વર્કઆઉટ સાથે રેસ્ટ પણ જરૂરી

08 October, 2012 06:56 AM IST  | 

વર્કઆઉટ સાથે રેસ્ટ પણ જરૂરી



ફિટનેસ Funda


મારા માટે ફિટનેસનો અર્થ ફક્ત સારું ફિઝિક હોવું જ નથી, પરંતુ ઓવરઑલ લાઇફ-સ્ટાઇલ ફિટ હોવી જોઈએ અને આ જ નિયમ હું મારી લાઇફ માટે ફૉલો કરું છું. ફિટ થવાનો અર્થ ભારેખમ મસલ્સ અને સારું ફિગર હોવું એટલો જ નથી. હું પોતાની અંદર રહેલી પૉઝિટિવિટીમાં માનું છું. વ્યક્તિના જીવનમાં રહેલો પૉઝિટિવ ઍટિટ્યુડ તેની હેલ્ધી લાઇફ-સ્ટાઇલમાં ઝલકે છે.

મારું ફિટનેસ રેજિમ

હું જરાય ફિટ નહોતો અને ફિટનેસને પ્રાયોરિટી પણ નહોતો આપતો, પરંતુ મેં ગ્રાસિમ મિસ્ટર ઇન્ડિયા માટે પાર્ટિસિપેટ કરેલું ત્યારે ત્યાં મળેલી ટ્રેઇનિંગ અને ફિઝિક રાઉન્ડમાં પડેલી મુશ્કેલીઓને લીધે મેં ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. ત્યાંથી જ મને ખબર પડી કે ફ્લૅટ ઍબ્સ, સ્ટ્રૉન્ગ બાયસેપ્સ, સારું લોઅર બૉડી વગેરેનું શું મહત્વ હોય. ત્યાર બાદ હવે હું ફિટનેસ રેજિમને ખૂબ ગંભીરતાથી ફૉલો કરતો થયો છું. હું બૅલેન્સ્ડ રીતે વર્કઆઉટ કરવામાં માનું છું, કારણ કે વધારે પ્રમાણમાં કંઈ પણ કરો તો એ શરીર માટે હાનિકારક નીવડી શકે છે. હું અઠવાડિયામાં ચાર દિવસ વેઇટ ટ્રેઇનિંગ એક્સરસાઇઝ કરું છું. ત્યાર બાદ બે દિવસ કાર્ડિયો તેમ જ મસ્ક્યુલર એક્સરસાઇઝ અને એક દિવસ કમ્પ્લીટ આરામ. હું દિવસમાં એકથી દોઢ કલાક વર્ક માટે ફાળવું છું. આરામ કરવો જરૂરી છે, કારણ કે મારું માનવું છે કે શરીર એ કંઇ મશીન નથી. આખુ અઠવાડિયું આટલું કામ કર્યા બાદ એક દિવસ એને આરામ આપવો જરૂરી છે.

હેલ્ધી ઈટિંગ

હું ચોક્કસ સમયે અને ચોક્કસ પ્રમાણમાં ખાવાનું પસંદ કરું છું. ઘણા લોકો માને છે કે ડાયેટિંગ એટલે પોતાને ભૂખ્યા રાખવું, પરંતુ ભૂખ્યા રહેવું એ પોતાની ડાયટને કન્ટ્રોલ કરવાનો સાચો તરીકો છે જ નહીં. ભૂખ્યા રહેવાથી શરીરની આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે. હું બ્રેકફાસ્ટમાં એગ્સ અને બ્રાઉન બ્રેડ લઉં છું. સાથે બેક્ડ બીન્સ પણ લઉં. ત્યાર બાદ લંચમાં ઘરનું બનેલું ફૂડ જ લઉં જેમાં બ્રાઉન રાઇસ, ચિકન અને દાળનો સમાવેશ થાય. હું ડિનર બને એટલું વહેલું લેવાની ટ્રાય કરું છું. રાતના સમયે હું સૂપ અને સૅલડ જ પ્રિફર કરું. રાજમા-ચાવલ મારા ફેવરિટ છે, પરંતુ હેલ્થને કારણે હંમેશાં એ ખાઈ નથી શકતો. હું મારી લાઇફમાં ઘણી વાર રાજમા-ચાવલ ખાવાનું મિસ કરું છું. જે પણ ખાવું હોય એ ખાઓ પણ એની સામે એટલી કૅલરી બર્ન થાય એનું પણ ધ્યાન રાખો.

મનની શાંતિ

ફિટનેસમાં મેન્ટલ સ્ટ્રેન્ગ્થનો પણ સમાવેશ થાય છે, કારણ કે છેવટે બધા નિર્ણયો લેવાનું કામ તો મગજ જ કરે છે. મને યોગ કરવું પસંદ છે, પણ કાશ મારા ડેઇલી રૂટીનમાં મને એ કરવાનો સમય મળે. જોકે સવારના સમયે જ્યારે પણ સમય મળે ત્યારે હું મેડિટેશન જરૂર કરી લઉં છું.

ઊંઘ જરૂરી છે

મારા મતે હેલ્ધી ઈટિંગ અને પ્રૉપર વર્કઆઉટ સિવાય ફિટનેસ જાળવવી હોય તો યોગ્ય પ્રમાણમાં ઊંઘ લેવી પણ જરૂરી છે. વ્યક્તિએ દિવસના છ કલાકની ઊંઘ લેવી જ જોઈએ અને જો શક્ય હોય તો દિવસ દરમ્યાન ૨૦-૨૫ મિનિટની એક પાવરનૅપ પણ લેઈ લેવી જોઈએ, જે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવા માટે જરૂરી છે.

- વાતચીત અને શબ્દાંકન : અર્પણા ચોટલિયા