તમને વારંવાર ફેફસાંનું ઇન્ફેક્શન થઈ જાય છે?

02 October, 2012 06:12 AM IST  | 

તમને વારંવાર ફેફસાંનું ઇન્ફેક્શન થઈ જાય છે?



ફાલ્ગુની જડિયા-ભટ્ટ

શું તમને વારંવાર શરદી થઈ જાય છે? માત્ર એટલું જ નહીં, હાફ ચડવી, ન્યુમોનિયા, ફેફસાંનું ઇન્ફેક્શન અને સાઇનસ જેવી બીમારીઓ પણ વારંવાર થાય છે? જો આ સવાલોના જવાબ હા હોય તો તમારા ડૉક્ટરને એક વાર ફાઇબ્રોસિસ વિશે પૂછી લેવું હિતાવહ છે. સીએસ એટલે કે સિસ્ટિક ફાઇબ્રોસિસ એક વારસાગત બીમારી છે, જે ફેફસાં, પિત્તાશય, લિવર, આંતરડાં, સાઇનસ તથા જનનાંગોને અસર કરે છે.

સામાન્ય રીતે આપણા બધાના જ શરીરમાં પાણી જેવો પાતળો અને ચીકણો કફ હોય છે. એનું મુખ્ય કામ શરીરના અમુક અવયવોમાં ભેજનું પ્રમાણ જાળવી રાખી ત્યાં ચેપ થતો અટકાવવાનું છે.

લીલાવતી હૉસ્પિટલના ફેફસાના નિષ્ણાંત ડૉ. સંજીવ મહેતા કહે છે, ‘જો તમને સિસ્ટિક ફાઇબ્રોસિસ હોય તો આ કફ ખૂબ જ જાડો અને ચીકણો બની ફેફસાં તથા શ્વાસનળીમાં અટવાઈ જાય છે અને શ્વસનની ક્રિયા મુશ્કેલ બનાવી દે છે. વધુમાં આ કફમાં બૅક્ટેરિયાનો ફેલાવો પણ ઝડપથી થતાં લંગ ઇન્ફેક્શન પણ અવારનવાર થઈ આવે છે. અહીં ન અટકતાં આ કફ તમારા પિત્તાશય પર પણ અસર કરે છે અને ત્યાં તૈયાર થતાં પાચનક્રિયા માટે જરૂરી એવાં એન્ઝાઇમ્સ આંતરડાં સુધી પહોંચવા દેતો નથી. પરિણામે આંતરડાં ચરબી અને પ્રોટીનને પૂરતા પ્રમાણમાં ઍબ્ર્સોબ ન કરી શકતાં શરીરમાં વિટામિનની ઊણપ ઊભી થાય છે. એ સાથે પેટમાં દુખાવાથી માંડી વજનદાર મળ, આંતરડાંમાં ગૅસ, પેટ પર સોજો અને કબજિયાત જેવી સમસ્યા પણ રહ્યા કરે છે.’

સિસ્ટિક ફાઇબ્રોસિસને કારણે પસીનામાં નમકનું પ્રમાણ પણ વધારે રહે છે. પસીનામાં વધારે પડતું નમક વપરાઈ જતું હોવાથી શરીરમાં મિનરલ્સનું સમતુલન ખોરવાઈ જાય છે, જેને કારણે ડીહાઇડ્રેશન, હૃદયના ધબકારા વધી જવા, થકાવટ, કમજોરી, લો બ્લડપ્રેશર વગેરેની સમસ્યા પણ સતાવતી રહે. જે બાળકોમાં સિસ્ટિક ફાઇબ્રોસિસ હોય તેમને ડાયાબિટીસ તથા ઑસ્ટિયોપોરોસિસ નામે ઓળખાતી હાડકાં પાતળાં થવાની બીમારીની શક્યતા વધી જાય છે. એ સાથે પુરુષોમાં આ બીમારીને કારણે નપુંસકતા તથા સ્ત્રીઓમાં વાંઝિયાપણું આવવાની સંભાવના પણ રહે છે.

મુખ્ય કારણો


દરેક વ્યક્તિના શરીરમાં સીએફટીઆર નામના બે જીન્સ હોય છે. આ બેમાંથી એક જીન્સ માતા તરફથી અને બીજો પિતા તરફથી પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિને માતા અને પિતા બન્ને તરફથી ખામીયુક્ત સીએફટીઆર મળે તો તે સીએસને ભોગ બને છે, પરંતુ જો તેને બન્નેમાંથી કોઈ પણ એક જ વાલી તરફથી આવો ખામીયુક્ત જીન્સ મળે તો એ સીએફ કૅરિયર બની જાય છે એટલે કે એ વ્યક્તિમાંથી તેના બાળકને પણ આવો ખામીયુક્ત જીન્સ મળવાની સંભાવના રહે છે. આ જીન્સનું મુખ્ય કામ શરીરમાં પાણી અને નમકનું સંતુલન જળવાતું પ્રોટીન તૈયાર કરવાનું હોય છે, પરંતુ જેમને સીએસ હોય તેવી વ્યક્તિઓના શરીરમાં આ પ્રોટીન યોગ્ય રીતે કામ કરતું નથી, જેને કારણે શરીરમાં રહેલો કફ ખૂબ જાડો અને ચીકણો બની જાય છે તથા પસીનામાં નમકનું પ્રમાણ વધારે પડતું રહે છે.

