ચૉકલેટ સામે આવે એટલે મારા ડાયટની ઐસી કી તૈસી થઈ જાય

06 August, 2012 06:30 AM IST  | 

ચૉકલેટ સામે આવે એટલે મારા ડાયટની ઐસી કી તૈસી થઈ જાય

ફિટનેસ Funda

મારા માટે ફિટનેસ એટલે બૉડીબિલ્ડિંગ નથી. તંદુરસ્તી એટલે ફિટનેસ. સિક્સ-પૅક ઍબ્સ તો ઇન્જેક્શનોથી પણ મેળવી શકાય, પરંતુ તંદુરસ્તી અને હેલ્ધી બૉડી માટે મહેનત કરવી પડે. તમારી રહેણીકરણી સારી હોય, નિયમિત કસરત કરતા હો અને ખાવામાં પણ ધ્યાન આપતા હો તો તમે જલદી બીમાર નહીં પડો. મતલબ કે તમે ફિટ છો. મારામાં ફિટનેસનો ક્રેઝ કૉલેજકાળથી જ હતો. ટીનેજમાં હતો ત્યારે હું ખૂબ પાતળો હતો, પણ કૉલેજમાં આવ્યો ત્યારે જ નક્કી કરી દીધેલું કે મૉડલ બનીશ. મૉડલ માટે ફિટ હોવું અને દેખાવું બન્ને જરૂરી છે. સર્કલ પણ એવું જ બનતું ગયું. અમે મિત્રો ભેગા મળીને ફિટનેસ માટે ઘણી ચર્ચા પણ કરતા.

હું ઍક્ટિંગમાં છું અને અમારા ફીલ્ડમાં ફિટ હોવાની સાથે સારા દેખાવું પણ ખૂબ જરૂરી છે. તમે અંદરથી એકદમ તંદુરસ્ત છો પણ બૉડી પર ચરબી જમા થયેલી દેખાતી હોય તો ન ચાલે. એટલે રૂટીન હેલ્ધી લાઇફ-સ્ટાઇલની સાથે ફિટ દેખાવા માટે મારે એક્સ્ટ્રા એફર્ટ્સ લેવા પડે છે. દરરોજ મિનિમમ બે કલાકનું વર્કઆઉટ કરું છું. એનો સમય ફિક્સ નથી, જે બહુ ખરાબ બાબત છે; પરંતુ મારે મારા શૂટિંગના ટાઇમ-ટેબલ પ્રમાણે બધું મૅનેજ કરવું પડે છે. અપર બૉડી અને લોઅર બૉડી એમ બન્નેને ઑલ્ટરનેટિવ કસરત મળે એ રીતે વર્કઆઉટ શેડ્યુલ બનાવ્યું છે. રોજનો મિનિમમ અડધો કલાક દોડવાનું એટલે કે કાર્ડિયો અને સ્ટ્રેચિંગ કરવાનું. મસલ્સ, ચેસ્ટ, શોલ્ડર, લેગ્સ એમ બૉડીના બધા પાટ્ર્‍સને કસરત મળે એ જરૂરી છે. સ્ટ્રેસ-ફ્રી રહેવા માટે મેડિટેશનમાં માનું છું પણ કરતો નથી, કારણ કે એમાં કૉન્સ્ાન્ટ્રેશન નથી જળવાતું. એને બદલે હું મ્યુઝિક સાંભળું, ગેમ્સ રમું, સ્વિમિંગ કરું. ફોટોગ્રાફી પણ મારું પૅશન છે.

