તાવ પછી દીકરાને સાંધા દુખે છે, શું કરું?

05 August, 2022 08:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાવ પછી આપણને શરીરમાં જે કળતર વળે અને એ કળતર પછી બધું દુખતું હોય, શું એવો જ દુખાવો છે? શું કરવું?  

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારા પાંચ વર્ષના દીકરાને હમણાં વાઇરલ તાવ આવી ગયો હતો. આ વાઇરલ ઇન્ફેક્શન પતી ગયું. તાવ ઊતરી ગયો છે, પરંતુ તે સતત સાંધા દુખવાની ફરિયાદ કર્યા કરે છે. બે દિવસથી તે ચાલી જ નથી શકતો. પગ ઊંચકી-ઊંચકીને ચાલે છે. સતત કહે છે કે તેને ગોઠણ અને હાથની કોણી દુખે છે. મને સમજાતું નથી કે તેને શું થાય છે? તાવ પછી આપણને શરીરમાં જે કળતર વળે અને એ કળતર પછી બધું દુખતું હોય, શું એવો જ દુખાવો છે? શું કરવું?  
   
વાઇરલ તાવ પછી સાંધાનો દુખાવો થવો એ કળતર નથી જ. એને કળતર સમજવાની ભૂલ ઘણા પેરન્ટ્સ કરે છે અને એને લીધે બાળકનું મોટું નુકસાન થઈ બેસે છે. આ જે તકલીફ છે એ છે આર્થ્રાઇટિસ. ૧૬ વર્ષથી નીચેનાં બાળકોને આ તકલીફ થાય એને જુવેનાઇલ આર્થ્રાઇટિસ કહે છે. એમાં પણ વાઇરલ આવ્યા પછી થાય છે એવું કે એ ઇન્ફેક્શન બાળકના સાંધા પર અસર કરે છે, જેના માટે તેને તાત્કાલિક બાળકોના ઑર્થોપેડિક ડૉક્ટર પાસે લઈ જવું ખૂબ જરૂરી છે. જો વાર કરશો તો મોટું ડૅમેજ થઈ શકે છે. આ રોગને કારણે હાડકાં ડીફોર્મ થઈ જાય છે, જેને કારણે બાળક હંમેશાં માટે અપંગ બની શકે છે અથવા જીવનભર માટે કોઈ ખોડ આવી જાય એવું પણ બને. આ રોગ અમુક બાળકો માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આમ, આ એક મેડિકલ ઇમર્જન્સી છે. તમે સમય જરા પણ ગુમાવો નહીં. 

આર્થ્રાઇટિસમાં પેઇન નાનું-સૂનું નથી હોતું કે બાળક સહન કરી લે. કદાચ શરૂઆતમાં એવું હોય કે પેઇન ઘણું ઓછું હોય, પણ ધીમે-ધીમે એ અસહ્ય બને છે. બાળક નાનું હોય તો ફક્ત રડ્યા કરે, પરંતુ તમારું બાળક મોટું છે એથી તે કહી શકે છે કે તેને શું થાય છે. એટલે જ તે સ્પેસિફિક સાંધાઓ દુખે છે એવી વાત કરી રહ્યું છે. નિદાન અઘરું નથી. અઘરું છે ફક્ત એ સમજવું કે બાળકને પણ આર્થ્રાઇટિસ હોઈ શકે છે. બને કે તમને તાત્કાલિક સર્જરીની જરૂર પણ પડે, પરંતુ એ યોગ્ય નિદાન કરાવ્યા પછી જ કહી શકાય. કોઈ પણ બાળકને તાવ આવે અને એના પછી જો તેને સાંધા દુખતા હોય તો તેને તાત્કાલિક બાળકોના હાડકાંના ડૉક્ટર પાસે લઈ જવો ખૂબ જ જરૂરી છે. મોટા ભાગે લોકોને સમજાતું નથી અને મોડું થઈ જાય છે.

health tips columnists