લો-કૅલરી હોવા છતાં ન્યુટ્રિશનથી ભરપૂર એવા મશરૂમ ઓબેસિટીમાં ઉત્તમ

02 November, 2011 08:49 PM IST  | 

લો-કૅલરી હોવા છતાં ન્યુટ્રિશનથી ભરપૂર એવા મશરૂમ ઓબેસિટીમાં ઉત્તમ



(સેજલ પટેલ)

જંગલમાં ઊગી નીકળતા નાનકડા બિલાડીના ટોપ જેવા ફંગસને હવે ફાઇવસ્ટાર હોટેલોમાં ટેસથી પીરસવામાં આવે છે. એ છે મશરૂમ. આપણે ત્યાં મશરૂમની વાત આવે એટલે લોકોને સફેદ રંગના બટન જેવા દેખાતા બટન મશરૂમ જ યાદ આવે, પરંતુ ખરેખર મશરૂમની ૩૮,૦૦૦ વરાઇટી હોય છે. આપણે ખાવાના ઉપયોગમાં લઈએ છીએ એ મશરૂમ ફાર્મમાં ઉગાડવામાં આવે છે. શિતાકી, એનોકી, ઑઇસ્ટર, મોરેલ્સ, સીપીસ જેવા મશરૂમ્સ ખાવામાં વાપરી શકાય છે.

મશરૂમ ખાદ્ય હોવા જોઈએ

કેટલાક વેજિટેરિયન લોકો મશરૂમ એક પ્રકારની ફંગસ હોવાથી એને વેજિટેરિયન નથી ગણતા. જોકે એ દરેક વ્યક્તિની શાકાહારી હોવાની વ્યાખ્યા પર નર્ભિર કરે છે. બાકી મશરૂમ ખાવા જ હોય તો ખાદ્ય અને અખાદ્ય મશરૂમ વચ્ચેનો ભેદ પારખવો ખૂબ જરૂરી છે, કેમ કે મોટા ભાગના મશરૂમ ઝેરી હોવાથી ખાઈ શકાય એવા નથી હોતા. જો ખાદ્ય-અખાદ્યની પરખમાં જરા પણ ગરબડ થાય તો એનાથી હેલ્થ પર જોખમ ઊભું થાય છે. ઝેરી મશરૂમ ખાવાથી પરસેવો વળવો, ક્રૅમ્પ્સ આવવા, જુલાબ થવા, કન્ફ્યુઝન થવું, આંચકી આવવી જેવાં લક્ષણો દેખાઈ શકે છે. ઘણી વાર લિવર ડૅમેજ થાય છે અને મૃત્યુ પણ થઈ શકે છે. હંમેશાં જાણીતી અને માન્યતાપ્રાપ્ત દુકાનમાંથી જ મશરૂમ ખરીદવા.

એવું કહેવામાં આવે છે કે મશરૂમનાં ખુલ્લાં છિદ્રો પર નમક છાંટીને મૂકી રાખવા. જો એ ભાગ પીળો પડી જાય તો એ ઝેરી મશરૂમ અને જો બ્લૅક પડી જાય તો ખાવાલાયક ગણવા.

મશરૂમમાં રહેલાં પોષક તત્વો

એક કપ બટન મશરૂમમાં માત્ર ૧૫ કૅલરી જ હોય છે અને એકદમ રિચ ગણાતા પોટોર્બેલો મશરૂમમાં બાવીસ કૅલરી હોય છે. એ લો કૅલરી હોવા ઉપરાંત એમાં કૉલેસ્ટરોલ અને ફૅટ લગભગ ઝીરો હોય છે. સેલેનિયમ, પોટૅશિયમ, તાંબુ, વિટામિન બી કૉમ્પ્લેક્સ, ખૂબ જ સારી માત્રામાં છે. એમાં પ્રોટીન, કાબોર્હાઇડ્રેટ પણ ઓછું હોય છે ને ફાઇબર વધુ હોય છે જેને કારણે વેઇટલૉસ માટે ખૂબ જ ઉપયોગી છે. વધુપડતું સોડિયમ નુકસાનકારક હોય છે, પરંતુ એમાં સોડિયમ ડેઇલી જરૂરિયાતના માત્ર એક ટકા જેટલું જ હોય છે.

હેલ્થ-બેનિફિટ્સ

કૅન્સર અને હૃદયની બીમારીઓ : ખૂબ જ અગત્યનું સેલેનિયમ નામનું ખનિજતત્વ પણ એમાં છે. સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે સેલેનિયમને કારણે કૅન્સર અને કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝનું રિસ્ક ઘટે છે. એવા પણ દાવા થયા છે કે એચઆઇવીનો પ્રોગ્રેસ અટકાવવામાં પણ મશરૂમ કામ આપે છે.

હાઈ બ્લડપ્રેશર : કેળાંમાં ખૂબ સારી માત્રામાં પોટેશિયમ છે એવું માનવામાં આવે છે. મશરૂમમાં કેળાં કરતાં બમણું પોટૅશિયમ મળે છે, જે હાઈ બ્લડપ્રેશર અને સ્ટ્રોકનું રિસ્ક ઘટાડે છે.

હીમોગ્લોબિન : આયર્ન અને કૉપરને કારણે શરીરમાં લાલ રક્તકણો બને છે અને એનાથી ઑક્સિજનનો પ્રસાર યોગ્ય રીતે થાય છે. 

ઓબેસિટી : સામાન્ય રીતે ઓછી કૅલરીવાળા પદાથોર્માં જરૂરી ન્યુટ્રિશન નથી હોતું, પરંતુ મશરૂમ ખૂબ જ લો-કૅલરી હોવા છતાં એમાં શરીર માટે જરૂરી સૂક્ષ્મ ખનિજતત્વો અને વિટામિન્સ મળી રહે છે. હેલ્ધી સ્કિન અને વિઝન માટે રિબોફ્લેવિન, નવ્ર્સ સિસ્ટમ અને પાચનતંત્રમાં મદદ કરતું નાયાસિન અને હૉમોર્ન પ્રોડક્શનમાં મદદ કરતું પૅન્ટોથેનિક ઍસિડ મશરૂમ્સમાંથી મળી રહે છે. એમાંથી મળતાં વિટામિન્સનું પ્રમાણ હેલ્ધી માંસમાંથી મળતાં વિટામિન્સ સાથે મળતું આવે છે.

કુકિંગ-ટિપ્સ

ફ્રેશ મશરૂમને પાણીમાં પલાળી રાખવા ન જોઈએ, કેમ કે એ સ્પન્જની જેમ પાણી ચૂસી લે છે. એને સાફ કરવા માટે પાણીથી ધોવાં પણ ન જોઈએ. સૉફ્ટ મશરૂમ બ્રશ વડે એના પરનો કચરો સાફ કરી લેવો અથવા તો પેપર ટૉવેલ વડે સાફ કરી લેવા.

ફ્રેશ મશરૂમ્સ ત્રણ દિવસમાં વાપરી લેવા જોઈએ. ડ્રાય મશરૂમ ગરમ પાણીમાં ૩૦ મિનિટ પલાળી રાખવા. એ પછી પાણીથી ધોઈ, નિતારી અને સૂકા કરીને પછી વાપરવા.

કૅનમાં કે ફ્રોઝન કરીને પ્રિઝર્વ કરેલા મશરૂમ લાંબો સમય ટકી શકે છે.

મશરૂમને ઍલ્યુમિનિયમના વાસણમાં રાંધવા ન જોઈએ, કેમ કે એનાથી મશરૂમનો કલર બદલાઈ જાય છે.