રોજ શું ખાવું એમાં મારું કોઈ ફિક્સ મેન્ાુ નથી, પણ રોજ વધુમાં વધુ પ્રવાહી શરીરમાં જાય એવા પ્રયત્ન કરું છું. એ સાથે ફાઇબર પણ વધારે લઉં છું. પાચનશક્તિ સુધારવાનું અને શરીરમાં વધારાના નુકસાનકારક પ્રોટીનને ઍબ્સૉર્બ કરવાનું કામ ફાઇબરનું છે એટલે દરેકે પોતાના ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ વધારે લેવું જોઈએ. હું આખા દિવસમાં શુગર અને કાબોર્હાઇડ્રેટ ઓછાં લેવાય એનું ધ્યાન રાખું છું. જોકે સવારની શરૂઆત તો એક ગરમાગરમ કડક ચાથી થાય છે. મને ચાનું વ્યસન છે. ફિટ રહેવું હોય તો ખાવામાં પરેજી રાખ્યા સિવાય છૂટકો નથી. એમ છતાં અઠવાડિયામાં એક દિવસ બધું ખાવાની છૂટ રાખું છું. બીજી એક વાત એ કે ચૉકલેટ મારી વીકનેસ છે. હું ફ્રિજ ખોલું ને સામે જો ચૉકલેટ પડી હોય તો ડાયટની ઐસી કી તૈસી થઈ જાય. એટલે મારી વાઇફ રશ્મિ ઘરમાં હોય તો પણ મારી નજરમાં ન આવે એવી રીતે ચૉકલેટ રાખે છે. અમને ક્યાંયથી ગિફ્ટમાં ચૉકલેટ મળી હોય તો એ પણ મારા ધ્યાનબહાર ક્યાંક સંતાડી દેવામાં આવી હોય. પાસ્તા મારી ફેવરિટ ડિશ છે. ઑફકોર્સ મને પણ ચટપટું ખાવાનું બહુ પસંદ છે, પણ હું ખૂબ કન્ટ્રોલ કરું છું.

હૃતિક રોશન અને અજુર્ન રામપાલ મારા ફિટનેસ-આઇડલ છે. તેમના જેવું બૉડી મારે બનાવવું છે. ફિટનેસ માટે ડિસિપ્લિન્ડ રહેવું જરૂરી છે. એ ડિસિપ્લિન્ડની તીવ્રતા વ્યક્તિએ-વ્યક્તિએ તેમ જ પ્રોફેશન-ટુ-પ્રોફેશન બદલાતી રહે છે એટલે ફિટનેસનો બધા માટે જુદો અર્થ છે. દરેક જણ જો વર્કઆઉટ માટે બે કલાક ન કાઢી શકે તો કમસે કમ તેમણે દરરોજ સાઇક્લિંગ, જૉગિંગ, સ્વિમિંગ વગેરે તો નિયમિત કરવું જોઈએ.

એક વાર આદત પાડી દો

ફિટનેસની મોટી-મોટી વાતો કરવી આસાન છે, પણ કરવા જાઓ તો ખબર પડે એવું ઘણા લોકો કહેતા હોય છે. જોકે હું માનું છું કે દરેક બાબત શરૂઆતમાં અઘરી જ હોય, પણ એક વાર હૅબિટ પડી ગયા પછી વાંધો નથી આવતો. ગાડી ચલાવવી પહેલી વાર અઘરું હતું, ક્લચ. એક્સેલરેટર અને બ્રેક એમ ત્રણેય પર ધ્યાન આપવું અઘરું લાગતું હતું, પણ એક વાર આદત પડી ગયા પછી વાંધો આવે છે? એવું ફિટનેસની બાબતમાં છે. અત્યારે કસરત અને ફૂડ-કન્ટ્રોલિંગ તમને અઘરું લાગતું પણ હોય, પરંતુ એક વાર ટેવ પડી ગયા પછી તમને ચેન જ નહીં પડે. એક નિયમ લઈ લો કે માત્ર એક મહિનો મન હોય કે ન હોય મારે ફૂડ અને નિયમિત કસરતના શેડ્યુલને વળગી રહેવાનું. પછી જો-જો કે મહિના પછી કસરત નહીં કરી હોય કે બહુ ઑઇલી ખાઈ લીધું હશે તો તમને જ ચેન નહીં પડે અને મનમાં કંઈક ડંખ્યા કરશે.

- વાતચીત અને શબ્દાંકન : રુચિતા શાહ