મોબાઇલ ફોન હેલ્થ માટે ટાઇમબૉમ્બ

10 November, 2011 03:47 PM IST  | 

મોબાઇલ ફોન હેલ્થ માટે ટાઇમબૉમ્બ



મોબાઇલ ફોનથી કૅન્સર થવાની દહેશત હોવાની ચર્ચા વર્ષોથી થઈ રહી છે, પરંતુ ગઈ કાલે બ્રિટનના વૈજ્ઞાનિકોની એક ટીમે દાવો કર્યો હતો કે સેલફોન આરોગ્ય માટે ટાઇમબૉમ્બ સમાન સાબિત થઈ શકે છે. તેમના દાવા અનુસાર અત્યાર સુધીમાં વિશ્વમાં ૨૦૦થી વધુ એવા અભ્યાસ થઈ ચૂક્યા છે જેમાં મોબાઇલ ફોનથી હેલ્થને લગતી અનેક ગંભીર સમસ્યા પેદા થતી હોવાનું તારણ નીકળ્યું છે.

એક અભ્યાસ મુજબ લાંબા ગાળા સુધી મોબાઇલ ફોનના વપરાશને કારણે ગ્લીઓમા તરીકે ઓળખાતું બ્રેઇન ટ્યુમર થઈ શકે છે. સ્વીડનના વૈજ્ઞાનિકોએ ૨૦૦૮માં કરેલી સ્ટડીમાં જણાવ્યું હતું કે સેલફોનનો ઉપયોગ કરતા લોકોને બ્રેઇન ટ્યુમર થવાની શક્યતા સામાન્ય લોકો કરતાં પાંચગણી વધી જાય છે.

સેલફોનના વપરાશથી શુક્રાણુઓ ઘટી જવા અને મગજના કોષોને નુકસાન થઈ શકે છે એવાં તારણો જુદા-જુદા અભ્યાસોમાં બહાર આવ્યા છે. એક રિસર્ચમાં તો એવું સાબિત થયું હતું કે જે મહિલાએ ગર્ભાવસ્થા દરમ્યાન સેલફોનનો ભરપૂર ઉપયોગ કર્યો હોય તેનું બાળક સ્વભાવે ચીડિયું બની શકે છે. 

૩૦ વર્ષ બાદ અસર

લંડનની ચેરિંગ ક્રૉસ હૉસ્પિટલના ન્યુરોસજ્ર્યન કેવિન ઓ‘નીલે મોબાઇલ ફોનની હેલ્થ પર અસર વિશે કહ્યું હતું કે ‘મોબાઇલ ફોનના વપરાશનાં ૩૦ વર્ષ બાદ એની અસર હેલ્થ પર દેખાવાનું શરૂ થાય છે. જો ત્યાં સુધી નિષ્ક્રિય બેસી રહીએ તો ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડી શકે છે.’

મોબાઇલ પર વૉર્નિંગ લખો

બ્રિટનની બ્રિસ્ટોલ યુનિવર્સિટીના પ્રોફેસર ડેનિસ હેન્શોએ મોબાઇલ પર સિગારેટની માફક ચેતવણી લખવાની ભલામણ કરતાં કહ્યું હતું કે ‘મોટી સંખ્યામાં લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમને બ્રેઇન ટ્યુમરથી માંડીને નપુંસકતા સુધીની સમસ્યાઓ પેદા થઈ શકે છે.’

હૅન્ડ્સ-ફ્રીનો ઉપયોગ કરો

ગત જૂન મહિનામાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ મોબાઇલ ફોનને હેલ્થ માટે જોખમી ગણાવીને ચેતવણી આપી હતી કે ‘મોબાઇલ ફોનનું રેડિયેશન મગજ માટે હાનિકારક નીવડી શકે છે એટલે મોબાઇલ કાને રાખીને વાત કરવાને બદલે હૅન્ડ્સ-ફ્રીનો ઉપયોગ કરવો જોઈએ.’

બાળકોને સૌથી વધુ અસર

વૈજ્ઞાનિકોના મત અનુસાર બાળકોના મગજને મોબાઇલના રેડિયેશનની અસર સૌથી ઝડપથી થાય છે. આથી બાળકોને સેલફોનનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવા દેવો જોઈએ.

વૈજ્ઞાનિકોમાં વિવાદ

મોબાઇલ ફોન આરોગ્ય માટે હાનિકારક છે એ મુદ્દે વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોમાં બે જૂથ પડી ગયાં છે. એક ગ્રુપ આ બાબત સ્વીકારવા તૈયાર નથી. ટેલિકૉમ કંપનીઓ પણ મોબાઇલ ફોનને લીધે આરોગ્યને નુકસાન થતું હોવાની વાતને રદિયો આપી રહી છે.

લૅપટૉપનો ઉપયોગ પણ જીવલેણ બની શકે

ઘરમાં લૅપટૉપ હોવું કોઈકને માટે જરૂરિયાત અને કોઈકને માટે ફૅશન બની ગયું છે, પરંતુ એનો ઉપયોગ સાવધાનીથી ન કરવામાં આવે તો એ તમારા માટે જીવલેણ પણ પ્રૂવ થઈ શકે છે. તાજેતરમાં કલકત્તામાં એક એક્ઝિક્યુટિવનું મૃત્યુ લૅપટૉપને લીધે લાગેલી આગમાં થયું હતું. આ અગાઉ અમેરિકાના વિસ્કોન્સિન શહેરમાં ૪ જૂને લૅપટૉપને લીધે લાગેલી આગને કારણે ૨૫ વર્ષના એમબીએ (માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન) ગ્રૅજ્યુએટ અરુણ ગોપાલરત્નમનું ટ્રૅજિક મૃત્યુ થયું હતુ.ં અમેરિકાના તપાસકારોએ શોધી કાઢ્યું હતું કે લૅપટૉપને બેડ પર મૂકવાથી એની કૂલિંગ સિસ્ટમ બંધ પડી ગઈ હતી અને લૅપટૉપ વધુપડતું ગરમ થઈ જતાં આગ લાગી હતી. કૅનેડાના વાનકુવરમાં પણ લૅપટૉપથી લાગેલી આગને લીધે ૫૬ વર્ષના એક માણસનું ઊંઘમાં જ મોત થયું હતું.

લોકોને લૅપટૉપ લઈને બેડમાં પણ કામ કરવાની, ફિલ્મ જોવાની અથવા તો સર્ફિંગ કરવાની આદત હોય છે અને તેમને ઓચિંતી ઊંઘ આવી જાય છે એમ જણાવીને એક્સપટ્ર્સ કહે છે કે લૅપટૉપમાં લૉગ-ઑફ ન કરવામાં આવ્યું હોવાથી બૅટરીઓ વધુ ગરમ થતાં સ્ફોટ થઈ શકે છે.

લૅપટૉપની બૅટરીમાં લિથિયમનો ઉપયોગ થાય છે અને આ અતિશય ક્રિયાશીલ મેટલ છે, જે હવા કે પાણીના સંપર્કમાં આવતાં મેટલમાં સ્ફોટ કે આગ લાગી શકે. લૅપટૉપ આમ પણ ખતરનાક ડિવાઇસ છે, કારણ કે એ ૧૯ વૉટ બહાર કાઢે છે અને એનામાં અનેક નુકસાનકારક રસાયણો હોય છે. લૅપટૉપને ખોળામાં મૂકવું એ એક સંભવિત ગ્રેનેડને ખોળામાં મૂકીને બ્લાસ્ટ ન થાય એની પ્રાર્થના કરવા જેવું છે.