પતિદેવ તો કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ શાક ખાઈ ગયા પણ...

29 December, 2011 06:47 AM IST  | 

પતિદેવ તો કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ શાક ખાઈ ગયા પણ...



(મારા કિચનના પ્રયોગો -રત્ના પીયૂષ)

રસોઈ ટેસ્ટી બનવાની સાથે હેલ્ધી પણ હોવી જોઈએ. આ શબ્દો છે બોરીવલી (વેસ્ટ)માં રહેતાં રીના બોહરાના. તેમને રસોઈ બનાવવા માટે અવનવા અખતરા કરવા ગમે છે. જોકે એમાં ક્યારેક ગરબડ થઈ જાય. આમ તો રીનાબહેન સારી રસોઈ બનાવે જ છે, પરંતુ કોઈક વખત રસોઈ માટે નવા પ્રયોગો કરવા જતાં ગોટાળો વળી જાય. તો જાણીએ તેમના કિચનના પ્રયોગો વિશે.

ક્યાં થઈ ગરબડ


મારા પતિ સંજય બોહરા મારવાડી વૈષ્ણવ જ્ઞાતિના છે અને હું ગુજરાતી સ્થાનકવાસી જૈન જ્ઞાતિની. અમારાં લગ્ન પછી મારા પતિને ઇમ્પ્રેસ કરવા માટે તેમની પસંદગીનું ગટ્ટાનું શાક બનાવવા માટે મેં મારી ફ્રેન્ડ પાસેથી ફોન પર રેસિપી તો સમજી લીધી, પરંતુ બનાવતી વખતે દાટ વળી ગયો. ગટ્ટા બનાવવા માટે વધુ મોણ નાખવાને બદલે થોડુંક જ મોણ નાખ્યું એથી ગટ્ટા ખૂબ જ કડક બન્યા તેમ જ શાકમાં દહીં નાખવાને બદલે પાણી નાખી દીધું હતું. મારા પતિએ મને ખરાબ ન લાગે એ માટે મને કંઈ પણ કહ્યા વગર જમી લીધું હતું. જોકે પછીથી મેં જ્યારે શાક ચાખ્યું તો સમજાયું કે શાક બરાબર નહોતું બન્યું. પછીથી મારા પતિએ મને ગટ્ટાનું શાક બનાવવાની રેસિપી સમજાવી અને હવે હું ખૂબ જ સારું ગટ્ટાનું શાક બનાવતી થઈ ગઈ છું.

પથ્થર જેવી સુખડી


મને ટીવી પર આવતા કુકરી શો જોઈને રસોઈ બનાવવા માટે અવનવા પ્રયોગો કરવાની ટેવ છે. હજી થોડો વખત પહેલાં ચાસણી બનાવી અને એ પણ સુખડી બનાવવાની રેસિપી જોયા પછી. મેં એને બનાવવા અખતરો કર્યો. એમાં જે રીતે બતાવ્યું હતું એ પ્રમાણે મેં ચાસણી બનાવી, લોટ શેક્યો. ચાસણીમાં નાખ્યો. એને થાળીમાં ઠારી ચોરસ ચોસલાં પાડ્યાં અને ઠંડી કરવા મૂકી. હું મનમાં તો ખૂબ જ ખુશ હતી કે મેં સારી સુખડી બનાવી છે, પરંતુ એને ખાવા માટે તોડવા ગઈ તો તૂટે જ નહીં. એ પથ્થર જેવી બની ગઈ હતી. દસ્તાથી એને તોડીને બે ટુકડા કર્યા. એને ખાતાં દાંત દુખે એવી કડક બની ગઈ હતી. પછી મને સમજાયું કે મારાથી ચાસણી બરાબર નહોતી બની. બસ એ દિવસથી મેં નક્કી કરી નાખ્યું હતું કે હવે હું ફરીથી ક્યારેય સુખડી નહીં બનાવું.

ચટાકેદાર દાલબાટી

મારા હાથે બનાવેલી દાલબાટી મારા સૌ કુટુંબીજનો વખાણે છે. હું દાળ બનાવવા માટે તુવેર, ચણા, મસૂર, અડદ, મગ એમ પાંચ દાળ મિક્સ કરીને દાળ બનાવું છું તેમ જ બેસનના લાડુ, રવાનો શીરો, ખીર, બાસુંદી વગેરે ગળ્યું પણ હું ખૂબ જ ટેસ્ટી બનાવું છું.

કિચન ફન્ડા


હું રસોઈ બનાવતી વખતે હેલ્ધી ફૂડ બને એની ખૂબ જ કાળજી રાખું છું. મારા નવ વર્ષના દીકરા હિતાર્થને ટેસ્ટી ફૂડ ભાવે આથી સ્વાદની સાથે સ્વાસ્થ્ય સારું રહે એ માટે હેલ્થને ઘ્યાનમાં રાખી રસોઈ બનાવું છું. ઘઉંના લોટમાં સોયાનો લોટ મિક્સ કરી રોટલી બનાવું. પીત્ઝામાં કૅપ્સિકમની સાથે ફણસી, ગાજર વગેરે ઝીણાં સમારી ટૉપિંગ કરું. દાળ, ખીચડી, પુલાવ, ભજિયાં વગેરેમાં ઓટસ નાખી દઉં જેથી સ્વાદની સાથે હેલ્થ પણ સચવાય.

શું ધ્યાનમાં રાખવું?

કોઈ પણ દાળ બનાવતાં પહેલાં એને એક કલાક કે એથી વધુ સમય સુધી પલાળીને રાખવી જેથી દાળ વધુ સ્વાદિષ્ટ બનશે તેમ જ રસોઈ બનાવતી વખતે સ્વાદની સાથે સ્વાસ્થ્ય જળવાય એ રીતે બનાવવી જોઈએ.

- તસવીર : રાણે આશિષ