છે. હાઈ પોનિટેલ અને મોટી હીલ્સ સારી રહેશે. સાથે જ્વેલરીનો કોઈ એક સુંદર પીસ એટલે આકર્ષણ પાકું.

ડિનરમાં બનો વિનર

જો સીટ-ડાઉન ડિનર એટલે કે જ્યાં ચૅર પર બેસીને ડિનર લેવું પડે એમ હોય તો એવો ડ્રેસ પહેરો જે ખૂબ શૉર્ટ ન હોય. ભૂલો નહીં કે લોકોને મળવા તમારે વારંવાર બેસવું અને ઊઠવું પડશે એટલે તેમને તમારાં આંત:વસ્ત્રો જોવાનો મોકો ન આપો. કમ્ફર્ટેબલ હીલ્સ પહેરો. જો હીલ્સ વધારે હાઈ હશે તો ઊઠવા-બેસવામાં તકલીફ થશે. ડીપ નેકલાઇન પણ સિટ-ડાઉન ડિનર માટે કમ્પ્લીટ નો-નો છે. હું હંમેશાં બ્લૅક કે કોઈ ડાર્ક રંગની પસંદગી કરું છું, કારણ કે હું મોટા ભાગે ડિનરને મારા ડ્રેસ પર પાડવાની ભૂલ કરું જ છું. ડિનર વખતે વાળ બાંધેલા રાખો એ સારો આઇડિયા રહેશે, કારણ કે તમે જમતાં-જમતાં બાજુમાં બેસેલી વ્યક્તિ સાથે વાત કરતા હો ત્યારે વારંવાર વાળમાં હાથ નાખી વાળને સેટ કરવાનું સારું નહીં લાગે.

રેડ અલર્ટ


તમે રાતની પાર્ટી કે રેડ કાર્પેટ ઇવેન્ટ અટેન્ડ કરતા હો ત્યારે જેટલા ગ્લૅમરસ લાગી શકો એટલા લાગો. એક સેક્સી ડ્રેસ અને સાથે સ્ટ્રેટ કરેલા વાળ મારા માટે બેસ્ટ લુક છે. ઈવનિંગ પાર્ટીઓ તમારા સુંદર લાંબા ગાઉન કે શૉર્ટ ડ્રેસ પહેરવા માટેનો બેસ્ટ ટાઇમ છે. આ સમય છે તમારા લિટલ બ્લૅક ડ્રેસને બહાર કાઢવાનો અને એ પણ બે વાર વિચાર કર્યા વગર. હાઈ હીલ્સ, બોલ્ડ રંગો અને ડીપ ડાર્ક મેક-અપ રાતના સમયે હંમેશાં સારો લાગે છે. તમે ગ્લૉસી કે સ્મોકી લુક સાથે મેક-અપમાં એક્સપરિમેન્ટ કરી શકો છો, કારણ કે આ પાર્ટી સીઝન છે જેમાં ડાર્ક અને સ્મોકી મેક-અપ બેસ્ટ લાગે છે. જો ખૂબ પાર્ટી કરવાના હો તો તમારી હીલ્સ બરાબર હોય એના પર ધ્યાન આપો, જેથી તમે અનકમ્ફર્ટેબલ ફીલ કર્યા વગર જ મન મૂકીને એન્જૉય કરી શકો.