ડૉ. સંજીવ મહેતાએ જણાવ્યાનુસાર આ રોગનું પ્રમાણ અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં વધારે છે. જોકે છેલ્લાં કેટલાંક વરસોમાં આપણા દેશમાં પણ આ રોગના કિસ્સાઓ નોંધાયા છે.

નિદાન કેવી રીતે થાય?


નાનાં બાળકોમાં આ બીમારીનું નિદાન જિનેટિક ટેસ્ટ તથા બ્લડ-ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. જેનેટિક ટેસ્ટમાં બાળકના સીએફટીઆર ખામીયુક્ત છે કે નહીં એ જોવામાં આવે છે તથા બ્લડ-ટેસ્ટ દ્વારા તેનું પિત્તાશય બરાબર કામ કરે છે કે નહીં એની તપાસ કરવામાં આવે છે. આ બે ટેસ્ટનું પરિણામ હકારાત્મક આવે તો ડૉક્ટર સ્વેટ ટેસ્ટ કરવાની ભલામણ કરે છે. એ સિવાય છાતી તથા સાઇનસનો એક્સ-રે, લંગ ફંક્શન ટેસ્ટ તથા સ્પ્યુટમ કલ્ચર જેવી ટેસ્ટ પણ આ રોગના નિદાન માટે ઉપયોગી છે.

સારવાર નથી

ડૉ. સંજીવ મહેતા જણાવે છે કે ‘સિસ્ટિક ફાઇબ્રોસિસની કોઈ ચોક્કસ સારવાર નથી. આ બીમારીના કફને કારણે ફેફસાંમાં ખાડા પડી જતા હોવાથી લંગ ટ્રાન્સપ્લાન્ટ એક ઉપાય છે ખરો, પરંતુ એ હદ સુધી ન જવું હોય તો એનો સરળ માર્ગ એનાં લક્ષણો અને કૉમ્પ્લિકેશન્સને કાબૂમાં લેવાનો છે. વિજ્ઞાનની પ્રગતિ સાથે આ કફને શરીરની બહાર ખેંચી કાઢે એવા એક્સટ્રૅક્ટર્સ ઉપરાંત એને પાતળો કરી શકે એવી લિક્વિફાયર નામે ઓળખાતી દવાઓ પણ હવે અસ્તિત્વમાં આવી ગઈ છે. એ સિવાય જરૂર હોય ત્યાં ડૉક્ટરો ઍન્ટિ-બાયોટિક્સ અને ઍન્ટિ-ઇન્ફલેમેટરી દવાઓ પણ આપે છે. પહેલાં આ રોગના દરદીઓનું સરેરાશ આયુષ્ય ૧૫ વર્ષ જ હતું, જે હવે આ દવાઓને પગલે બમણું થઈ ૩૦ સુધી લંબાયું છે, છતાં એક તંદુરસ્ત વ્યક્તિની સરખામણીમાં આ રોગના દરદીઓ સામાન્ય રીતે તો ઓછું જ જીવે છે, એથી આ રોગનો સમૂળગો નાશ કરવા લગ્ન પહેલાં યુવક-યુવતીનું જેનેટિક કાઉન્સેલિંગ કરાવી લેવું જરૂરી છે. સાથે જ જેમને સીએસ હોય કે જેઓ સીએસ કૅરિયર હોય તેવી ગર્ભવતી મહિલાઓએ પ્રી-ડિલિવરી જેનેટિક કાઉન્સેલિંગ કરાવી લેવું જોઈએ.’

જીવનશૈલીમાં પરિવર્તન

સિસ્ટિક ફાઇબ્રોસિસના દરદીઓએ દર ત્રણ મહિને ચેક-અપ કરાવવું જરૂરી છે. એ ઉપરાંત તંદુરસ્ત જીવનશૈલી તથા યોગ્ય સંભાળ પણ અત્યંત આવશ્યક છે. ફળો, શાકભાજી અને અનાજથી ભરપૂર પૌષ્ટિક આહાર તંદુરસ્ત જીવનશૈલીનું સૌથી મહત્વનું પાસું છે. સાથે જ સિગારેટથી દૂર રહેવું, ઇન્ફેક્શનથી બચવા વારંવાર હાથ ધોવા, ખૂબ પ્રવાહી પીવું તથા છાતીની ફિઝિયોથેરપી કરતા રહેવું જેવી બાબતોનું ધ્યાન રાખવું પણ અત્યંત આવશ્યક છે. યોગ્ય કસરત પણ આ રોગના ઇલાજમાં મહત્વનું કામ કરે છે, પરંતુ કસરત કરતી વખતે થતા પસીનામાં શરીરમાંથી વધુપડતું નમક ઓછું ન થઈ જાય એ માટે શું કરવું એની ચર્ચા પહેલેથી જ ડૉક્ટર સાથે કરી લેવી વધુ હિતાવહ છે.